Surat News: સુરતના ઔદ્યોગિક વિસ્તાર સચિન (Sachin Fire) હોજીવાલા રોડ પર આવેલી એક કાપડ કંપનીમાં 48 કલાકમાં બીજી વખત આગ (Surat Textile Company Fire) લાગવાની ઘટના સામે આવી છે. 18 નવેમ્બરે આ જ કંપનીમાં ભીષણ આગ લાગી હતી, જેને ફાયર બ્રિગેડે સતત 12 કલાકની જહેમત બાદ કાબૂમાં લીધી હતી. આ ઘટનાના બે દિવસમાં આજે વહેલી સવારે ફરી કંપનીમાંથી ધુમાડાના ગોટેગોટા દેખાતાં આસપાસના કારખાનેદારો અને વેપારીઓમાં ચિંતા ફેલાઈ હતી.
Surat Textile Company Fire: અગાઉની આગમાં ચાર માળ આગની ઝપેટમાં આવ્યા હતા
18 નવેમ્બરે લાગેલી આગ એટલી વિકરાળ હતી કે કંપનીના કુલ ચાર ફ્લોર તેની ઝપેટમાં આવી ગયા હતા. કંપનીમાં કાપડનો મોટો જથ્થો, મશીનરી અને અન્ય સામગ્રી હોવાથી આગે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં સુરત ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સતત 12 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ સુરક્ષાના ભાગરૂપે કુલિંગની કામગીરી પણ કરવામાં આવી હતી.
આ ઘટનામાં કંપની અને તેની સાથે સંકળાયેલા વેપારીઓને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.
ફરી ધુમાડો દેખાતાં ફાયર બ્રિગેડ દોડ્યું
આજે વહેલી સવારે ફરી કંપનીમાંથી ધુમાડાના (Sachin Hojivala Road ) ગોટેગોટા નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારખાનેદારો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જાણ થતાં જ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્વરિત કામગીરી હાથ ધરી ફરી ભભૂકેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. આથી આગ વધુ પ્રસરતી અટકી હતી.
આગના કારણોની તપાસ શરૂ
હાલ આગ નિયંત્રણમાં આવ્યા બાદ ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ પર કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. કંપનીની અંદર કોઈ તણખો કે ગરમી બાકી રહી ગઈ હોય તો તેના કારણે ફરી આગ ન લાગે તે માટે સાવચેતી રાખવામાં આવી રહી છે.
એક જ કંપનીમાં ટૂંકા ગાળામાં બીજી વખત આગ લાગવાની ઘટના બનતાં વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: સચિન GIDCમાં ફેક્ટરીમાં આગથી દોડધામ, ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે, આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો
આ પણ વાંચો: સુરતના સિંગણપોરમાં ગોડાઉનમાં આગથી અફરાતફરી: ધુમાડાના ગોટેગોટા દૂરથી દેખાયા
આ પણ વાંચો: અમદાવાદના નિર્ણયનગરમાં ભીષણ આગ: ગેસના બાટલા ફાટતાં વિસ્તારમાં અફરાતફરી
