Bharuch News : ભરૂચ જિલ્લાના અંકલેશ્વર (Ankleshwar)માં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ એક સફળ ટ્રેપ ગોઠવી પોલીસ વિભાગના હેડ કોન્સ્ટેબલ (Head Constable)ને રૂ. 25 હજારની લાંચ (Bribe) લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી બાદ પોલીસ તંત્રમાં પણ ચર્ચાનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદી એક વેપારી છે, જેમનું વેપાર સંબંધિત બેંક એકાઉન્ટ સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યું હતું. એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા માટે ભાડકોદ્રા પોલીસ ચોકી, અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સુનીલભાઈ ઇશ્વરભાઈ પરમારે ફરિયાદીનો વારંવાર સંપર્ક કરી લાંચની માંગણી કરી હતી.
આરોપી હેડ કોન્સ્ટેબલે ફરિયાદીને રૂબરૂ મળી બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવાની પ્રક્રિયા આગળ વધારવા બદલ રૂ. 25 હજારની લાંચ (Bribe) માંગ્યાનો આક્ષેપ છે. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACBના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી.
ફરિયાદ મળ્યા બાદ વડોદરા શહેર ACBની ટીમે પ્રાથમિક ચકાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફરિયાદ સાચી હોવાનું સામે આવતા અધિકારીઓએ સુનિયોજિત રીતે ટ્રેપ ગોઠવ્યો હતો.
આરોપીએ ફરિયાદી પાસેથી રૂ. 25 હજારની લાંચ (Bribe)ની રકમ સ્વીકારી હતી
ટ્રેપ દરમિયાન અંકલેશ્વર નજીક વાલિયા ચોકડીથી ભરૂચ તરફ જતા માર્ગ પર આવેલી એક ચાની દુકાન બહાર આરોપીએ ફરિયાદી પાસેથી રૂ. 25 હજારની લાંચ (Bribe)ની રકમ સ્વીકારી હતી. તે દરમિયાન ACBની ટીમે કાર્યવાહી કરી આરોપીને સ્થળ પર જ રંગેહાથ ઝડપી લીધો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પોતાના રાજ્ય સેવકના હોદ્દાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે લાંચની માંગણી કરી હતી. ACB દ્વારા લાંચની સંપૂર્ણ રકમ પણ કબજે કરવામાં આવી છે. હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:ભ્રષ્ટ બાબુનો ખેલ ખતમ! ગાંધીનગર મનપાના આસિ. કમિશનર 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
આ પણ વાંચો:ગાંધીનગરમાં ગુડાના સુપરવાઈઝર અને ક્લાર્ક 70 હજારની લાંચ લેતા ઝડપાયા
આ પણ વાંચો:ગાંધીનગરમાં લાંચ લેતા 2 કર્મચારીઓ રંગેહાથ ACB એ ઝડપ્યા
