Gujarat Weather/ ગુજરાતમાં શિયાળાની જમાવટ, અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો

Gujarat Weather: ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ડાંગમાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો.

Gujarat Top Stories
Gujarat Weather

Gujarat Weather: ગુજરાતના વાતાવરણમાં શિયાળાની અસર ધીમે ધીમે વધતી જોવા મળી રહી છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ વધુ થવા લાગ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો નીચે ઉતરતાં લોકોને હવે ઘરની બહાર નીકળતી વખતે સ્વેટર, મફલર અને ગરમ કપડાં પહેરવાની જરૂર પડી રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ શનિવારે ઠંડીમાં થોડો વધુ વધારો થઈ શકે છે.

ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોની અસર

ગુજરાતમાં ઠંડી વધવા પાછળનું મુખ્ય કારણ ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનો હોવાનું માનવામાં આવે છે. આ પવનોને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઠંડકનું પ્રમાણ વધ્યું છે. સાથે જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતાં પણ ઠંડીનો અહેસાસ વધુ થઈ રહ્યો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાત અક્વાનને કારણે દેશના હવામાનમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે.

ચક્રવાત અક્વાનની અસરથી અનેક રાજ્યોમાં વરસાદની આગાહી

ચક્રવાત અક્વાનની અસરને પગલે દેશના કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે પશ્ચિમ બંગાળથી લઈને બિહાર સુધીના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દિલ્હી, ઝારખંડ અને પૂર્વોત્તર ભારતનાં કેટલાંક રાજ્યોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે ચક્રવાતની તીવ્રતામાં ઘટાડો થયો હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમ છતાં તેની અસરથી ઠંડા પવનો શરૂ થતાં ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે.

ગુજરાતના 11 શહેરોમાં તાપમાન 19 ડિગ્રીથી નીચે

રાજ્યના તાપમાનની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોમાં અનેક શહેરોમાં 4થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. ડાંગ જિલ્લામાં સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજ્યનાં 11 શહેરોમાં લઘુતમ તાપમાન 19 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. અમદાવાદમાં 18.1 ડિગ્રી, ગાંધીનગરમાં 17.2 ડિગ્રી, રાજકોટમાં 16.8 ડિગ્રી, વડોદરામાં 14 ડિગ્રી, ડીસામાં 15.5 ડિગ્રી, જૂનાગઢમાં 17.4 ડિગ્રી અને અમરેલીમાં 18.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત દીવમાં 17 ડિગ્રી, નલિયામાં 14 ડિગ્રી, ભુજમાં 18.2 ડિગ્રી અને દમણમાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આગામી વર્ષોમાં ગુજરાતની શિયાળાની ઋતુમાં શું ફેરફાર થશે?

આગામી વર્ષોમાં ગુજરાતની શિયાળાની ઋતુમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. એક સંશોધનના અનુમાન મુજબ વર્ષ 2030 સુધીમાં રાજ્યમાં શિયાળા દરમિયાન લઘુતમ તાપમાનમાં 1થી 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.

સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં લઘુતમ તાપમાન આશરે 12 ડિગ્રી સુધી નોંધાતું હોય છે. જોકે ગ્લોબલ વોર્મિંગ અને બદલાતી આબોહવાની સ્થિતિને કારણે આગામી વર્ષોમાં શિયાળાના તાપમાનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ રાજ્યમાં ઠંડીનો અનુભવ વધી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં તાપમાનમાં કેવા ફેરફાર થાય છે તેના પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો: હવે ગરમ કપડાં કાઢી લેજો! ગુજરાતમાં આગામી 3 દિવસ ઠંડીનો ચમકારો વધશે

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીની ધીમી શરૂઆત! 6 જિલ્લામાં રાત્રે પારો 20 ડિગ્રીથી નીચે, અમદાવાદમાં દિવસે 36 ડિગ્રી ગરમી

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીની રાહ લંબાશે! દિવસે 37 ડિગ્રી ગરમી, રાત્રે ગુલાબી ઠંડી