Bodeli News: બોડેલી તાલુકાના ચાપરગોટા પંથકમાં છેલ્લા પખવાડિયાથી દીપડાની (Bodeli Chapargota Leopard) વધતી અવરજવરને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળતો હતો. આ દરમિયાન વન વિભાગે હાથ ધરેલી સતત કામગીરીને પગલે માત્ર 15 દિવસના સમયગાળામાં ત્રણ દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી છે. ત્રણ દીપડા ઝડપાઈ જતાં હાલ ચાપરગોટા સહિત આસપાસના ગામોના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, આ વિસ્તારમાં હજુ એક દીપડો હોવાની આશંકાને પગલે વન વિભાગે તેની શોધખોળ શરૂ રાખી છે.
ચાર દીપડા એકસાથે દેખાતા ભયનો માહોલ
ચાપરગોટા પંથકમાં દીપડાની અવરજવર વધી જતાં ગ્રામજનોમાં ચિંતા વધી હતી. જબુગામ નજીક આવેલા બૈડી ફળિયા, તેજાવાવ અને ચાપરગોટા સહિતના વિસ્તારોમાં એકસાથે ચાર દીપડા ફરતા હોવાના વીડિયો પણ સામે આવ્યા હતા. રહેણાંક વિસ્તારની આસપાસ દીપડા દેખાવાની ઘટનાઓ વધતા લોકો ખાસ કરીને રાત્રિના સમયે બહાર નીકળતા પણ સાવચેતી રાખવા લાગ્યા હતા. પશુઓની સુરક્ષાને લઈને પણ પશુપાલકોમાં ચિંતા જોવા મળી હતી.
Bodeli Chapargota Leopard: વન વિભાગે અલગ-અલગ સ્થળે પાંજરા ગોઠવ્યા
દીપડાની સતત અવરજવર સામે વન વિભાગે તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી. દીપડાની હિલચાલ જોવા મળતા અલગ-અલગ સ્થળોએ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. વન વિભાગના કર્મચારીઓ દ્વારા વિસ્તારની સતત દેખરેખ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. આ કામગીરી દરમિયાન માત્ર 15 દિવસમાં ત્રણ દીપડા પાંજરે (Bodeli Leopard Rescue) પૂરાયા હતા. એક પછી એક ત્રણ દીપડા ઝડપાતા ગ્રામજનોમાં પણ ભયનું પ્રમાણ ઘટ્યું છે.
ત્રણ દીપડા ઝડપાઈ ગયા હોવા છતાં વન વિભાગે કામગીરી બંધ કરી નથી. વિસ્તારમાં હજુ એક દીપડો હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તેની શોધખોળ કરવામાં આવી રહી છે.વન વિભાગ દ્વારા વધુ એક પાંજરું ગોઠવવાની (Leopard Cage Operation) તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. દીપડાની હિલચાલ કયા વિસ્તારમાં છે તેની માહિતી મેળવવા માટે ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
ગ્રામજનોના સહયોગથી સફળતા મળી
બોડેલી RFO જ્યોત્સનાબેન રાઠવાએ જણાવ્યું હતું કે, ગ્રામજનોના સહયોગ અને વન વિભાગની સતત કામગીરીના પરિણામે ત્રણ દીપડાને પકડવામાં સફળતા મળી છે. વિસ્તારમાં હજુ એક દીપડો હોવાની આશંકા હોવાથી તેને પકડવા માટે પણ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. વન વિભાગ દ્વારા સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતીના આધારે દીપડાની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.
નાયબ વન સંરક્ષક રૂપક સોલંકીના માર્ગદર્શન હેઠળ RFO, ફોરેસ્ટર અને બીટગાર્ડ સહિતનો સ્ટાફ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યો છે. જંગલની નજીક આવેલા ગામોમાં વન વિભાગ દ્વારા લોકોને દીપડાની હાજરી અંગે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે. દીપડો દેખાય તો પોતાની રીતે તેની નજીક જવાને બદલે તાત્કાલિક વન વિભાગને જાણ કરવા માટે પણ ગ્રામજનોને સમજાવવામાં આવી રહ્યા છે.
વન વિભાગ દ્વારા જંગલ નજીકના ગામોમાં જાગૃતિ શિબિરોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શિબિરોમાં દીપડો કે અન્ય વન્યપ્રાણી દેખાય ત્યારે કેવી રીતે સાવચેતી રાખવી અને તાત્કાલિક કોને જાણ કરવી તે અંગે ગ્રામજનોને માહિતી આપવામાં આવી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને પશુઓને સુરક્ષિત સ્થળે રાખવા સહિતની તકેદારીઓ અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
પશુઓના શિકારથી વધ્યો હતો ભય
છેલ્લા કેટલાક સમયથી આ પંથકમાં દીપડાની અવરજવર સાથે પશુઓના શિકારની ઘટનાઓ પણ સામે આવી હતી. જેના કારણે પશુપાલકો અને ગ્રામજનોમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું. આ ઉપરાંત અગાઉ મોટા વાજપુર ગામમાં દીપડાના હુમલામાં બાળકીના મોતની ઘટના પણ બની હતી. આ ઘટનાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા જંગલને અડીને આવેલા ગામોમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
@સુલેમાન ખત્રી
આ પણ વાંચો: નાગલપુર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો! ભાવેશની કારમાંથી હથિયારો મળ્યા, 3 આરોપી ઝડપાયા
આ પણ વાંચો: ‘મિત્ર’ બનીને બે શખ્સોએ આચાર્યને ફસાવ્યા! ક્રેડિટ કાર્ડ-લોનના નામે લાખોની છેતરપિંડી
આ પણ વાંચો: ગુજરાતના મંત્રીઓના સોશિયલ મીડિયા ફોલોઅર્સમાં ઘટાડો, રિવાબા-હર્ષ સંઘવી સહિતના નામો ચર્ચામાં
