Ahmedabad News: અમદાવાદ શહેરમાં મહત્વના સુભાષબ્રિજ (Subhash Bridge) ના રીડેવલોપમેન્ટ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચ માર્ચે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સુભાષબ્રિજના (Subhash Bridge)રીડેવલોપમેન્ટ માટે રૂ.236 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.
આ યોજના હેઠળ હાલના સુભાષબ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડી નવી રીતે બનાવવામાં આવશે, જ્યારે પિલર અને સબ-સ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવામાં આવશે. સાથે જ બાજુમાં નવી બે લેનનો બ્રિજ પણ બનાવવામાં આવશે.
ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ (Subhash Bridge)
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (રોડ એન્ડ બિલ્ડીંગ) મીરાંત પરીખએ જણાવ્યું હતું કે, સુભાષબ્રિજના રીડેવલોપમેન્ટ માટે AMC દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ કામ માટે અંદાજિત ખર્ચ રૂ.232 કરોડ નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ 1.5 ટકા વધારા સાથે હવે રૂ.236 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે.
એપ્રિલમાં કામ શરૂ થવાની સંભાવના
માહિતી મુજબ, એપ્રિલ મહિનામાં નવા બ્રિજના કામની શરૂઆત થઈ શકે છે. હાલના બ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડી નવી રચના કરવામાં આવશે, જ્યારે તેની બાજુમાં બે નવી લેન પણ બનાવવામાં આવશે.
ટુ-વ્હીલર અને હળવા વાહનો માટે બ્રિજ શરૂ થશે
રિપેરિંગ અને નવી કામગીરી પૂર્ણ થયા બાદ આગામી 9 મહિનામાં બ્રિજ ટુ-વ્હીલર અને હળવા વાહનો માટે ખુલ્લો મુકવાની યોજના છે. જ્યારે સંપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ બ્રિજનો લોડ ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ ભારે વાહનો માટે મંજૂરી આપવામાં આવશે.
AMCના આયોજન મુજબ જાન્યુઆરી 2027 સુધીમાં સુભાષબ્રિજ સંપૂર્ણ રીતે વાહનચાલકો માટે શરૂ થઈ શકે છે.
