Kheda News: ખેડા જિલ્લાના ઠાસરામાં મોબાઈલ લૂંટની (Kheda Mobile Robbery) ઘટનામાં એક યુવકનું જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તીનબત્તી વિસ્તારમાં પાનના ગલ્લા પર આવેલા અજાણ્યા શખસે દિવ્યાંગ યુવક સાથે મારામારી કરી તેનો મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. આરોપી ફોન લઈને ભાગતાં યુવક અને અન્ય એક દુકાનદારે તેનો પીછો કર્યો હતો. આ દરમિયાન યુવક બસ સ્ટેન્ડ પાછળ આવેલી ભૂલી તલાવડીમાં પડી જતાં ડૂબી (Youth Drowned) ગયો હતો. સમગ્ર ઘટનાક્રમ આસપાસના CCTV કેમેરામાં કેદ થયો છે.
Kheda Mobile Robbery: ગલ્લા પર આવેલા શખસે મારામારી કરી મોબાઈલ ઝૂંટવ્યો
મળતી માહિતી મુજબ, ડાકોર-સેવાલિયા રોડ પર પાનનો ગલ્લો ચલાવતા દિવ્યાંગ યુવક 9 નવેમ્બરના રોજ વહેલી સવારે આશરે 4:30 વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. સવારે લગભગ 6 વાગ્યે એક અજાણ્યો શખસ તેના ગલ્લા પર આવ્યો હતો. તેણે અચાનક યુવક સાથે ઝપાઝપી અને મારામારી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ આશરે રૂ. 15 હજારની કિંમતનો મોબાઈલ ફોન ઝૂંટવીને મોટા સૈયદવાડા પાછળના રસ્તેથી ભાગી ગયો હતો.
આરોપીનો પીછો કરતાં તળાવમાં પડ્યો
મોબાઈલ લૂંટીને (Mobile Snatching) ભાગતા શખસને પકડવા માટે ભોગ બનનાર યુવક અને તીનબત્તી પાસે ચાની લારી ચલાવતા અન્ય એક વ્યક્તિએ તેની પાછળ દોટ મૂકી હતી. આ દરમિયાન ઠાસરા બસ સ્ટેન્ડ પાછળ આવેલી ભૂલી તલાવડી પાસે યુવક અચાનક પાણીમાં પડી ગયો હતો. તેને તરતાં આવડતું ન હોવાથી તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
CCTV ફૂટેજના આધારે પોલીસ તપાસ
ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. યુવકને તળાવમાંથી બહાર કાઢીને ઠાસરા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયાની પુષ્ટિ થઈ હતી. બીજી તરફ, આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન મોબાઈલ લૂંટીને ભાગતો શખસ અને તેની પાછળ દોડતો યુવક તળાવમાં પડ્યાની ઘટના સામે આવી હતી.
આ મામલે મૃતકના પરિવારજનોએ ઠાસરા પોલીસ (Kheda Police) સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીને શોધવા અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: માનસરોવરથી હિમાલય સુધીની ઝાંખી અન્નકૂટમાં સજાવી: શાહીબાગ BAPS મંદિરમાં ભવ્ય આયોજન
આ પણ વાંચો: 20 વર્ષથી કેનાલ અધૂરી, ખેડૂતોને પિયતનું પાણી નહીં: લાછડી ડેમ પાસે આંદોલનની ચીમકી
આ પણ વાંચો: બેસતા વર્ષે દ્વારકામાં ભક્તિનો મહાસાગર: દ્વારકાધીશના દર્શને ઉમટ્યા હજારો ભાવિકો
