Food Recipe: આજકાલ બાળકોને ગાર્લિક બ્રેડનો સ્વાદ ઘણો જ પસંદ પડતો હોય છે. ગાર્લિક બ્રેડ મેંદાથી બનતી હોવાથી હૅલ્ધી માનવામાં નથી આવતી. આથી જો તમે બાળકોને ગાર્લિક અર્થાત્ લસણના લચ્છા પરોઠા (Garlic Lachha Paratha Recipe) બનાવીને ખવડાવશો તો એમના સ્વાસ્થ્ય માટે ઉત્તમ રહેશે. અગાઉના દાયકામાં લોકો શરીરને ગરમ રાખવા માટે શિયાળાની ઋતુમાં લસણના પરોઠા બનાવીને ખાતા હતા.
ગાર્લિક પરોઠા ખાવામાં ઘણા ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે. એક વાર આ પરોઠાને તમે બનાવશો તો પછી બજારની ગાર્લિક બ્રેડ (Garlic Bread) ખાવાનું પણ ભૂલી જશો! એને તમે અથાણા સાથે, ચા સાથે અને કોઈ શાક કે દાળ સાથે પણ ખાઈ શકો છો. તો ચાલો જાણીએ સુપર ક્રંચી, ખસ્તા અને ટેસ્ટી લસણના લચ્છા પરોઠા બનાવવાની રેસિપી…
શિયાળા (Winter)ની ઋતુ હવે ટકોરા મારી રહી છે, સિઝન બદલાઇ રહી છે અને સૌને હવે આ આવતી ઠંડીમાં પણ શાકભાજીથી ભરપૂર ભાત-ભાતનું ખાઇ લેવાની ઇચ્છા થાય એ સ્વાભાવિક છે. આ તમામ સ્પાઇસી વાનગીઓમાં ગાર્લિક બ્રેડ તો હોટ ફેવરિટ છે! જો કે કોઇ પણ સિઝનમાં બ્રેકફાસ્ટ કે ડિનર (Breakfast or Dinner)માં સૌથી વધારે મજા જુદી-જુદી જાતના પરોઠા ખાઇને આવે છે. જેમ કે, આલુ પરોઠા, કોબીજ પરોઠા, મૂળાના પરોઠા, મેથી પરોઠા, પાલખ પરોઠા (Aloo Paratha, Muli Paratha, Methi Paratha, Palak Paratha) વગેરે…પરંતુ આ નવીન તરેહના પરોઠા (Garlic Lachha Paratha) એકવાર બનાવીને જોશો તો તમે એ વારંવાર બનાવવાનું પસંદ કરશો…
સવાર-સવારમાં કામકાજની દોડાદોડીમાં સમય ઓછો મળતો હોય છે અને એવામાં ફટાફટ નાસ્તો બની જાય તો એવી રેસિપી ગૃહિણી હોય કે વર્કિંગ વુમન, બધાની પ્રિય બની જાય છે. આવી જ એક રેસિપી (Recipe) અમે તમારા માટે લઇને આવ્યા છીએ, અને એ છે લસણના લચ્છા પરોઠા…
શી રીતે બનાવશો લસણના લચ્છા પરોઠા? (Garlic Lachha Paratha Recipe)
લસણના પરોઠા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 કપ ઘઉંનો લોટ
સ્વાદાનુસાર મીઠું
આવશ્યકતા અનુસાર પાણી
1 કપ સમારેલી કોથમીર
1 આખો ગાંઠિયો લસણની કળીઓ
સ્વાદાનુસાર મીઠું, લાલ મરચું અને જીરું
શેકવા માટે ઘી કે બટર

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ ઘઉંના લોટમાં થોડું મીઠું નાખીને નરમ લોટ બાંધી લેવો. તમારે રોટલીથી થોડો ટાઈટ અને પૂરીથી થોડો હળવો એવો સોફ્ટ લોટ બાંધવાનો રહેશે. લોટને 10 મિનિટ સુધી સેટ થવા માટે રાખી દેવો.
2. હવે પરોઠા બનાવવા માટે 1 ગાંઠ લસણ (Garlic)ની છોલી લેવી. એને તદ્દન બારીક સમારી લેવું. જો લસણ મોટું હોય તો એને વચ્ચે-વચ્ચે કટ લગાવતા જઈને સમારવું. અહિં ધ્યાન રાખવું કે લસણને છીણીને કે વાટીને નથી નાખવાનું…કારણ કે લસણને સમારીને ઉમેરવાથી એનો સ્વાદ વધી જશે.
3. પરોઠામાં ઉમેરવા માટે કોથમીરને ધોઈ, કોરી કરીને બારીક સમારી લેવી. હવે સમારેલા લસણ અને કોથમીરને એક પ્લેટમાં કાઢી લેવા.
4. હવે લોટને ચૅક કરી લેવો અને એને સારી રીતે કેળવી લેવો. લોટમાંથી થોડા મોટા લુવા બનાવી લેવા. આ લુવામાં અટામણ લગાવીને મોટી રોટલી જેવું વણી લો.
5. રોટલી પર મીઠું, લાલ મરચું અને જીરુ ભભરાવી દો. ઘી લગાવી મસાલાને આખી રોટલીમાં ફેલાવી લો. હવે સૂકો લોટ ઉપર ભભરાવો. તમે ઈચ્છો તો પ્રોસેસ્ડ છીણેલું ચીઝ પણ ભભરાવી શકો છો. બાળકોને એ પસંદ પડશે.
6. બાળકો જે રીતે પેપરનો પંખો બનાવો એ જ રીતે રોટલીને ફોલ્ડ કરતા જાઓ. આ રીતે ફોલ્ડ કરેલા રોલને પાટલી પર ગોળ વાળીને લચ્છા પરોઠાનો લુવો બનાવો.
7.લચ્છા પરોઠાના લુવા પર લસણ અને કોથમીર લગાવી દો. ઉપર થોડું અટામણ લગાવીને હળવા હાથે પરોઠું વણી લો. આને ઘણું પાતળું ન વણવું.
8. લચ્છા પરોઠાને ગરમ તવા પર ઉમેરીને મધ્યમ તાપે એને ક્રિસ્પી બને ત્યાં સુધી શેકી લેવું. પરોઠાનો સ્વાદ વધારવા માટે તમે એને ઘી કે બટરમાં પણ બનાવી શકો છો. પરોઠું બંને તરફથી ક્રિસ્પી બને ત્યાં સુધી પકાવી લો. આ જ રીતે તમામ પરોઠા (Garlic Lachha Paratha) તૈયાર કરી લો.
તો તૈયાર છે તમારા ગરમાગરમ શિયાળુ રેસિપી (Winter Recipe) લસણના પરોઠા…જેને તમે અથાણા સાથે, ચા સાથે અને કોઈ શાક કે દાળ સાથે પણ ખાઈ શકો છો.
આ પણ વાંચો: લીલા અને લાલ પરોઠા બનાવવાની સરળ રેસિપી….રંગ જોઈને બાળકો ડાઇનિંગ ટેબલ સુધી દોડી આવશે..!
આ પણ વાંચો: હવે ઘરે જ બનાવો ઢાબા સ્ટાઈલ એકદમ કરારા આલુ પરોઠા..! આટલી ટિપ્સ ધ્યાનમાં રાખો..!
આ પણ વાંચો: શિયાળુ સ્પેશ્યલ બથુઆ પરોઠા રેસિપી…કાપીને અથવા ભરીને બંને રીતે બનાવી શકો છો…નોંધી લો રેસિપી…
