Ahmedabad News : અમદાવાદ (Ahmedabad)ના કાલુપુર રેલવે સ્ટેશન બહાર એક યુવકે પોતાને IPS (Fake IPS)અધિકારી તરીકે ઓળખાવી પોલીસ કર્મચારી સામે દાદાગીરી કરતા ભારે હોબાળો મચ્યો છે. ફરજ પર હાજર કોન્સ્ટેબલ સાથે ગેરવર્તન કરનાર આ શખસે પોતાની ઓળખ “જોન ડેનિયલ” નામના IPS તરીકે આપી હતી અને પોલીસ કર્મચારીને ધમકીઓ આપી હતી.
ટ્રાફિક મુદ્દે શરૂ થયો વિવાદ
માહિતી અનુસાર, કાલુપુર રેલવે પોલીસ (Kalupur Railway Police)માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અજય દેસાઈ સ્ટેશન બહાર ટ્રાફિક વ્યવસ્થામાં તૈનાત હતા. તે સમયે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. કારમાં આવેલા એક યુવકે ટ્રાફિક અંગે પૂછપરછ કરી હતી, જેના જવાબ બાદ તે અચાનક ઉશ્કેરાઈ ગયો હતો.
‘મને સેલ્યુટ કેમ ન મારી?’
આરોપ છે કે યુવકે કોન્સ્ટેબલને સેલ્યુટ ન કરવા મુદ્દે ઠપકો આપ્યો હતો. તેણે પોતાને IPS અધિકારી ગણાવી પોલીસ કર્મચારીને અપશબ્દો કહ્યા હતા અને વર્દી ઉતરાવી દેવાની ધમકી પણ આપી હતી. ઘટનાસ્થળે હાજર અન્ય પોલીસકર્મીઓએ સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.
વીડિયો વાયરલ કરવાની ધમકી
વિવાદ દરમિયાન યુવકે મોબાઇલ ફોનમાં વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું હોવાનું સામે આવ્યું છે. સાથે જ તેણે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવાની ચીમકી આપીને સ્થળ છોડી દીધું હતું.
પોલીસે ગુનો નોંધ્યો
કોન્સ્ટેબલ અજય દેસાઈની ફરિયાદના આધારે કાલુપુર રેલવે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીની વાસ્તવિક ઓળખ શું છે અને અગાઉ પણ તેણે આવી હરકતો કરી છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે.
તપાસ બાદ થશે વધુ ખુલાસા
પોલીસ હાલ CCTV ફૂટેજ, સાક્ષીઓના નિવેદન અને અન્ય ટેક્નિકલ પુરાવાના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.
