Surat news : સુરતમાં ફૂગવાળી કાજુ કતરી (Cashew Katri) વેચાતી હોવાનો મામલો સામે આવ્યો છે. કૈલાશ સ્વીટમાંથી અખાદ્ય મીઠાઈ ઝડપાઈ હોવા છતાં બે દિવસ પહેલાં તપાસ કરવામાં આવી હતી. તેમ છતાં ફરી મીઠાઈનું વેચાણ ચાલુ હોવાના આક્ષેપો થતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
Cashew Katri : બે દિવસ પહેલાં તપાસ, છતાં વેચાણ યથાવત્
કૈલાશ સ્વીટમાં બે દિવસ પહેલાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (Food and Drugs Department) દ્વારા તપાસ અને સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું. તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં વેચાણ ચાલુ હોવાની માહિતી સામે આવી છે. અહીં સૌથી મોટો સવાલ એ છે કે જો મીઠાઈના નમૂના લેવામાં આવ્યા હતા તો તપાસ પૂર્ણ થયા બાદ મીઠાઈનું વેચાણ કેવી રીતે ચાલુ રહ્યું? શું સેમ્પલિંગ (Sampling) કર્યા બાદ બાકીના જથ્થા પર તંત્રની કોઈ નજર નહોતી?
માત્ર રૂ.5 હજારનો દંડ, ગ્રાહકોના આરોગ્યની કિંમત આટલી જ?
આ સમગ્ર મામલે માત્ર રૂપિયા 5 હજારના દંડની કાર્યવાહી સામે પણ રોષ જોવા મળી રહ્યો છે. ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં થાય, ફૂગવાળી મીઠાઈ વેચાય અને તેના બદલામાં માત્ર રૂ.5 હજારનો દંડ થાય તો શું આવી કાર્યવાહી પૂરતી કહી શકાય? આવી કાર્યવાહીથી ખરેખર ભેળસેળ કે અખાદ્ય ખાદ્યપદાર્થોનું વેચાણ કરનારાઓમાં ભય ઊભો થશે કે પછી તેઓ દંડને ‘ધંધાનો ખર્ચ’ માનીને ફરી એ જ કામ કરતા રહેશે?
તહેવારો પહેલાં ખાદ્ય સુરક્ષા પર મોટો સવાલ
તહેવારો દરમિયાન મીઠાઈનું વેચાણ વધતું હોય છે. આવી સ્થિતિમાં અખાદ્ય મીઠાઈ (Unsafe Sweets)નું વેચાણ સામે આવવું ગંભીર બાબત છે. ગ્રાહકો પોતાના પૈસા ખર્ચીને મીઠાઈ ખરીદે છે, પરંતુ તેના બદલામાં આરોગ્ય માટે જોખમી વસ્તુ મળે તો જવાબદારી કોની?
હવે જોવાનું એ રહેશે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ મામલે માત્ર દંડ વસૂલ કરીને સંતોષ માને છે કે પછી અખાદ્ય મીઠાઈના વેચાણની સંપૂર્ણ તપાસ કરીને જવાબદાર વેપારી અને બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરે છે.
આ પણ વાંચો:સુરતમાં 6 દિવસમાં 55 હજાર કિલો અખાદ્ય ખોરાકનો નાશ
આ પણ વાંચો:કામરેજમાં ફૂડ સેફ્ટીનો સપાટો! 172 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ, 2 રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી
આ પણ વાંચો:કડીમાં નકલી ઘી-અખાદ્ય તેલ કૌભાંડનો પર્દાફાશ, હરિઓમ પ્રોડક્ટ્સના સંચાલક સામે ગુનો
