National News : ભારતના મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ (Dawood Ibrahim) એક સમયે ભારત સામે સરન્ડર કરવા તૈયાર થયો હતો? મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસની (Mumbai Bomb Blast)તપાસ સાથે સંકળાયેલા નિવૃત્ત IPS અધિકારી નીરજ કુમાર (Neeraj Kumar)ના ખુલાસા બાદ આ સવાલ ફરી ચર્ચામાં આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, દાઉદે સરન્ડર (Dawood Surrender)માટે સંપર્ક કર્યો હતો, પરંતુ તેણે એવી લાંબી અને જટિલ શરતો મૂકી હતી કે અંતે વાત આગળ વધી શકી નહોતી.
દાઉદના નજીકના સાથી મનીષ લાલાએ ખોલ્યાં રહસ્યો
નિવૃત્ત IPS અધિકારી નીરજ કુમારે (Neeraj Kumar)’આઈ વિટનેસ વિથ શાહિદ’ કાર્યક્રમમાં મુંબઈ બોમ્બ બ્લાસ્ટ તપાસ દરમિયાન બનેલી ઘટનાઓ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે દાઉદના નજીકના સાથી મનીષ લાલા સાથે તપાસ દરમિયાન સંપર્ક થયો હતો. મનીષ તે સમયે સિંગાપોરમાં હતો અને તેણે નીરજ કુમારને ફોન કરીને પૂછ્યું હતું કે તેઓ તેની પાછળ કેમ પડ્યા છે?

નીરજ કુમારે તેને જવાબ આપ્યો કે પહેલાં મુંબઈ આવી જા, પછી સમજાવીશ કે તેણે શું કર્યું છે. ત્યારબાદ મનીષ લાલા મુંબઈ આવ્યો અને મુંબઈ પોલીસ સાથે સંકળાયેલા કેસમાં સરન્ડર કર્યું હતું.
આર્થર રોડ જેલમાં મનીષ લાલાની પૂછપરછ
મનીષ લાલાના સરન્ડર બાદ નીરજ કુમાર (Neeraj Kumar)આર્થર રોડ જેલમાં તેને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન મનીષે તેમની કસ્ટડીમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ દિલ્હીમાં નોંધાયેલા TADA કેસમાં તેને નીરજ કુમારની કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
પૂછપરછ દરમિયાન મનીષ લાલાએ દાઉદ ઇબ્રાહીમ (Dawood Ibrahim) સાથેના પોતાના સંબંધો અને તેની ગેંગ સાથે જોડાયેલી અનેક વિગતો આપી હતી. તેણે એવો પ્રસ્તાવ પણ મૂક્યો હતો કે દાઉદ ઇબ્રાહીમને પણ આ જ રીતે સરન્ડર (Dawood Surrender)માટે તૈયાર કરી શકાય છે. જરૂર પડે તો તે દાઉદ સાથે ફોન પર વાત પણ કરાવી શકે છે.
RDXનો સવાલ પૂછતાં દાઉદ ગભરાઈ ગયો
નીરજ કુમારના જણાવ્યા પ્રમાણે, મનીષ લાલા દ્વારા કરાવવામાં આવેલી ફોન વાતચીત દરમિયાન દાઉદે મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં પોતાની સંડોવણી અંગે સવાલો ઉઠાવ્યા હતા. દાઉદે પોતાની સફાઈ આપતાં કહ્યું હતું કે જો તે બ્લાસ્ટમાં સામેલ હોત તો ટાઇગર મેમણની જેમ પોતાના પરિવારને પણ ત્યાંથી ખસેડી દીધો હોત.
જોકે, જ્યારે નીરજ કુમારે દાઉદને RDX અંગે સવાલ પૂછ્યો, ત્યારે તે અસહજ થઈ ગયો હતો. ત્યારબાદ દાઉદે સરન્ડર કરવાની તૈયારી દર્શાવી, પરંતુ પોતાની શરતો સાથે.
શરતો એવી કે સરન્ડરનો રસ્તો જ બંધ થઈ ગયો
દાઉદ ઇબ્રાહીમે સરન્ડર માટે અનેક શરતો મૂકી હતી. નીરજ કુમારે (Neeraj Kumar)આ શરતો અંગે પોતાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. જોકે, અધિકારીઓએ આ શરતો સ્વીકારવી શક્ય ન હોવાનું નક્કી કર્યું હતું. પરિણામે દાઉદના સરન્ડર (Dawood Surrender)અંગેની વાતચીત અટકી ગઈ અને ત્યારબાદ તેની સાથે સંપર્ક પણ બંધ થઈ ગયો હતો.
દુબઈમાં બેઠા બેઠા ઘડ્યું હતું મુંબઈ બ્લાસ્ટનું ષડયંત્ર
નીરજ કુમારે દાઉદના એ દાવાને નકારી કાઢ્યો હતો કે તે મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં (Mumbai Bomb Blast)સામેલ નહોતો. તેમના જણાવ્યા પ્રમાણે, મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટનું ષડયંત્ર દાઉદના દુબઈ સ્થિત નિવાસસ્થાને ઘડવામાં આવ્યું હતું.
પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે મળીને લોકોને તાલીમ માટે પાકિસ્તાન મોકલવા, AK-47 હથિયારો અને RDX ભારતમાં લાવવાની યોજના તૈયાર કરવામાં આવી હતી.નિવૃત્ત IPS અધિકારીના આ ખુલાસાઓએ દાઉદ ઇબ્રાહીમના દાઉદ ઇબ્રાહીમ (Dawood Ibrahim) સરન્ડર અંગેના જૂના પ્રકરણને ફરી ચર્ચામાં લાવી દીધું છે.
