Food Recipe: શિયાળાની ઋતુ આવતા જ મકાઈની રોટલી અને સરસોંનું શાક (Makai ni Rotli & Sarson nu shaak) યાદ આવવા લાગે છે! એની ઉપર સફેદ માખણ, સાથે ગોળ અને છાશ મળી જાય તો ભયો ભયો! ખાવાની મજા બમણી થઈ જાય છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં તો શિયાળામાં ખવાતી આ લોકપ્રિય વાનગી છે.ગુજરાતમાં પણ ઠંડીની સિઝનમાં આને ઘણી જ પસંદ કરવામાં આવે છે.
પરંતુ ઘરે મકાઈની રોટલી બનાવવાનું દરેક માટે સરળ નથી હોતું….કેટલીક વાર રોટી વણતા જ તૂટી જાય છે અથવા તવા પર નાખતા જ ફાટવા લાગે છે અને અમુક વાર તો એટલી બધી સખત બને છે કે એને ચાવવાનું પણ કઠિન બની જાય છે! જો તમારી સાથે પણ આમ થાય છે તો હેરાન થવાની જરુર નથી. કેટલીક સરળ ટ્રિક્સ અપનાવીને તમે તદ્દન ગોળ, મુલાયમ અને ફૂલેલી મકાઈની રોટી બનાવી શકો છો. ઘરે જ તમે ઢાબા સ્ટાઈલ સરસ મકાઈની રોટી (Dhaba Style Makke di Roti) બનાવી શકશો. તો ચાલો જાણીએ….મકાઈની રોટી બનાવવાની યોગ્ય રેસિપી (Makai ni Rotli Recipe) વિશે…
શિયાળાના આગમનની સાથે જ વિવિધ પ્રકારના મોસમી ફળો અને શાકભાજીનું આગમન થવા લાગે છે. શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે લોકો શાકભાજી અને મકાઈની રોટલી ખાય છે. પંજાબમાં મકાઈની રોટલી અને સરસોં દા સાગ ખાસ કરીને પ્રખ્યાત છે. હવે હરિયાણા અને યુપીમાં પણ લોકો મકાઈની રોટલી ખાય છે. શહેરોમાં રહેતા મોટાભાગના લોકોને મકાઈની રોટલી કેવી રીતે બનાવવી તે ખબર નથી. મકાઈના લોટમાંથી બનેલી રોટલી કાં તો તૂટી જાય છે અથવા તો ફાટી જાય છે. ઘણી વખત આ રોટલી એટલી સખત થઈ જાય છે કે તેને ચાવવાનું મુશ્કેલ થઈ જાય છે. આજે અમે તમને પરફેક્ટ મકાઈની રોટલી બનાવવાનું રહસ્ય જણાવી રહ્યા છીએ. આ સાથે મકાઈની રોટલી બનાવવી તમારા માટે ખૂબ જ સરળ બની જશે.

મકાઈની રોટલી બનાવવાની ટ્રિક્સ (Makai ni Rotli making Tricks)
1. જો તમે થેપીને નહિં પરંતુ વણીને આ રોટલી બનાવવા માગતા હો તો મકાઈના લોટમાં થોડો ઘઉંનો લોટ (Maize Flour and Wheat Flour) પણ મિક્સ કરી શકો છો. દાખલા તરીકે જો તમે 2 વાડકી મકાઈનો લોટ લો તો એમાં 1 વાડકી ઘઉંનો લોટ મિક્સ કરી શકો છો. આનાથી લોટ થોડો ફ્લેક્સિબલ બનશે અને રોટલી વણવાનું સરળ થઈ જશે.
2. મકાઈની રોટલી (Makai ni Rotli)ને મુલાયમ બનાવવા માટે લોટ બાંધતી વખતે સ્વાદાનુસાર મીઠું અને નવશેકા પાણીનો ઉપયોગ કરવો. પાણી થોડું-થોડું ઉમેરતા જઈને એક નરમ લોટ તૈયાર કરી લો. ધ્યાન રાખવું કે લોટ ઘણો જ નરમ કે ઘણો જ સખત ન હોવો જોઈએ.
3. લોટ બાંધ્યા પછી એને ઘણી વાર પડ્યો ન રાખવો પણ તરત જ રોટલી બનાવવાનું શરુ કરી દેવું. લોટના નાના-નાના લુવા બનાવીને થોડું ઘઉંનું અટામણ લઇને ધીમે-ધીમે વણવું. રોટલીને થોડી જાડી જ રાખવી જેથી એને પાટલી પરથી ઉઠાવવાનું સરળ રહેશે.

4. જો તમે શુદ્ધ મકાઈના લોટની જ રોટલી (Makai ni Rotli) બનાવવા માગતા હો તો એના માટે પાટલી-વેલણના સ્થાને પૉલીથીન શીટ (Polythene sheet) અથવા ફૂડ-ગ્રેડ પ્લાસ્ટિક શીટનો ઉપયોગ કરી શકો છો. એની વચ્ચે લુવો રાખીના હાથેથી હળવું દબાવતા જઈને ગોળ રોટલી તૈયાર કરી લો.
5. રોટલીને પૉલિથીનમાંથી ઉઠાવીને ગરમ તવા પર મૂકો. આ રીતે કરવાથી રોટી ફાટશે નહિં અને એકદમ ગોળ બનશે.
6. રોટલીને ગરમ તવા પર એક તરફથી હળવી શેકી લેવી અને ત્યાર બાદ ઉલટાવીને બીજી તરફ સારી રીતે શેકી લેવી. જ્યારે બંને તરફ હળવી ગુલાબી થઈ જાય ત્યારે રોટલીને તવાથી હટાવીને સીધી જ ગૅસની ધીમીથી મધ્યમ ફ્લેમ પર રાખવી. ચિપીયા વડે હળવા હાથે ફેરવીને શેકવી. આનાથી રોટલી ફૂલવા લાગશે અને અંદર સુધી સારી રીતે ચડી જશે.
ગરમાગરમ મકાઈની રોટલીને સફેદ માખણ (White Butter) લગાવીને સરસોંના શાક સાથે પીરસી દેવી. એની સાથે ગોળ, તાજી છાશ અને લીલા સાંતળેલા મરચાં પણ મૂકી શકો છો. શિયાળામાં આ દેશી કૉમ્બિનેશન (Winter Dish) ખાવાનો સ્વાદ વધારી દે છે.
નોંધ- મકાઈની રોટીને ઘણી વાર સુધી ખુલ્લી ન રાખવી નહિં તો એ ઠંડી થઈને સખત બની શકે છે. એને ગરમાગરમ જ સર્વ કરવી.
આ પણ વાંચો: મકાઈની મસાલા બાટી….દરેક કોળિયામાં મળશે રાજસ્થાની સ્વાદ…નોંધી લો રેસિપી…
આ પણ વાંચો: રાજસ્થાની પ્રસિદ્ધ મકાઈના ઢોકળા…નાસ્તામાં કે ડિનરમાં બનાવીને ખાઓ…સરળ રેસિપી…
આ પણ વાંચો: ઘરે ગેસ પર મકાઈ બળવાની ચિંતા છોડો; કૂકરમાં રેતી વગર શેકો બજાર જેવી જ ક્રિસ્પી અને દેશી સ્વાદ વાળી મકાઈ
