કોરોના ની બીજી લહેર એ ગુજરાતની અંદર હાહાકાર મચાવ્યો છે. મોટા શહેરોથી લઈ નાના ગામડાં સુધી કોરોનાનો સંક્રમણ હાહાકાર મચાવી રહ્યું છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ને જામનગરમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવા માટે અનુરોધ કર્યો હતો.
જેનો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ત્વરિત પ્રતિસાદ આપ્યો છે. મુકેશ અંબાણીએ ગુજરાતમાં કોરોના સંક્રમણ ની વચ્ચે જનતાની સેવા માં સાથ અને સહકાર માટે રિલાયન્સ પરિવાર હમેશા પ્રજાની પડખે ઉભો છે તેવી ખાતરી આપી હતી. તેમણે વિજય ભાઈ સાથે થયેલી વાતચીત અનુસાર પોતાની સામાજિક ઉત્તરદાયિત્વ ના રૂપે જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથેની ઓક્સિજન સુવિધાઓ સહિત ની હોસ્પિટલ બનાવવા અધિકારીઓને સૂચના આપી દીધી છે.
આગામી રવિવાર સુધીમાં 4૦૦ બેડની હોસ્પિટલ ઓક્સિજન સુવિધા સાથે જામનગર ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા શરુ કરી દેવામાં આવશે અને ત્યારબાદ વધુ 6૦૦ બેડની ક્ષમતા સાથેની હોસ્પિટલ શરૂ કરવા માટે કાર્ય હાથ ધરવામાં આવશે.
આમ ખુબ જ ટુંકા ગાળાની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 400 અને 600 બેડ એમ કુલ મળી 1000 બેડની સંપૂર્ણ ક્ષમતાની ઓક્સિજન સુવિધા સહિતની હોસ્પિટલ જામનગર ખાતે શરૂ કરશે જે જામનગર તેમજ સૌરાષ્ટ્ર અને આસપાસના જિલ્લાઓ, જેવા કે દ્વારકા, પોરબંદર વગેરેના નાગરિકો માટે આશીર્વાદરૂપ બની રહેશે.
