Twisha Sharma Death Case: ભોપાલના હાઈ-પ્રોફાઈલ ટ્વિશા શર્મા શંકાસ્પદ મોત મામલે કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ સોમવારે સત્તાવાર રીતે FIR નોંધીને તપાસ પોતાના હાથમાં લઈ લીધી છે. એજન્સીની સ્પેશિયલ ક્રાઈમ યુનિટે દસ્તાવેજો અને પુરાવા એકત્ર કરવા માટે ભોપાલમાં ધામા નાખ્યા છે. 12 May ના રોજ કટારા હિલ્સ ખાતે સાસરીમાં ફાંસો ખાધેલી હાલતમાં મળેલી 33 વર્ષીય ટ્વિશાના મોત પાછળ હવે CBI મુખ્ય 7 સવાલોના જવાબો શોધશે.
ઘટનાની રાત્રિનો છેલ્લો ફોન કોલ અને ચોંકાવનારો ઘટસ્ફોટ
દાખલ કરાયેલી FIR મુજબ, ઘટનાની રાત્રે 9:41 વાગ્યે ટ્વિશાએ તેની માતા સાથે ફોન પર વાત કરી હતી, જેમાં બેકગ્રાઉન્ડમાં તેના પતિ સમર્થ સિંહના ચિલ્લાવવાનો અવાજ સંભળાતો હતો અને અચાનક ફોન કટ થઈ ગયો હતો. ત્યારબાદ પરિવારે વારંવાર ફોન કર્યો ત્યારે સાસુ ગિરિબાલા સિંહે ફોન ઉપાડીને ‘તે હવે દુનિયામાં નથી’ કહીને કોલ કાપી નાખ્યો હતો.
CBI એ આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 80(2), 85, 3(5) અને દહેજ વિરોધી અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. ટ્વિશાના પરિવારે આક્ષેપ કર્યો છે કે 9 December 2025 ના રોજ થયેલા લગ્ન બાદથી જ દહેજ અને ગેરકાયદેસર પૈસાની લેવડદેવડ માટે તેને શારીરિક-માનસિક પ્રતાડના આપવામાં આવતી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ ભટકાવવાના આક્ષેપ
પીએમ રિપોર્ટ અનુસાર, મોતનું કારણ ફાંસો ખાવાથી (Hanging) થયું હોવાનું જણાવાયું છે, પરંતુ ટ્વિશાના(Twisha Sharma) શરીર પર મોત પહેલાના ઈજાના અનેક નિશાન’ પણ મળી આવ્યા છે, જે સોફ્ટ ટીશ્યુ ઇન્જરી અથવા બ્લન્ટ ફોર્સ (ભારે દબાણ) ના કારણે થયા હોઈ શકે છે.
આ કેસમાં સૌથી મોટો સવાલ પૂર્વ જિલ્લા ન્યાયાધીશ (જજ) સાસુ ગિરિબાલા સિંહના રસુખ પર ઉઠી રહ્યો છે. પીડિત પક્ષનો આક્ષેપ છે કે ગિરિબાલા ટીવી ચેનલો પર ઇન્ટરવ્યુ આપીને ટ્વિશાની માનસિક સ્થિતિ પર સવાલો ઉઠાવી તપાસ ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હુમલાના દિવસે પતિ સમર્થ ટ્વિશાને(Twisha Sharma) રાત્રે 10:20 વાગ્યે AIIMS ભોપાલ લાવ્યો હતો, જ્યાં 13 May ના રોજ રાત્રે 12:05 વાગ્યે તેને બ્રૉટ ડેડ (મૃત લાવેલ) જાહેર કરાઈ હતી, છતાં ભોપાલ પોલીસે FIR નોંધવામાં બે દિવસનો વિલંબ કરીને 15 May ના રોજ કેસ કર્યો હતો.
Twisha Sharma કેસમાં સુપ્રીમની કડક ટિપ્પણી
આ મામલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે સ્વતઃ સંજ્ઞાન (Suo Motu) લઈને સુનાવણી કરી હતી. સર્વોચ્ચ અદાલતે બંને પક્ષોને કડક આદેશ આપ્યો છે કે તેઓ મીડિયા સામે નિવેદનબાજી કરવાના બદલે તપાસ એજન્સી સમક્ષ પોતાનો પક્ષ રાખે, જેથી તપાસ પ્રક્રિયા પર કોઈ ખોટી અસર ન પડે.
CBI હવે મુખ્યત્વે ટ્વિશાના મોતનું અસલી કારણ, શરીર પરના ઘા, દહેજની માંગણીના આક્ષેપોની સત્યતા(Twisha Sharma) અને શું પૂર્વ જજ ગિરિબાલા સિંહ પોતાના પદનો દુરુપયોગ કરીને તપાસ પ્રભાવિત કરી રહ્યા હતા કે કેમ તેની ઊંડી તપાસ કરશે.

