Gujarat Monsoon 2026/ ચોમાસું વિદાય તરફ, છતાં ગુજરાતમાં વરસાદની ઘટ; સપ્ટેમ્બર પર સૌની નજર

ગુજરાતમાં વરસાદ (Gujarat Rain Deficit)ની ઘટથી ખેડૂતો ચિંતિત, સૌરાષ્ટ્રમાં 30% ઘટ વચ્ચે સપ્ટેમ્બરના વરસાદ પર નજર

Top Stories Gujarat Others Breaking News
Gujarat Rain Deficit: વરસાદનું સંકટ ઘેરાયું, ચોમાસાની વિદાય પહેલા સપ્ટેમ્બરના વરસાદની આશા

Gujarat Monsoon 2026: ગુજરાતમાં ચોમાસાની સિઝનના આશરે 65 દિવસ પસાર થઈ ગયા છે, પરંતુ અનેક વિસ્તારોમાં વરસાદ (Gujarat Rain Deficit)ની અછત યથાવત્ છે. ચોમાસાની વિદાયને હવે અંદાજે 20થી 25 દિવસનો સમય બાકી હોવાનું અનુમાન છે ત્યારે વરસાદની ઘટને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. રાજ્યના 17 જિલ્લામાં હજુ પણ સામાન્ય કરતાં આશરે 3થી 87 ટકા સુધી વરસાદની ઘટ નોંધાઈ હોવાનું જણાવાયું છે.

ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છમાં વરસાદની સ્થિતિ વધુ ચિંતાજનક છે. હવે ખેડૂતો અને ખેતી ક્ષેત્રની નજર સપ્ટેમ્બર મહિનામાં થનારા વરસાદ પર ટકેલી છે. જો સપ્ટેમ્બરમાં પણ પૂરતો વરસાદ નહીં થાય તો તેની અસર ખરીફ પાક ઉપરાંત આગામી રવિ સિઝન પર પણ પડી શકે છે.

ખરીફ પાક પર સીધી અસરની ભીતિ

વરસાદ (Gujarat Rain Deficit)ની અછત યથાવત્ રહેશે તો કપાસ, સોયાબીન, મકાઈ અને કઠોળ જેવા ખરીફ પાકને નુકસાન થવાની શક્યતા છે. જમીનમાં જરૂરી ભેજ જળવાઈ ન રહે તો આગામી રવિ સિઝનના વાવેતર પર પણ અસર થઈ શકે છે. ખાસ કરીને ઘઉં અને સરસવ જેવા રવિ પાક માટે જમીનમાં પૂરતો ભેજ જરૂરી હોય છે. તેથી સપ્ટેમ્બરમાં વરસાદ કેટલો થાય છે તે ખેડૂતો માટે અત્યંત મહત્વનું બની રહ્યું છે.

Gujarat Rain Deficit: રાજ્યમાં 7% અને સૌરાષ્ટ્રમાં 30% વરસાદની ઘટ

આપેલી માહિતી અનુસાર, ગુજરાતમાં અત્યાર સુધી સામાન્ય સરેરાશની સરખામણીએ આશરે 7 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. જોકે, ગુજરાત રીજનમાં સામાન્ય કરતાં આશરે 9 ટકા વધુ વરસાદ નોંધાયો છે. બીજી તરફ, સૌરાષ્ટ્રમાં પરિસ્થિતિ વધુ ચિંતાજનક હોવાનું જણાવાયું છે. અહીં સામાન્ય કરતાં આશરે 30 ટકા વરસાદ ઓછો નોંધાયો છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની સ્થિતિ ખાસ નબળી રહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ વચ્ચે તાપમાનમાં ખાસ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. બંને શહેરોમાં તાપમાન આશરે 33 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાયું છે. આગામી દિવસોમાં પણ ગરમી અને ભેજ વચ્ચે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આગામી સાત દિવસ ભારે વરસાદની શક્યતા ઓછી

હવામાન વિભાગની માહિતી અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ (Gujarat Rain Deficit) પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. જોકે, હાલ રાજ્યમાં મોટા પાયે ભારે વરસાદ લાવે તેવી કોઈ મજબૂત હવામાન સિસ્ટમની સંભાવના ઓછી હોવાનું જણાવાયું છે. ગુજરાતમાંથી સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંત અથવા ઓક્ટોબરની શરૂઆતમાં ચોમાસાની સત્તાવાર વિદાય થતી હોય છે.

‘વરસાદ નહીં પડે તો સૌરાષ્ટ્ર માટે સ્થિતિ ગંભીર બની શકે’

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, જો આગામી એક અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદ નહીં પડે તો સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તાર માટે દુષ્કાળ જેવી સ્થિતિ ગંભીર બની શકે છે. તેમના મતે, 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાંથી ચોમાસાની વિદાય થવાની શક્યતા ઓછી છે, પરંતુ આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના ખૂબ ઓછી દેખાઈ રહી છે. આ સ્થિતિમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું પ્રમાણ ખેડૂતો માટે નિર્ણાયક બની શકે છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી

અલ નીનોની અસરથી વરસાદમાં ઘટાડો?

હવામાન નિષ્ણાત મેહુલ વસાણીના જણાવ્યા પ્રમાણે, ચાલુ ચોમાસાની ઋતુમાં અલ નીનોની અસરને કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદની અછત જોવા મળી રહી છે. તેમના જણાવ્યા મુજબ, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય સરેરાશની સરખામણીએ વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહ્યું છે અને કેટલાક સ્થળોએ માત્ર 3થી 6 ટકા જેટલો વરસાદ નોંધાયો હોવાનું જણાવાયું છે. આ સ્થિતિ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે.

અરબ સાગરમાં સિસ્ટમ ન બનતા સૌરાષ્ટ્ર-કચ્છને અસર

મેહુલ વસાણીના જણાવ્યા મુજબ, અરબ સાગરમાં અનુકૂળ હવામાન સિસ્ટમ અથવા સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ન થવાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ખેંચાયો છે. સામાન્ય રીતે અરબ સાગરમાં હવામાનની અનુકૂળ સિસ્ટમ સક્રિય થાય ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સારો વરસાદ થતો હોય છે. પરંતુ આ વર્ષે ઇન્ડિયન ઓશન ડાયપોલની સ્થિતિ અને અલ નીનોની અસરને કારણે અરબ સાગર ઓછો સક્રિય રહ્યો હોવાનો હવામાન નિષ્ણાતનો મત છે.

કચ્છની સ્થિતિ પણ ચિંતાજનક

કચ્છમાં પણ વરસાદ (Gujarat Rain Deficit)ની અછત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષે કચ્છમાં સામાન્ય સરેરાશ કરતાં આશરે 57 ટકા ઓછો વરસાદ નોંધાયો હોવાનું જણાવાયું છે. ભૂતકાળમાં 1987માં ગુજરાતમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે કચ્છમાં પણ વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહ્યું હતું અને આશરે 5 ટકા જેટલો વરસાદ નોંધાયો હોવાનું જણાવવામાં આવ્યું છે.

હાલની સ્થિતિમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદ (Gujarat Rain Deficit)નું આગમન થાય છે કે નહીં તેના પર સૌની નજર છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો જમીનમાં ભેજ વધવાથી ખેડૂતોને રાહત મળી શકે છે. પરંતુ વરસાદની અછત યથાવત્ રહે તો ખરીફ પાક અને આગામી રવિ સિઝન બંને માટે મુશ્કેલી વધી શકે છે.


આ પણ વાંચો:ગુજરાતમાં 17 જિલ્લામાં વરસાદની ઘટ, દેવભૂમિ દ્વારકા-જામનગરમાં પાક સુકાતા ખેડૂતો પર સંકટ

આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદની સ્થિતિમાં સુધારો, આગામી 7 દિવસ સામાન્ય વરસાદની શક્યતા

આ પણ વાંચો:ગુજરાતમાં ચોમાસા વચ્ચે ઉકળાટ વધશે, ભારે વરસાદની શક્યતા નહિવત