Ahmedabad News: અમદાવાદના સાયન્સ સિટી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે આયોજિત એક ફેરના મહાકાય બોર્ડ નીચેથી પસાર થઈ રહેલા સિક્યુરિટી ગાર્ડ પર પડતા તેમનું મોત નીપજ્યું છે. આ ઘટનામાં ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન ગાર્ડનું મૃત્યુ થયું હતું.
‘IRIS નેશનલ ફેર 2026’ માટે લગાવાયા હતા બોર્ડ
સાયન્સ સિટી(Science City)ના વિજ્ઞાન ભવનમાં 22 થી 24 નવેમ્બર દરમિયાન ‘IRIS નેશનલ ફેર 2026’નું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ આવ્યા હોવાથી વિજ્ઞાન ભવન (Science Building)પાસે બોર્ડ અને બેનરો લગાવવામાં આવ્યા હતા. સોમવારે બપોરે 2 વાગ્યાના અરસામાં ફરજ પરના સિક્યુરિટી ગાર્ડ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક લગાવેલું બોર્ડ તેમના પર પડ્યું અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી.
સારવાર દરમિયાન મોત
ઘટના બનતા આસપાસ હાજર અન્ય સિક્યુરિટી ગાર્ડ (Security Guard)અને લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. તેમણે ભારેખમ બોર્ડ હટાવીને ઈજાગ્રસ્ત ગાર્ડને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
પોલીસે તપાસ હાથ ધરી
બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું કે મૃતક સિક્યુરિટી ગાર્ડ નરોડા (Naroda)વિસ્તારના રહેવાસી રવિન્દ્ર પાટીલ (ઉં.વ. 46) છે. બનાવ અંગે વધુ વિગતો મેળવવાની કામગીરી ચાલી રહી છે, જ્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: હાથલારીવાળા પાસેથી 6 હજારની લાંચ લેતા સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો
આ પણ વાંચો: અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે કરી ફાયરિંગ, પોલીસે કરી ધરપકડ
