Ahmedabad News: વસ્ત્રાલમાં હુમલા (Vastral Attack)ની એક ઘટના સામે આવી છે, જેમાં લગ્નપ્રસંગમાં હાજરી આપવા મુંબઈથી આવેલા પરિવાર પર 4 શખ્સોએ હુમલો કર્યો. 20 નવેમ્બરની રાત્રે હોર્ન મારવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સોએ લોખંડની પાઈપ અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ અંગે વસ્ત્રાલ પોલીસે ગુનો નોંધ્યો છે.
Vastral Attack : લગ્નપ્રસંગ માટે મુંબઈથી આવ્યો હતો પરિવાર
મૂળ મુંબઈના અને ટેક્સ એન્ડ લીગલ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા રત્નેશ્વર શુક્લા 18 નવેમ્બરે સંબંધીના દીકરાના લગ્નમાં હાજરી આપવા પરિવાર સાથે વસ્ત્રાલ આવ્યા હતા. 20 નવેમ્બરની રાત્રે અમિત મોપેડ લઈને બહેનના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે બાઈક પર આવેલા અજાણ્યા શખ્સો પાછળથી વારંવાર હોર્ન મારી અપશબ્દો બોલતા હતા. અમિતે મોપેડ ઊભું રાખી અપશબ્દો બોલવાની ના પાડતાં શખ્સો ઉશ્કેરાઈ ગયા અને ઝપાઝપી કરવા લાગ્યા. લોકો ભેગા થતાં ત્રણ શખ્સો ભાગી ગયા, જ્યારે એક ત્યાં જ ઊભો રહ્યો.
પાઈપ અને ચપ્પુ સાથે પરત ફર્યા શખ્સો
અમિતનો ફોન આવતાં રત્નેશ્વર, તેમના સંબંધીનો દીકરો અને નાનાભાઈ સોસાયટીના પાછળના ગેટ પાસે રોડ પર પહોંચ્યા. એ જ સમયે ભાગી ગયેલા 3 શખ્સો હાથમાં લોખંડની પાઈપ અને ચપ્પુ સાથે બાઈક પર પરત આવ્યા. અમિત સમજાવવા ગયો ત્યારે એક શખ્સે પાઈપ વડે હુમલો કરતાં તે નીચે પડી ગયા. વચ્ચે છોડાવવા પડેલા રત્નેશ્વર, જત્નેશ્વર અને પ્યારેલાલ પર પણ પાઈપ અને ચપ્પુથી હુમલો કરાયો.
હત્યાના પ્રયાસ અને ધમકીનો આરોપ
ફરિયાદ મુજબ હુમલાખોરો(Attackers)એ “આ લોકોને પતાવી દેવાના છે” કહીને રત્નેશ્વરભાઈ પર ચપ્પુ વડે ઘા કર્યો હતો. બૂમાબૂમ થતાં લોકો ફરી એકઠા થયા, એટલે આરોપીઓ “પોલીસ (Police)ફરિયાદ કરશો તો જીવતા નહીં મૂકીએ” તેવી ધમકી આપી બાઈક પર ફરાર થઈ ગયા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.
વસ્ત્રાલ પોલીસે નોંધ્યો ગુનો
ભોગ બનનાર યુવકની ફરિયાદ આધારે વસ્ત્રાલ પોલીસ સ્ટેશન (Vastral Police Station)માં સૌરભ, રાજુ અને અન્ય બે અજાણ્યા શખસો સામે ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા કવાયત તેજ કરી છે.
આ પણ વાંચો: ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પર સિંહણનો હુમલો: જૂનાગઢના રબારીકામાં 55 વર્ષીય ખેડૂતનું મોત
આ પણ વાંચો: વાપી ખંડણી કેસમાં મોટો વળાંક: આરોપીએ પોલીસ પર કર્યો હુમલો, SOG PIએ પગમાં મારી ગોળી
આ પણ વાંચો: સુરતમાં વકીલની ઓફિસમાં ઘૂસી હુમલો, CCTVમાં કેદ થઈ ચપ્પુથી વાર કરવાની ઘટના
