Anand News: આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના શકરપુર ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક જ પરિવારની ત્રણ સગી બહેનો તળાવમાં ડૂબી જતાં કરુણ મોત થયું છે. તળાવ કિનારે કાગળની હોડીઓ મળી આવ્યા બાદ પરિવારજનો અને સ્થાનિકોએ શોધખોળ હાથ ધરી હતી. બાદમાં ત્રણેય બાળકીઓને પાણીમાંથી (Three Sisters Drowned) બહાર કાઢવામાં આવી હતી.
તળાવ પાસે રમવા ગયેલી ત્રણ બહેનો પરત ન ફરતાં શોધખોળ
શકરપુર ગામના મોસમ ફળિયામાં રહેતા અને ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા અશ્વિન બારૈયાની ત્રણ દીકરીઓ- 13 વર્ષીય પ્રિયા, 11 વર્ષીય ઈશા અને 8 વર્ષની રીના- 30 ઓગસ્ટના રોજ સાંજના સમયે ખડઉ સીમ વિસ્તારમાં આવેલી તલાવડી તરફ ગઈ હતી. મોડે સુધી ત્રણેય બહેનો ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. ત્યારબાદ આસપાસના વિસ્તારમાં તેમની શોધખોળ (Khambhat Lake Incident) શરૂ કરવામાં આવી હતી.
Three Sisters Drowned: બાળકીઓ તળાવમાં ઉતરી હોવાની આશંકા
લગભગ બે કલાકની શોધખોળ દરમિયાન તળાવના કિનારે કાગળની (Shakarpur Lake) બનાવેલી હોડીઓ જોવા મળી હતી. જેના પગલે બાળકીઓ તળાવમાં ઉતરી હોવાની આશંકા મજબૂત બની હતી.સ્થાનિક તરવૈયાને જાણ કરવામાં આવતા તેણે તળાવમાં ઉતરીને શોધખોળ હાથ ધરી હતી.
સ્થાનિક તરવૈયાએ ત્રણેયને બહાર કાઢી
સાંજે આશરે 6 વાગ્યાના અરસામાં સ્થાનિક તરવૈયા ચિરાગે તળાવના પાણીમાં શોધખોળ શરૂ કરી હતી. ભારે જહેમત બાદ તેણે ત્રણેય બાળકીઓને પાણીમાંથી બહાર કાઢી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની મદદથી ત્રણેયને સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે, ફરજ પરના તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા.
એકસાથે ત્રણ દીકરીઓની અંતિમયાત્રાથી ગામમાં શોક
એક જ પરિવારની ત્રણ દીકરીઓના એકસાથે મોતના સમાચારથી શકરપુર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. હસતા-રમતા પરિવારમાં અચાનક ત્રણ દીકરીઓના મોતથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.ત્રણેય બહેનોની એકસાથે અંતિમયાત્રા નીકળતાં સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પાણીની ઊંડાઈનો અંદાજ ન રહેતાં ત્રણેય બહેનો તળાવના ઊંડા ભાગમાં પહોંચી ગઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: દીપડાએ કર્યું વાછરડાનું મારણ, ખેડૂતે ઢારિયાનો દરવાજો બંધ કરી બચાવ્યો મોટો ખતરો
આ પણ વાંચો: વડોદરા ભાયલી ગેંગરેપ કેસમાં મોટો ચુકાદો, પાંચેય દોષિતોને આજીવન કેદની સજા
આ પણ વાંચો: બોડેલીમાં 15 દિવસમાં 3 દીપડા પાંજરે પુરાયા, છતાં એકની શોધ ચાલુ; ચાપરગોટામાં રાહત સાથે ચિંતા
