Ahmedabad News/ GIDC વિસ્તારના કચરા માટે AMC નવી નીતિ ઘડશે, શાકમાર્કેટ થડા અને PM આવાસ અંગે પણ લેવાયા નિર્ણય

GIDC Waste: અમદાવાદ કોર્પોરેશન GIDCનો કચરો ઉપાડવા નવી પોલિસી બનાવશે

Gujarat Ahmedabad Breaking News
gidc waste

Ahmedabad News: GIDCનો કચરો (GIDC waste) ઉપાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નવી પોલિસી તૈયાર કરશે. અમદાવાદની આસપાસ આવેલા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ એટલે કે GIDCના વિસ્તારોમાં કચરાના નિકાલની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો તેનો હેતુ છે. સાથે શાકમાર્કેટના થડા અને પીએમ આવાસ યોજનાની સોસાયટીઓ અંગે પણ નિર્ણયો લેવાયા છે.

GIDCનો કચરો (GIDC waste) ઉપાડવા માટે નવી પોલિસી

GIDC દ્વારા નિર્ધારિત ચાર્જ ચૂકવીને પોતાના વિસ્તારનો કચરો કોર્પોરેશન મારફતે ઉપાડાવવાની વ્યવસ્થા કરવા રજૂઆત થઈ હતી. આ મુદ્દે વહીવટી તંત્ર અને સ્ટેન્ડિંગ કમિટી (Standing Committee)માં ચર્ચા થયા બાદ નવી પોલિસી તૈયાર કરવાનું આયોજન કરાયું છે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું કે જે GIDC કોર્પોરેશને નક્કી કરેલો ચાર્જ ચૂકવવા તૈયાર હશે, ત્યાંથી કોર્પોરેશન કચરો ઉપાડશે.

GIDCના કચરો અંગે હજુ શું નક્કી થવાનું બાકી?

આ વ્યવસ્થાથી ઔદ્યોગિક વિસ્તારોમાં કચરાના નિકાલ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી થઈ શકશે. ઔદ્યોગિક એકમો (industrial units) દ્વારા જાહેર સ્થળોએ કચરો ફેંકવાની સમસ્યા ઘટાડવામાં પણ તે મદદરૂપ થઈ શકે છે.જોકે નવી પોલિસીમાં કયા પ્રકારના કચરા માટે કેટલો ચાર્જ લેવાશે અને કચરો ઉપાડવાની કામગીરી કેવી રીતે થશે, તે વિગતો હજુ નક્કી થવાની બાકી છે.

શાકમાર્કેટ થડાની ફાળવણી રદ કરવાની તૈયારી

જાહેર રસ્તાઓ પર શાકભાજી વેચતા વેપારીઓને વૈકલ્પિક જગ્યા આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખાસ શાકમાર્કેટમાં થડા તૈયાર કર્યા હતા. તેનાથી દબાણ અને ટ્રાફિકની સમસ્યા ઘટાડવાનો ઉદ્દેશ હતો. આ થડાની ફાળવણી ડ્રો સિસ્ટમથી કરાઈ હતી.જોકે થડા મળ્યા છતાં કેટલાક વેપારીઓએ ત્યાં ધંધો શરૂ કર્યો નથી.

મોટાભાગના વેજીટેબલ માર્કેટ બંધ હાલતમાં છે, અને કેટલાક વેપારીઓ હજુ જાહેર રસ્તાઓ પર જ વેપાર કરતા હોવાનું કોર્પોરેશનના ધ્યાનમાં આવ્યું છે.આથી ફાળવાયેલા થડાનો ઉપયોગ ન કરનારા વેપારીઓ સામે કાર્યવાહીની તૈયારી કરાઈ છે. ડ્રોથી થડા મેળવીને નિયમિત ધંધો ન કરનારાની ફાળવણી રદ કરવાની યોજના છે, અને ખાલી પડનારા થડા અન્ય જરૂરિયાતમંદ શાકભાજી વેપારીઓને અપાશે.

પીએમ આવાસ યોજનાની સોસાયટીઓને વહેલો વહીવટ

પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojana) હેઠળની રહેણાંક સોસાયટીઓનો વહીવટ અને નિભાવ ખર્ચની જવાબદારી સોંપવાની પ્રક્રિયામાં રાહત આપવાનું નક્કી કરાયું છે. સભ્યો બે વર્ષની સમયમર્યાદા પૂરી થતાં પહેલાં જ જવાબદારી સંભાળવા તૈયાર હોય, તો વહેલી તકે સત્તા સોંપી શકાશે.

હાલની વ્યવસ્થા મુજબ શરૂઆતના બે વર્ષ સુધી સંચાલન અને નિભાવ ખર્ચની જવાબદારી NGOને સોંપાતી હતી. તે પછી જ રહીશોને વહીવટનું હેન્ડઓવર થતું હતું. હવે સોસાયટીના સભ્યોની તૈયારી અને સંમતિના આધારે વહીવટ વહેલો સોંપવાનો માર્ગ ખુલશે.


આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ‘વહીવટદાર શાસન’, મુકેશ કુમારની એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂક

આ પણ વાંચો: વડોદરા કોર્પોરેશનમાં ઇતિહાસ રચાયો! બજેટ સભામાં હોબાળો થતાં મેયરે વિપક્ષના 7 સભ્યને સસ્પેન્ડ કર્યા

આ પણ વાંચો: કોર્પોરેશનની અણઘડ કામગીરીથી પ્રજા ત્રાહિમામ ! AMC પર મ્યુનિ. કમિશનરની આકરી ઝાટકણી