AMC Administrator Appointment: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખનો કાર્યકાળ પૂરો થવાને આરે છે, ત્યારે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે એક મહત્વનો આદેશ જારી કરીને અમદાવાદમાં ‘વહીવટદાર શાસન’ (Administrator Rule) લાગુ કરવાની જાહેરાત કરી છે.
કેમ લેવાયો આ નિર્ણય?
સરકારી આદેશ અનુસાર, ફેબ્રુઆરી 2021માં યોજાયેલી સામાન્ય ચૂંટણી બાદ ચૂંટાયેલા કોર્પોરેટરો અને મેયરનો કાર્યકાળ તારીખ 09 માર્ચ, 2026ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. નિયમ મુજબ, મુદત પૂરી થાય તે પહેલાં નવી ચૂંટણી યોજવી જરૂરી હતી. પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ શકી નથી. જેના કારણે કાયદાકીય જોગવાઈઓ મુજબ સરકારે વહીવટદાર નીમવાનો નિર્ણય લીધો છે.

કોણ સંભાળશે અમદાવાદનો દોર?
રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા પીઢ અને અનુભવી અધિકારી મુકેશ કુમાર (IAS) ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂક કરી છે. હાલમાં શિક્ષણ વિભાગ (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ) ના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે કાર્યરત મુકેશ કુમાર અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેમના આ બહોળા અનુભવને કારણે તેઓ શહેરના પ્રશ્નો અને વહીવટી કામગીરીથી સુપેરે વાકેફ હોવાથી, તેમની આ નિયુક્તિ શહેરના વહીવટ માટે અત્યંત મહત્વની સાબિત થશે.
ક્યારથી લાગુ થશે આદેશ?
આ નિમણૂક તારીખ 10 માર્ચ, 2026થી અમલમાં આવશે. જ્યાં સુધી નવી ચૂંટણી યોજાય અને નવા કાઉન્સિલરોની પ્રથમ બેઠક ન મળે ત્યાં સુધી મુકેશ કુમાર અમદાવાદના સર્વોચ્ચ વહીવડાતાર તરીકેની જવાબદારી સંભાળશે. હવેથી સ્ટેન્ડિંગ કમિટી કે મેયરની સત્તા વહીવટદાર પાસે રહેશે.
આ આદેશ ગુજરાતના રાજ્યપાલના નામે પ્રિન્સિપલ સેક્રેટરી એમ. થેનનારાસન દ્વારા જારી કરવામાં આવ્યો છે.
