Jamnagar News: આસામમાં જન્મથી જ તૂટેલા પગ અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહેલા સાત અઠવાડિયાના હાથીના વાછરડા ‘રાજા’ને (Baby Elephant Raja) શુક્રવારે (20 નવેમ્બર) ગુજરાતના જામનગર સ્થિત વનતારા (Vantara Jamnagar) એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. તેની હાલત ગંભીર હોવાથી હવે તેને વનતારાની હોસ્પિટલમાં દાખલ કરીને સઘન સારવાર આપવામાં આવશે. વનતારાના સ્થાપક અનંત અંબાણીની પહેલથી રાજાને ઝડપથી અને સુરક્ષિત રીતે જામનગર લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
રાજાને આસામના પોહુમારાથી ગુવાહાટી લાવવામાં આવ્યો હતો, જ્યાંથી ખાસ ફ્લાઇટ મારફતે જામનગર પહોંચાડવામાં આવ્યો. બંને સ્થળ વચ્ચેની હવાઈ મુસાફરીમાં આશરે ચાર કલાક લાગ્યા હતા. રાજાના નાના શરીર અને ઇજાગ્રસ્ત પગને ધ્યાનમાં રાખીને ખાસ ક્રેટ તૈયાર કરવામાં આવ્યું હતું. તેમાં નરમ ગાદીવાળો પલંગ પણ રાખવામાં આવ્યો હતો, જેથી મુસાફરી દરમિયાન તેને આરામ મળે અને તૂટેલા પગને યોગ્ય ટેકો મળી રહે. સમગ્ર મુસાફરી દરમિયાન વનતારાના પશુચિકિત્સકો, પેરા-વેટ્સ અને સંભાળ રાખનારાઓની ટીમ તેની સાથે રહી હતી.
Baby Elephant Raja: જન્મના પહેલા જ દિવસે તૂટી ગયો હતો જમણો પગ
રાજાનો જન્મ 2 ઓક્ટોબર, 2026ના રોજ આસામના ગોગમુખમાં થયો હતો. તેની માતા માત્ર 11 વર્ષની અને પ્રથમ વખત માતા બની હતી. જન્મ બાદ ગભરાયેલી માતાએ નવજાત બચ્ચાને લાત મારતાં રાજાનો જમણો ઉર્વસ્થિનો હાડકું સંપૂર્ણપણે તૂટી ગયું હતું. આ કારણે તે પોતાના પગ પર ઊભો રહી શકતો નહોતો કે તેના પર વજન પણ મૂકી શકતો નહોતો.
આ ઉપરાંત, રાજા માતાનું પ્રથમ દૂધ એટલે કે કોલોસ્ટ્રમ પણ મેળવી શક્યો નહોતો. આ દૂધ નવજાત હાથીને પ્રારંભિક રોગપ્રતિકારક શક્તિ અને પોષણ પૂરું પાડે છે. જન્મના શરૂઆતના દિવસોથી જ તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
વનતારાની ટીમે આસામમાં શરૂ કરી હતી સારવાર
રાજાના માલિક અને સંભાળ રાખનારાઓએ તેની સ્થિતિને ધ્યાનમાં રાખીને વનતારાની મદદ માગી હતી. 8 ઓક્ટોબરે વનતારાની રેપિડ રિસ્પોન્સ ટીમ આસામ પહોંચી હતી. એક્સ-રે તપાસમાં રાજાના પગનું હાડકું સંપૂર્ણપણે તૂટી ગયું હોવાનું અને ખસી ગયું હોવાનું સામે આવ્યું હતું.

ત્યારબાદ ટીમે પ્લાસ્ટર કાસ્ટ અને સહાયક પાટા દ્વારા પગને સ્થિર કર્યો હતો. રાજાને ઊભા રહેવામાં મદદ મળે અને ઇજાગ્રસ્ત પગ પર દબાણ ન આવે તે માટે સ્લિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. માતાના દૂધના વિકલ્પ તરીકે ખાસ ખોરાક પણ શરૂ કરાયો હતો. 10 ઓક્ટોબરથી પોહુમારામાં તેના માલિકના (Baby Elephant Raja) ઘરે વનતારાની ટીમ દ્વારા સારવાર અને ચોવીસ કલાક દેખરેખ રાખવામાં આવતી હતી.
એક પછી એક સ્વાસ્થ્ય સમસ્યાઓથી સ્થિતિ ગંભીર
માતાના દૂધથી વંચિત રહેવા અને હલનચલન ન કરી શકવાને કારણે રાજાની તબિયતમાં અનેક મુશ્કેલીઓ ઊભી થઈ હતી. તેને ઝાડા થયા હતા અને લેબોરેટરી તપાસમાં ક્લેબસિએલા ન્યુમોનિયા નામના બેક્ટેરિયલ ચેપનું નિદાન થયું હતું. વારંવાર બ્લડ સુગર ઘટવાની સમસ્યા પણ સામે આવી હતી. રક્ત પરીક્ષણમાં લીવરના માર્કર્સ વધેલા જોવા મળ્યા હતા.
લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં સૂઈ રહેવાને કારણે તેના માથા પર દબાણથી ઘા પણ થયા હતા. આ ઉપરાંત નાભિ પાસે હર્નિયા અને શરીરમાં નબળાઈની સમસ્યા પણ હતી. વનતારાની ટીમે એન્ટિબાયોટિક્સ, નસ મારફતે પ્રવાહી, લીવર સપોર્ટ, વિટામિન્સ, મિનરલ્સ, પ્રોબાયોટિક્સ, ઘાની સંભાળ અને ખાસ પોષણ દ્વારા તેની સારવાર કરી હતી. જોકે, આ તમામ પ્રયાસો છતાં રાજાની સ્થિતિ ગંભીર રહેતાં તેને જામનગરની હોસ્પિટલમાં ખસેડવાનો (Baby Elephant Raja) નિર્ણય લેવામાં આવ્યો હતો.
વનતારાના CEOએ રાજાની હિંમતનો ઉલ્લેખ કર્યો
વનતારાના CEO વાવન કરણીએ જણાવ્યું હતું કે રાજાનો જન્મ તૂટેલા પગ સાથે થયો હતો, પરંતુ આટલી નાની ઉંમરે પણ તેણે હિંમતથી સંઘર્ષ કર્યો છે. અનંત અંબાણીના (Anant Ambani) સહયોગથી દિવસો લાગી શકે તેવી લાંબી રોડ મુસાફરીને બદલે હવાઈ માર્ગે માત્ર થોડા કલાકોમાં તેને જામનગર પહોંચાડવામાં આવ્યો છે. વનતારામાં તેને ઊભા રહેવા, ચાલવા અને ભવિષ્યમાં દોડી શકે તે માટે શક્ય તમામ સારવાર અને સંભાળ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ વનતારા દ્વારા કરવામાં આવેલી ત્રીજી આવી એરલિફ્ટ (Elephant Airlift Assam) હોવાનું જણાવાયું છે. જામનગર સ્થિત વનતારા વન્યજીવોના બચાવ, સારવાર, પુનર્વસન અને સંરક્ષણ માટે કાર્યરત પહેલ છે. અહીં આધુનિક પશુચિકિત્સા સુવિધાઓ અને નિષ્ણાતોની મદદથી વિવિધ પ્રાણીઓને સારવાર તથા લાંબા ગાળાની સંભાળ પૂરી પાડવામાં આવે છે.
આ પણ વાંચો: વનતારા કેસ : સુપ્રીમ કોર્ટે કહ્યું ‘જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં શું ખોટું છે’
આ પણ વાંચો: અમદાવાદ રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીઓની મદદે વનતારા
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટ આજે વનતારામાં ‘હાથીઓના ગેરકાયદેસર કેદ’ પર સુનાવણી કરશે, SIT 12 સપ્ટેમ્બરે રિપોર્ટ રજૂ કરશે
