Rajkot News/ રાજકોટમાં ગૃહકંકાસનો કરુણ અંજામ! પતિએ પત્નીની હત્યા કરી, પોતે ઝેરી દવા પી ફરાર

રાજકોટના મોરબી રોડની સ્કાય સોસાયટીમાં પ્રવીણ પરસોડાએ પત્ની શારદાની છરીના ઘા મારી હત્યા (Rajkot Wife Murder) કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા બાદ પતિ ઝેરી દવા પી ઘરેથી ફરાર થયો.

Rajkot Top Stories Gujarat Breaking News
Rajkot Wife Murder: પત્નીની છરીના ઘા ઝીંકી હત્યા કરી, ઝેરી દવા પી ફરાર

Rajkot News: રાજકોટના મોરબી રોડ પર આવેલા વેલનાથપરા વિસ્તારની સ્કાય રેસિડેન્સીમાં પતિએ પત્નીની છરીના ઘા ઝીંકીને હત્યા (Rajkot Wife Murder) કરી હોવાની ઘટના સામે આવી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, પત્નીને અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાની શંકાને લઈને પતિ પ્રવીણ પરસોડાએ પત્ની શારદાબેન પર હુમલો કર્યો હતો. તેણે શારદાબેનને આશરે 8 છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે ઝેરી દવા પી ઘરેથી ફરાર થઈ ગયો હોવાની આશંકા છે. હાલ પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

Rajkot Wife Murder: મોટા દીકરા અને પુત્રવધૂ સાથે રહેતો હતો પરિવાર

પ્રવીણ પરસોડાને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. તે પત્ની શારદાબેન સાથે મોરબી રોડ પર આવેલી સ્કાય સોસાયટીમાં મોટા દીકરા અને પુત્રવધૂ સાથે રહેતો હતો. પ્રવીણ છૂટક મજૂરીકામ કરતો હતો, જ્યારે તેનો મોટો દીકરો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. શારદાબેન મારવાડી યુનિવર્સિટીમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતાં હતાં.

આડા સંબંધોની શંકાને લઈને અવારનવાર ઝઘડા થતા હતા

બી ડિવિઝન પોલીસના પીઆઇ ગોવિંદ ચૌહાણના જણાવ્યા મુજબ, વેલનાથપરા શેરી નંબર-1માં આવેલી સ્કાય રેસિડેન્સીમાં સાંજે સવા છથી સાડા છ વાગ્યાની આસપાસ ઘરકંકાસને કારણે પતિએ પત્નીની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. શારદાબેન અને પ્રવીણ વચ્ચે આડા સંબંધોની શંકાને લઈને અવારનવાર ઝઘડા થતા હતા.

પુત્રવધૂ અને પૌત્રીને મારી નાખવાની ધમકી આપી

મૃતકનાં પુત્રવધૂ કાજલ પરસોડાએ જણાવ્યું હતું કે સાસુ અને સસરા વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ઝઘડા ચાલી રહ્યા હતા. તે પોતે રિસામણે ગઈ હોવાથી ચાર દિવસ પહેલાં જ ઘરે પરત ફરી હતી. ઘટનાના દિવસે બપોરે ત્રણ વાગ્યે સસરા ઘરની ચાવી લઈને નીકળી ગયા હતા, જ્યારે સાસુ કામે ગયાં હતાં અને સાંજે છ વાગ્યે ઘરે પરત ફર્યાં હતાં.

કાજલના જણાવ્યા મુજબ, સાંજે સસરા ઘરે આવ્યા અને સાસુને ઢસડીને ઘરની અંદર લઈ ગયા હતા. આ દરમિયાન તેમણે કાજલ અને તેની નાની દીકરીને મારી નાખવાની ધમકી આપી ઘરની બહાર નીકળી જવા કહ્યું હતું. પોતાનો અને દીકરીનો જીવ બચાવવા કાજલ ઘરની બહાર નીકળી ગઈ હતી અને પોતાના પતિને તાત્કાલિક ઘરે આવવા ફોન કર્યો હતો. ડરના કારણે તે ઘરની અંદર શું બન્યું તેની જાણકારી મેળવી શકી નહોતી.

રૂમમાંથી દવાની શીશી મળી, મોઢામાંથી ફીણ નીકળતા હોવાનો દાવો

પુત્રવધૂએ વધુમાં જણાવ્યું હતું કે ઘટનાસ્થળે શારદાબેનના મોઢામાંથી ફીણ નીકળતા જોવા મળ્યા હતા. રૂમમાંથી દવાની એક શીશી પણ મળી આવી હતી. આથી પ્રવીણે ઝેરી દવા પીધી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હત્યા બાદ આરોપી પોતાના વતન તરફ નાસી છૂટ્યો હોવાની માહિતી પણ પોલીસને મળી છે.

FSLની મદદથી તપાસ, આરોપીને ઝડપી પાડવા ટીમો કાર્યરત

હાલ બી ડિવિઝન પોલીસે FSLની મદદથી ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. હત્યા અંગે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, ફરાર આરોપી પ્રવીણ પરસોડાને ઝડપી પાડવા બી ડિવિઝન પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને LCB ઝોન-1ની ટીમોએ તપાસ તેજ કરી છે.


આ પણ વાંચો: સૈફ અલી ખાનને ફરી મળી ધમકી, બાબા સિદ્દીકી હત્યા કેસના વોન્ટેડ આરોપીનો હાથ હોવાની તપાસ

આ પણ વાંચો: કેનેડામાં ભારતીય યુવકનું રહસ્યમય મોત, સળગેલી કારમાંથી મળ્યો મૃતદેહ; હત્યા પાછળ કોઈની સાજિશની આશંકા

આ પણ વાંચો: સાબરકાંઠામાં મહિલા હેડ કોન્સ્ટેબલ પર ASI પ્રેમીની હત્યાનો આરોપ, પુરાવા સળગાવ્યાનો ખુલાસો; 4ની ધરપકડ