Ahmedabad News: અમદાવાદના પેલેડિયમ મોલના ચેન્જિંગ રૂમ (Palladium Mall Changing Room Case)માં સગીર બાળકીનો વીડિયો રેકોર્ડ કરવાનો પ્રયાસ કરવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Cour) મહત્વનો આદેશ આપ્યો છે. 27 વર્ષીય ઓટોમોબાઈલ એન્જિનિયર સામે નોંધાયેલી FIR સગીરાના માતા-પિતાની વિનંતી અને આરોપી સાથે થયેલા સમાધાનના આધારે રદ કરવામાં આવી છે. જોકે, કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આરોપીને સામાજિક સેવા તથા દાન સહિતની શરતોનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ મુજબ આરોપીએ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં એક મહિના સુધી સામાજિક સેવા કરવાની રહેશે. આ ઉપરાંત પાલડી સ્થિત શિશુ ગૃહમાં રૂ.50 હજાર જમા કરાવવાના રહેશે.
Palladium Mall Changing Room Case: ચેન્જિંગ રૂમની બહાર મોબાઈલ રાખી વીડિયો બનાવવાનો પ્રયાસ
આ કેસ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ઓક્ટોબર 2025માં નોંધાયેલી FIR સાથે સંબંધિત છે. આરોપી પર ચેન્જિંગ રૂમ (Palladium Mall Changing Room Case)ના ફ્લોર પર પોતાનો મોબાઈલ કેમેરો એવી રીતે રાખવાનો આરોપ હતો કે જેના દ્વારા સગીર બાળકીનો વીડિયો રેકોર્ડ કરવાનો પ્રયાસ થયો હતો. હાઈકોર્ટે નોંધ્યું કે FIRમાં કરવામાં આવેલા આક્ષેપો ગંભીર છે અને તેમાં સગીરાના ખાનગીપણા તથા સન્માનના અધિકારના ભંગનો મુદ્દો ઊભો થાય છે.
માતા-પિતાએ આરોપી સાથે સમાધાન કર્યું
સગીરાના માતા-પિતાએ હાઈકોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરીને જણાવ્યું હતું કે તેમણે આરોપી સાથે સમાધાન કરી લીધું છે અને હવે તેઓ આ મામલે વધુ ફોજદારી કાર્યવાહી આગળ વધારવા માંગતા નથી. તેમણે કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે સમગ્ર કાનૂની વિવાદની સગીરાના અભ્યાસ પર નકારાત્મક અસર થઈ છે. બોર્ડની પરીક્ષામાં પણ તે અગાઉની અપેક્ષા મુજબ પરિણામ મેળવી શકી નહોતી અને આ સમગ્ર ઘટનાને કારણે તેના પર માનસિક દબાણ ઊભું થયું હતું.માતા-પિતાના જણાવ્યા મુજબ હવે તેઓ સગીરાના આગળના અભ્યાસ અને ભવિષ્યના લગ્ન સહિતના જીવનના મહત્વના પાસાઓને ધ્યાનમાં રાખીને આ વિવાદને પાછળ મૂકીને આગળ વધવા માંગે છે.
કોર્ટઃ આક્ષેપો ગંભીર અને પ્રાઈવસીના અધિકાર સાથે જોડાયેલા
હાઈકોર્ટે (Gujarat High Cour) સ્પષ્ટ કર્યું કે આ મામલામાં કરવામાં આવેલા આક્ષેપોને સામાન્ય કે નાની બાબત તરીકે જોઈ શકાય નહીં. ચેન્જિંગ રૂમ (Palladium Mall Changing Room Case) જેવી ખાનગી જગ્યામાં કપડાં બદલતી સગીરાનો વીડિયો બનાવવાનો પ્રયાસ તેના ખાનગીપણા અને ગૌરવના અધિકારને અસર કરતું કૃત્ય છે. કોર્ટના મતે, મોબાઈલ ફોનનો આ રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ ગંભીર બાબત તરફ ઈશારો કરે છે.
Palladium Mall Changing Room Case: ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ નહીં કરે તેવી બાંહેધરી
હાઈકોર્ટે માત્ર સમાધાનના આધારે આરોપીને રાહત આપવાનું યોગ્ય માન્યું નહોતું. આરોપી પાસેથી લેખિત બાંહેધરી લેવામાં આવી છે કે તે ભવિષ્યમાં આવી કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ નહીં થાય. કોર્ટે જણાવ્યું કે પીડિતાના સન્માન અને ખાનગીપનાના અધિકાર સાથે ગુનાની ગંભીરતાને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે.
10 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી સિવિલ હોસ્પિટલમાં સેવા
હાઈકોર્ટના આદેશ મુજબ આરોપીએ 10 સપ્ટેમ્બર, 2026થી 9 ઓક્ટોબર, 2026 સુધી અસારવા, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક મહિના સુધી સામાજિક સેવા કરવાની રહેશે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટને આરોપીને યોગ્ય ફરજ સોંપવાની સૂચના આપવામાં આવી છે. સેવા પૂર્ણ થયા બાદ તેનું પ્રમાણપત્ર હાઈકોર્ટ (Gujarat High Cour)ના રજિસ્ટ્રાર જનરલ સમક્ષ રજૂ કરવાનું રહેશે. આ ઉપરાંત આરોપીને કઈ પ્રકારની કામગીરી સોંપવામાં આવી અને તેણે તે કામગીરી કેવી રીતે નિભાવી તેનો અહેવાલ પણ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે.
Palladium Mall Changing Room Case: ગેરહાજરી કે ગેરવર્તણૂક થશે તો FIR ફરી શરૂ થઈ શકે
હાઈકોર્ટે સામાજિક સેવાની શરત અંગે પણ મહત્વની ચેતવણી આપી છે. જો આરોપી સેવા દરમિયાન ગેરહાજર રહે, ફરજમાં બેદરકારી કરે અથવા કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક કરે તો સિવિલ હોસ્પિટલ દ્વારા તાત્કાલિક કોર્ટને જાણ કરવાની રહેશે. આવી સ્થિતિમાં હાઈકોર્ટ યોગ્ય આદેશ કરી શકે છે, જેમાં અગાઉ રદ કરવામાં આવેલી FIRને ફરીથી પુનઃસ્થાપિત કરવાનો વિકલ્પ પણ સામેલ છે.
Palladium Mall Changing Room Case: શિશુ ગૃહમાં 10 દિવસમાં ₹50 હજાર જમા કરાવવા આદેશ
સામાજિક સેવા ઉપરાંત આરોપીને 10 દિવસની અંદર પાલડી સ્થિત શિશુ ગૃહમાં રૂ.50 હજાર જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ રકમનો ઉપયોગ ત્યાં રહેતા બાળકોના કલ્યાણ, સંભાળ, શિક્ષણ અને અન્ય કાયદેસરની જરૂરિયાતો માટે કરવામાં આવે.
Palladium Mall Changing Room Case: આરોપીનો મોબાઈલ પરત નહીં આપવાનો આદેશ
આ કેસમાં ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ ફોન અંગે પણ હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. ટ્રાયલ કોર્ટને આરોપીનો મોબાઈલ ફોન તેને પરત ન આપવા સૂચના આપવામાં આવી છે. આ રીતે હાઈકોર્ટે એક તરફ પક્ષકારો વચ્ચે થયેલા સમાધાનને ધ્યાનમાં લઈને FIR રદ કરી છે, પરંતુ બીજી તરફ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપી પર સામાજિક સેવા, દાન અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ ન કરવાની બાંહેધરી જેવી શરતો મૂકી છે.
આ પણ વાંચો:અમદાવાદના પેલેડિયમ મોલમાં ભગવા સેનાનો વિરોધ, ક્રિસમસ ટ્રી ઉતારતા હંગામો
આ પણ વાંચો:અમદાવાદના પેલેડિયમ મોલ નજીક અસામાજીક તત્વોનો આતંક, પોલીસ પર ઉઠ્યા સવાલો
