દેશની કેન્દ્રીય નેતાગીરીમાં ચાર ગુજરાતીઓ જોવા મળશે. ગુજરાત “ટીમ મોદી”માં PM મોદી સહિત ચાર ગુજરાતીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમિત શાહને કેન્દ્રીયમંત્રી, તો મનસુખ માંડવીયા અને પરષોત્તમ રૂપાલાને રાજ્યમંત્રી તરીકે સ્થાન મળ્યું છે. લાંબા સમય બાદ ગુજરાત સરકારમાં મોદીનાં પૂર્વ સાથી અને જુના જોગી એવી અમિત શાહ ફરી ટીમ મોદીમાં જોવા મળશે. દેશભરમાં ભાજપ+ ને 350થી વધુ બેઠકો અપાવવાં પાછળ જેની મહેનત અને કુટનીતિ હોવાનું માનવામાં આવે છે તે ભાજપનાં ચાણક્ય અમિત શાહે ગુજરાતનાં ગાંધીનગરથી સાંસદ તરીકે જ્વલંત વિજય મેળવ્યો હતો.
ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પોતાની સેવા આપી રહેલા અમિત શાહની અધ્યક્ષ તરીકેની મુદ્દત પૂર્ણ થઇ રહી છે અને ભાજપ પક્ષનાં નિયમો અનુસાર અધ્યક્ષનો હોદ્દો સતત બે ટર્મ માટે એક જ વ્યક્તિને સોંપવામાં આવતો નથી ત્યારે અમિત શાહનું મંત્રીમંડળ સામેલ થવુ નિશ્ચિત માનવામાં આવી રહ્યું હતું.

અમિત શાહનું મંત્રીમંડળમાં આગમન થતાની સાથે ગુજરાતમાં પૂર્વે જોવા મળી હતી તેવી જોડી ફરી જોવા મળશે કે કેમ તેની પર બધાની નજર મંડાયેલી રહેશે. આપને જણાવી દઇએ કે જ્યારે ગુજરાતમાં મોદી CM હતા ત્યારે અમિત શાહ ગૃહખાતું સંભાળતા, તો જ્યારે આજે મોદી PM છે ત્યારે અમિત શાહને ફરી ગૃહખાતું આપવામા આવશે? બીજી તરફ ગુજરાતના અન્ય બે નેતાઓએ રાજ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આમતો બનેં નેતા પૂર્વે પણ મોદી મંત્રીમંડળનો ભાગ રહી ચૂક્યા છે ત્યારે ફરી મનસુખ માંડવીયા અને પરષોત્તમ રૂપાલા રાજ્યમંત્રી તરીકે પસંદગી પામ્યા છે.
