Ahmedabad News: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ના નવનિયુક્ત મેયર હિતેશ બારોટે (Hitesh Barot) પદભાર સંભાળતા જ એક એવો નિર્ણય લીધો છે, જેના કારણે સમગ્ર ગુજરાતમાં તેમની ચર્ચા થઈ રહી છે. સામાન્ય રીતે મોટા રાજકીય હોદ્દા મળ્યા બાદ નેતાઓ સરકારી બંગલો, લક્ઝરી કાર અને અન્ય VIP સુવિધાઓનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ હિતેશ બારોટે આ પરંપરાથી અલગ રસ્તો પસંદ કર્યો છે.
નવા મેયરે જાહેરાત કરી છે કે તેઓ મેયર માટે ફાળવવામાં આવેલા સત્તાવાર બંગલાનો ઉપયોગ નહીં કરે. સાથે જ તેમણે સરકારી વૈભવી વાહન પણ ન વાપરવાનો નિર્ણય લીધો છે.
Hitesh Barot પોતાના ઈલેક્ટ્રિક વાહનથી જ કરશે મુસાફરી
હિતેશ બારોટે (Hitesh Barot) સ્પષ્ટ કર્યું છે કે તેઓ શહેરમાં આવન-જાવન માટે પોતાના અંગત ઈલેક્ટ્રિક વાહનનો જ ઉપયોગ કરશે. તેમના જણાવ્યા મુજબ પ્રજાના ટેક્સના પૈસાનો બિનજરૂરી ખર્ચ અટકાવવાનો આ પ્રયાસ છે.મેયરે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, “મેં આજદિન સુધી કોઈ વધારાની સરકારી સવલતો લીધી નથી. ઈશ્વરની કૃપાથી મારી પાસે રહેવા અને આવન-જાવન માટે ખાનગી વ્યવસ્થા ઉપલબ્ધ છે અને હું આગામી સમયમાં પણ તેનો જ ઉપયોગ કરીશ.”
સોશિયલ મીડિયા પર ભારે પ્રશંસા
હિતેશ બારોટ (Hitesh Barot)ના આ સાદગીભર્યા અને લોકાભિમુખ નિર્ણયને સોશિયલ મીડિયા પર ભારે પ્રશંસા મળી રહી છે. અનેક લોકોએ આ નિર્ણયને સરાહનીય ગણાવ્યો છે અને અન્ય લોકપ્રતિનિધિઓ માટે પ્રેરણાદાયક પગલું હોવાનું જણાવ્યું છે.રાજકીય વિશ્લેષકોના મતે આજના સમયમાં VIP સંસ્કૃતિ સામે આ પ્રકારનો નિર્ણય સામાન્ય જનતામાં સકારાત્મક સંદેશ પહોંચાડે છે. ખાસ કરીને ઈલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરવાની જાહેરાતને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી સાથે પણ જોડવામાં આવી રહી છે.
VIP સંસ્કૃતિ સામે અનોખો સંદેશ
રાજકારણમાં ઘણીવાર વૈભવી જીવનશૈલી અને સરકારી સવલતોને લઈને ચર્ચાઓ થતી રહે છે. ત્યારે અમદાવાદના નવા મેયરે સાદગી અને જવાબદારીનો સંદેશ આપતા લીધેલો આ નિર્ણય હવે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો:અમદાવાદીઓ જાણો તમારા નવા મેયર હિતેશ બારોટને
આ પણ વાંચો:નવસારી મનપાના નવા મેયર તરીકે અશોક ધોરાજીની પસંદગી, પાંચ મુખ્ય હોદ્દેદારોના નામ જાહેર
