Andhra News: બંગાળની ખાડીમાં સક્રિય ચક્રવાતી વાવાઝોડું અકવાન (Cyclone Akvan) હવે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની તાજી આગાહી (Akvan Cyclone Update) મુજબ, વાવાઝોડું 20 નવેમ્બરે બપોર સુધીમાં નરસાપુર અને પુરી વચ્ચેના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 90થી 100 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની અને ઝાપટાની ઝડપ 110 કિલોમીટર સુધી પહોંચવાની શક્યતા છે. વાવાઝોડાની દિશામાં આવેલા ફેરફારને પગલે બંને રાજ્યોમાં તંત્રએ સાવચેતીનાં પગલાં તેજ કર્યા છે.
Cyclone Akvan: આંધ્ર-ઓડિશાના દરિયાકાંઠે સૌથી વધુ અસરની આશંકા
ભારતીય હવામાન વિભાગ (IMD)ના 19 નવેમ્બરના બુલેટિન અનુસાર, અકવાન વાવાઝોડું પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં આગળ વધી રહ્યું છે. તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધીને ઉત્તર આંધ્ર પ્રદેશ, યાનમ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા વચ્ચે ટકરાઈ શકે (IMD Cyclone Warning) છે. આ પહેલાં વાવાઝોડું આંધ્ર પ્રદેશના અન્ય દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં 19 અને 20 નવેમ્બરે ભારે વરસાદની આગાહી છે. ઓડિશાના દક્ષિણ અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ (Heavy Rainfall Alert) અને તેજ પવનને કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
ઓડિશામાં 50 હજાર લોકોનું સ્થળાંતર
વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં આશરે 50 હજાર લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. ગંજામ જિલ્લામાં સૌથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
રાજ્યના 11 જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં શાળા અને આંગણવાડી બંધ રાખવા સહિતનાં સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યાં છે. રાહત કેન્દ્રો તૈયાર રાખવામાં આવ્યા છે અને વહીવટી તંત્રને સતત સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

આંધ્ર પ્રદેશમાં NDRF અને SDRFની ટીમો તહેનાત
આંધ્ર પ્રદેશમાં વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા NDRFની 13 અને SDRFની 11 ટીમો તહેનાત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે, જ્યારે ખેડૂતોને પાકને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લેવા જણાવાયું છે.
ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં નૌકાદળ સહિતની બચાવ એજન્સીઓ પણ તૈયારીઓમાં જોડાઈ છે. રેલવેએ પણ વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખીને કેટલીક ટ્રેનોના પ્રસ્થાનના સમયમાં ફેરફાર કર્યો છે.
અન્ય રાજ્યોમાં પણ વરસાદની શક્યતા
અકવાનની અસર માત્ર આંધ્ર પ્રદેશ અને ઓડિશા પૂરતી મર્યાદિત રહેવાની નથી. હવામાન વિભાગની આગાહી મુજબ, તમિલનાડુ, પુડુચેરી, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ, તેજ પવન અને ઊંચાં મોજાંને કારણે મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે.
તમિલનાડુના ઉત્તરી વિસ્તારોમાં 18 અને 19 નવેમ્બરે ભારે વરસાદની આગાહી છે. તેલંગાણામાં 20 અને 21 નવેમ્બરે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઈરાને આપ્યું છે વાવાઝોડાને અકવાન નામ
ચક્રવાત અકવાનનું નામ ઈરાન દ્વારા સૂચવવામાં આવ્યું છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાતા ચક્રવાતોના નામ માટે વિશ્વ હવામાન સંગઠન (WMO) હેઠળ પ્રાદેશિક દેશોની યાદી તૈયાર કરવામાં આવે છે. ભારત સહિત 13 દેશો આ નામકરણ વ્યવસ્થાનો ભાગ છે.
ઈરાનની પૌરાણિક કથા અને પ્રસિદ્ધ પર્શિયન મહાકાવ્ય ‘શાહનામા’માં અકવાન નામના પાત્રનો ઉલ્લેખ મળે છે. આ પાત્રને શક્તિશાળી દૈત્ય તરીકે દર્શાવવામાં આવ્યું છે, જેનો મુકાબલો યોદ્ધા રૂસ્તમ સાથે થયો હતો. જોકે, સત્તાવાર ચક્રવાત નામોની યાદીમાં ‘અકવાન’નો ચોક્કસ અર્થ આપવામાં આવ્યો નથી.
આ પણ વાંચો: ચક્રવાત અકવાન બન્યું વધુ શક્તિશાળી: 20 નવેમ્બરે દરિયાકાંઠે ટકરાશે, 5 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આ પણ વાંચો: 14 નવેમ્બરે અનેક રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આ પણ વાંચો: ઠંડીનો કહેર વધશે, દિલ્હી-UP સહિત 10 રાજ્યોમાં વરસાદ અને બરફવર્ષાનું એલર્ટ; જાણો હવામાનનો હાલ
