New Delhi News: કૉંગ્રેસે પાર્ટીના કેટલાક કાર્યકરોને ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી (AICC)ના સચિવ તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે કેટલાકની પુનઃનિમણૂક કરી છે. પાર્ટી દ્વારા આ તમામ સચિવોને તેમના સંબંધિત રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સંગઠનના કાર્યકારી વિભાગો સાથે જોડવામાં આવ્યા છે.
નવા આદેશ અનુસાર, વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જવાબદારી સોંપવામાં આવી છે, જેનો અમલ તાત્કાલિક અસરથી થશે. ગુજરાતમાં રામકિશન ઓઝા અને સુભાષિની યાદવને યથાવત્ રાખવામાં આવ્યા છે, જ્યારે હેમસિંહ શેખાવત અને નરેશ ઠાકુરને નવા સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
પાલ આંબલિયાને મધ્યપ્રદેશ, ડૉ. પલક વર્માને રાજસ્થાનનો હવાલો
ગુજરાત કોંગ્રેસના નેતા પાલ આંબલિયાને રાષ્ટ્રીય મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સાથે મધ્યપ્રદેશની સંગઠનાત્મક જવાબદારી પણ સોંપવામાં આવી છે. બીજી તરફ, ગુજરાતનાં મહિલા નેતા ડૉ. પલક વર્માને રાજસ્થાનમાં સંગઠનની કામગીરીનો હવાલો આપવામાં આવ્યો છે.
કોંગ્રેસની આ નવી નિમણૂકોને સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતના નેતાઓને અન્ય રાજ્યોમાં જવાબદારી સોંપવામાં આવતાં હવે રાષ્ટ્રીય સ્તરે તેમની ભૂમિકા પણ મહત્વપૂર્ણ બનશે.

