
Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના મેયર હિતેશ બારોટ (Hitesh Barot) બન્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના વડા કમલેશ પટેલ (Kamlesh Patel) બન્યા છે. દંડક અતુલ મિશ્રા (Atul Mishra) બન્યા છે. અંજુ શાહ (Anju Shah) અમદાવાદના ડેપ્યુટી મેયર બન્યા છે. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવ્યાના મહિના પછી થયેલી આ જાહેરાત બતાવે છે કે આટલી જંગી બહુમતી પછી પણ શાસક પક્ષ કેટલો અસમજંસમાં હતો. જ્યારે સામાન્ય રીતે આ પ્રક્રિયા ચૂંટણી પછીના દસ દિવસમાં કે મહત્તમ પખવાડિયામાં પૂરી થઈ જતી હોય છે.

હિતેશ બારોટ(Hitesh Barot)ને છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા કહેવાયું
જ્યારે ફોર્મ ભરાયા ત્યારથી જ માનવામાં આવતું હતું કે હિતેશ બારોટ અમદાવાદના મેયર બનશે. હિતેશ બારોટને છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા માટે કહેવામાં આવ્યુ હતુ. હિતેશ બારોટ લાંબા સમયથી પક્ષમાં સક્રિય છે અને લાંબો રાજકીય અનુભવ ધરાવે છે. તેની સાથે તેમણે સંગઠનાત્મક કૌશલ્ય પણ સારું બતાવ્યું છે. આ ઉપરાંત લાંબા સમયથી રાજકારણમાં સક્રિય હોવા છતાં તેઓનું આમ કોઈ વિવાદમાં સપડાયું નથી. તેની સાથે તેમણે અત્યાર સુધી દરેક જવાબદારી સારી રીતે નીભાવી હોવાથી તે પ્રબળ દાવેદાર બનાવે છે. હિતેશ બારોટ થલતેજ વોર્ડમાંથી ચૂંટાઈ આવ્યા છે.

અમદાવાદના મેયર પદ માટે ધરમસી દેસાઈનું નામ ચર્ચામાં હતું
એક સમયે ધરમસી દેસાઈ જેવા નામ પણ હોદ્દેદારો પણ ચર્ચામાં હતા. આ વખતનું મેયરપદ ઓબીસી નેતા પદ રિઝર્વ હતુ. તેથી પ્રબળ દાવેદાર મનાતા હતા. તેઓ અગાઉ સ્ટેન્ડિંગ કમિટીમાં પણ હતા, તેઓ એએમટીએસના ચેરમેન પણ રહી ચૂક્યા છે. તેઓ અગાઉના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીની સાથે પણ કામ કરી ચૂક્યા છે અને તે ખાસ્સો અનુભવ ધરાવે છે. પણ પક્ષને લાગ્યું છે કે તેમના અનુભવનો વહીવટમાં ઉપયોગ કરવો જરૂરી છે.
ડેપ્યુટી મેયર પદે અંજુ શાહના નામ બધાને ચોંકાવ્યા
આ ઉપરાંત અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનું હોવાથી તેનો સુગઠિત વિકાસ કરવો જરૂરી હોવાથી પક્ષની નીતિઓનો અમલ કરવા હિતેશ બારોટ યોગ્ય ચહેરો લાગ્યો છે. જ્યારે ડેપ્યુટી મેયર પદ માટે અંજુ શાહના નામે બધાને ચોંકાવ્યા છે. અંજુ શાહ સાબરમતી વોર્ડમાંથી ચૂંટાઈ આવ્યા છે અને તેમને પક્ષે મોટી જવાબદારી આપી છે. એક સમયે બે ટર્મ સુધી હોદ્દો મેળવનારા ચાંદની પટેલ પ્રબળ દાવેદાર મનાતા હતા, પણ અંજુ શાહની નિમણૂકે પક્ષના કાર્યકરોને માથુ ખંજવાળતા કરી દીધા છે. આમ દર વખતે કોઈને કોઈ હોદ્દે પર સરપ્રાઇઝ આપવા મનાતું હાઈકમાન્ડ આ વખતે પણ સરપ્રાઇઝ આપવામાં સફળ રહ્યુ છે. જો કે વિવાદોમાં સપડાવવાના લીધે યાંદની પટેલનું પત્તુ કપાયું હોવાનું માનવામાં આવે છે.

અમદાવાદમાં મેયર પશ્ચિમના તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પૂર્વના
આ સિવાય મેયર અને ડેપ્યુટી મેયર પશ્ચિમમાંથી છે તો પૂર્વમાંથી કમલેશ પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવીને પક્ષે અહીં સંતુલન સાધ્યું છે. કમલેશ પટેલ પૂર્વ વિસ્તારની દરેક સમસ્યાઓથી લઈને તેના રાજકારણની ભાતીગળ સમજ ધરાવે છે. આજે શહેરના પૂર્વ વિસ્તારના વિકાસમાં તેમનું નામ મુઠી ઊંચેરા આગેવાનમાં ગણાય છે. આમ પૂ્ર્વ વિસ્તારમાં ભાજપનો ભગવો લહેરાતો રાખવામાં તેમની ભૂમિકા મહત્ત્વની છે. કમલેશ પટેલ ખોખરા વોર્ડમાંથી ચૂંટાઈ આવ્યા છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પરેશ લાખાણીનું નામ ચર્ચામાં હતું
એક સમયે પરેશ લાખાણીનું નામ પણ ચેરમેન પદ માટે ચર્ચાતુ હતુ. તેઓ અમદાવાદ શહેરના મહામંત્રી રહી ચૂક્યા છે. તે સંગઠનમાં પણ સારી ભૂમિકા ભજવી ચૂક્યા છે, પણ કોર્પોરેટર તરીકે તેમની પહેલી ટર્મ હોવાથી તેમને આ જવાબદારી સોંપવાનું પક્ષને મુનાસાબિ લાગ્યું નથી. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં શાસક પક્ષના મુખ્ય નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુ ઠાકોર પર પસંદગીનો કળશ ઢોળાયો છે. પક્ષે સવર્ણ, ઓબીસી અને એસટી તથા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર વચ્ચે સંતુલન જાળવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ની ચૂંટણીમાં શાસક પક્ષે જ્વલંત સફળતા મેળવતા 192 વોર્ડમાંથી 160 વોર્ડ કબ્જે કરી ભગવો લહેરાવ્યો હતો. અહીં સૌથી મહત્વની વાત એ હતી કે શાસક પક્ષની બેઠક શરૂ થઈ ત્યારે પક્ષના બધા જ કોર્પોરેટરો એએમટીએસ, બીઆરટીએસ અને સાઇકલ કે ટુ-વ્હીલર પર આવ્યા હતા. કોઈપણ આગેવાન ફોર-વ્હીલર લઈને આવ્યો ન હતો.
અમદાવાદ(AMC)માં મેયર-ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં કોંગ્રેસના બે સભ્યોની દાવેદારી
આશ્ચર્યની વાત તો એ છે કે કોંગ્રેસના બે સભ્યોએ પણ ઉમેદવારી કરી હતી. તેઓએ મેયર અને ડેપ્યુટી મેયરના હોદ્દા માટે ફોર્મ ભર્યા હતા. અસરાર બેગ મિર્ઝા અને મોનાબેન પ્રજાપતિએ ફોર્મ ભર્યા છે. કોંગ્રેસના બે જણાએ ફોર્મ ભરતા ભાજપની અંદર કાનાફૂસી પણ શરૂ થઈ ગઈ છે. તેમને થયું કે તેઓએ શું કામ ફોર્મ ભર્યુ હશે. જો કે કોંગ્રેસના આંતરિક સૂત્રોનું કહેવું છે કે તેઓ તો ફક્ત લોકશાહીને મજબૂત કરવા માટે તેમનો ધર્મ નીભાવી રહ્યા છે અને લડત આપ્યા વગર હારી જવામાં માનતા નથી.
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇંધણ બચાવવા ડિજિટલ મીટિંગ કરશે
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ‘વહીવટદાર શાસન’, મુકેશ કુમારની એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂક
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં BU વગરની નવ હોસ્પિટલ સીલ
