Surat News/ સચિન GIDCમાં ફેક્ટરીમાં આગથી દોડધામ, ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે, આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો

સુરતના સચિન GIDCમાં હોજીવાલા રોડ પરની કાપડ ફેક્ટરીમાં ભીષણ આગ, ભેસ્તાન, ઉન અને ઉધનાની 5 ફાયર ગાડીઓ ઘટનાસ્થળે

Gujarat Surat Breaking News
GIDC

Surat News: સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં આવેલા હોજીવાલા રોડ પરની એક કાપડની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની આ દુર્ઘટનાને પગલે આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને ફેક્ટરીમાં કામ કરતા કામદારોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે.

સચિન GIDC વિસ્તારમાં આવેલા કાપડની ફેક્ટરીમાં આગ

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ(Fire Department)ને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. મેસેજ મળતાં ભેસ્તાન(Bhestan), ઉન અને ઉધના ફાયર સ્ટેશનની કુલ 5 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. કાપડની ફેક્ટરી (Textile factory)હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવા અને તેના પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પોલીસે આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો

સચિન GIDC અને હોજીવાલા વિસ્તાર ઔદ્યોગિક રીતે વ્યસ્ત ગણાય છે, જ્યાં મોટી સંખ્યામાં કાપડ અને અન્ય એકમો આવેલા છે. આ આગમાં ફેક્ટરીમાં રહેલો કાપડનો જથ્થો અને મશીનરી બળીને ખાખ થવાની આશંકા છે, જોકે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઘટનાસ્થળે પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમો પહોંચી છે અને સુરક્ષાના ભાગરૂપે આસપાસનો વિસ્તાર ખાલી કરાવી ટ્રાફિક નિયંત્રણની કામગીરી શરૂ કરી છે. આગ સંપૂર્ણ બુઝાયા બાદ જ નુકસાનનો સાચો અંદાજ અને આગનું ચોક્કસ કારણ સામે આવશે.

ચારેય ફ્લોરમાં આગ પ્રસરી, બિલ્ડીંગ લપેટમાં

ફાયરની ગાડીઓ પહોંચે તે પહેલાં જ આગ વિકરાળ બની ગઈ હતી અને જોતજોતામાં ચારેય ફ્લોરમાં પ્રસરી જતાં આખી બિલ્ડીંગ આગ(Building Fire)ની લપેટમાં આવી ગઈ હતી. આ દૃશ્ય જોઈને આસપાસના લોકો અને કામદારો મોટી સંખ્યામાં રોડ પર આવી ગયા હતા, જેથી લોકટોળા સાથે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ફેક્ટરીની અંદર કાપડનો જથ્થો વધુ પ્રમાણમાં હોવાથી આગ વધુ ભડકી છે અને તેને ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે.


આ પણ વાંચો: અમદાવાદના નિર્ણયનગરમાં ભીષણ આગ: ગેસના બાટલા ફાટતાં વિસ્તારમાં અફરાતફરી

આ પણ વાંચો: ખંભાળિયા GIDCમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, 3 થી વધુ ફાયર ગાડીઓ દોડી, અફરાતફરીનો માહોલ

આ પણ વાંચો: ગોધરા-દાહોદ હાઇવે પર દોડતી કારમાં અચાનક ભીષણ આગ, ચાલકે કૂદકો મારી જીવ બચાવ્યો