Bihar News/ બિહારમાં દિનદહાડે કરોડોની લૂંટ, ત્રણ બાઇક પર આવેલા 8 હથિયારધારી બદમાશોએ JDU નેતાનો શોરૂમ ખાલી કર્યો

બિહારના બેટિયામાં JDU નેતાના ગોલ્ડ શોરૂમમાં 3 બાઇક પર આવેલા 8 હથિયારધારી બદમાશોએ 10-15 મિનિટમાં 30-40 કરોડના દાગીના લૂંટ્યા, જતાં-જતાં ધમકી આપી

India Breaking News
JDU

Bihar News: બિહારના બેટિયામાં JDU નેતાના ગોલ્ડ શોરૂમમાંથી કરોડો રૂપિયાના દાગીનાની લૂંટની ઘટના સામે આવી છે. ત્રણ બાઇક પર આવેલા 8 બદમાશોએ ચહેરા ઢાંક્યા વગર શોરૂમમાં ઘૂસીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. તમામ બદમાશો પાસે હથિયારો હતા.

JDU નેતાના ગોલ્ડ શોરૂમમાંથી કરોડોના દાગીનાની લૂંટ

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, બદમાશોએ લગભગ 10-15 મિનિટમાં કિંમતી દાગીના (Precious Jewelry)ભેગા કર્યા અને ફરાર થઈ ગયા. જ્વેલરી શોપના માલિક અને જેડીયુ નેતા રાજુ કુશવાહાએ જણાવ્યું છે કે 30થી 40 કરોડ રૂપિયાના દાગીનાની લૂંટ થઈ છે.

કર્મચારીઓને બંધક બનાવ્યા, મોબાઇલ છીનવ્યા

શોરૂમમાં પ્રવેશતાં જ ગુનેગારોએ ત્યાં હાજર કર્મચારીઓને બંધક બનાવી એક જગ્યાએ બેસાડી દીધા હતા. ત્યારબાદ તેમના મોબાઇલ છીનવી લેવામાં આવ્યા. કર્મચારીઓના જણાવ્યા અનુસાર, લૂંટારાઓ દુકાનમાં રાખેલી લગભગ તમામ જ્વેલરી અને રોકડ લઈ ગયા.

ઘટના દરમિયાન બે લોકોના માથા પર હુમલો થયાની વાત સામે આવી છે, જેમાં એક કર્મચારીને બંદૂકની બટ મારીને ઘાયલ કરાયો હતો. શોરૂમમાં હાજર એક મહિલાના જણાવ્યા મુજબ, ભાગતી વખતે ગુનેગારોએ કહ્યું હતું કે “આ તો માત્ર ટ્રેલર છે, ફિલ્મ હજુ બાકી છે, અમે ફરી આવીશું.”

DIG અને SSP સહિતનો કાફલો સ્થળ પર

શોરૂમની બરાબર બાજુમાં પૂર્વ ડેપ્યુટી સીએમ રેણુ દેવીનું ઘર આવેલું છે. ઘટનાની જાણ થતાં તેઓ પણ સ્થળ પર પહોંચ્યાં હતાં. આ ઘટના કાલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. માહિતી મળતાં DIG હરકિશોર રાય, SP કુમાર ગૌતમ અને DSP અજિત કુમાર સહિત અનેક પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કરી કર્મચારીઓની પૂછપરછ કરી હતી.


આ પણ વાંચો: સિગ્નલ પર કાર રોકી હોય તો સાવધાન! અકસ્માતનું નાટક કરી લૂંટવાનો પ્રયાસ?

આ પણ વાંચો: અમદાવાદમાં મધરાતે લૂંટનો પ્રયાસ: 17 વર્ષના સગીરને ચપ્પુના ઘા ઝીંકી લૂંટ ચલાવી

આ પણ વાંચો: મોબાઈલ લૂંટીને ભાગતા શખસનો પીછો કરવા જતાં યુવકનું તળાવમાં ડૂબી મોત, CCTVમાં ઘટના કેદ