Rajkot News/ ફટાકડા ફોડવા જેવી બાબતે રાજકોટમાં બબાલ: PSIના પુત્રની ઓળખ આપીને મહિલા વેપારીને ધમકી

રાજકોટના એરપોર્ટ ફાટક પાસે ફટાકડા ફોડવા બાબતે વિવાદ થયો હતો. PSIનો પુત્ર હોવાનો દાવો (PSI Son Threat) કરનાર શખસે સાગરીતો સાથે મહિલા વેપારીની મોબાઈલ દુકાન પર પથ્થરમારો કર્યો હોવાની ફરિયાદ.

Top Stories Gujarat Rajkot
PSI Son Threat: 'હું PSIનો પુત્ર છું' કહી રાજકોટમાં રોફ જમાવ્યો

Rajkot News: રાજકોટના એરપોર્ટ ફાટક નજીક દિવાળીની મોડી રાત્રે ફટાકડા ફોડવા જેવી બાબતે વિવાદ થતાં મહિલા વેપારી અને તેમના ભાગીદાર સાથે ધમકી અને મારામારી કર્યાનો મામલો સામે આવ્યો છે. ફરિયાદ મુજબ, એક શખસે પોતે PSIનો પુત્ર હોવાનું કહી રોફ (PSI Son Threat) જમાવ્યો હતો. ત્યારબાદ સાગરીતો સાથે મળીને મોબાઈલની દુકાન પર પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં, મહિલા વેપારી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચ્યાં ત્યારે પણ દુકાન પર ફરી પથ્થરમારો કરાયો હોવાનો આક્ષેપ છે. પ્રદ્યુમનનગર પોલીસે ત્રણ શખસ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

PSI Son Threat: ‘રોડ પર ફટાકડા કેમ ફોડો છો?’ કહી વિવાદ શરૂ કર્યો

ફરિયાદી ગુંજનબેન ગણાત્રાના જણાવ્યા અનુસાર, તેઓ એરપોર્ટ ફાટક નજીક મોબાઈલની દુકાન ચલાવે છે. 9 નવેમ્બરની મોડી રાત્રે આશરે 2 વાગ્યે તેઓ સ્ટાફ અને તેમના ભાગીદાર અનિકેત ખખ્ખર સાથે દુકાનની બહાર ફટાકડા ફોડી રહ્યાં હતાં. તે દરમિયાન સફેદ એક્ટિવા પર આવેલા એક શખસે ‘રોડ પર ફટાકડા કેમ ફોડો છો?’ કહીને તેમની સાથે બોલાચાલી શરૂ કરી હતી.

થોડીવાર બાદ આ શખસ ફરી આવ્યો હતો અને પોતાનું નામ અભિજીત પરમાર હોવાનું જણાવી ‘હું PSIનો છોકરો છું’ કહી રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ભાગીદારે મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કરતાં શખસ ત્યાંથી જતો રહ્યો હતો.

સાગરીતો સાથે આવી દુકાન પર પથ્થરમારો કર્યો

ફરિયાદ મુજબ, થોડા સમય બાદ એક અન્ય શખસને મોકલીને ફરી બોલાચાલી શરૂ કરાવવામાં આવી હતી. ત્યારબાદ અભિજીત પરમાર અને કામિલ સંધિ સહિતના શખસોએ દુકાન પર આવી પથ્થરો અને ફૂટપાથના બ્લોક ફેંક્યા હતા. આ દરમિયાન ગાળાગાળી અને ઝપાઝપી પણ થઈ હતી.

112 પર કોલ કરવા છતાં મદદ ન મળ્યાનો આક્ષેપ

હુમલાખોરો સાથે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે મહિલા વેપારીએ 112 જનરક્ષક હેલ્પલાઇન પર વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોલ સતત વ્યસ્ત આવતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ દરમિયાન 112 નંબરની પોલીસ ગાડી ત્યાંથી પસાર થઈ હતી, પરંતુ તે સમયે રોકાઈ ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદ મુજબ, કામિલ સંધિને સમજાવવા આવેલા તેના એક પરિચિત વ્યક્તિ સાથે પણ તેણે હાથાપાઈ કરી હતી. બાદમાં પોલીસ વાન ઘટનાસ્થળે પહોંચતાં આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા.

ફરિયાદ નોંધાવવા પહોંચ્યાં ત્યારે દુકાન પર ફરી પથ્થરમારો

ઘટના બાદ ગુંજનબેન ફરિયાદ નોંધાવવા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં. તે દરમિયાન દુકાને હાજર તેમના ભાગીદારની પત્ની સીમાબેને ફોન કરીને જાણ કરી હતી કે આરોપીઓ ફરી દુકાન પર આવ્યા હતા અને પથ્થરમારો કર્યો હતો.

આ સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે અભિજીત પરમાર, કામિલ સંધિ અને એક અજાણ્યા શખસ સામે ગુનો નોંધી CCTV ફૂટેજ સહિતના પુરાવાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: મોબાઈલ લૂંટીને ભાગતા શખસનો પીછો કરવા જતાં યુવકનું તળાવમાં ડૂબી મોત, CCTVમાં ઘટના કેદ

આ પણ વાંચો: માનસરોવરથી હિમાલય સુધીની ઝાંખી અન્નકૂટમાં સજાવી: શાહીબાગ BAPS મંદિરમાં ભવ્ય આયોજન

આ પણ વાંચો: 20 વર્ષથી કેનાલ અધૂરી, ખેડૂતોને પિયતનું પાણી નહીં: લાછડી ડેમ પાસે આંદોલનની ચીમકી