Ahmedabad News/ અમદાવાદમાં સરકારી આવાસના નામે રૂ. 50 લાખની ઠગાઈ,બે શખસો સામે ફરિયાદ

અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના સરકારી આવાસ (Government Housing) અપાવવાના નામે 23 લોકો પાસેથી રૂ. 50.04 લાખ પડાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે

Gujarat Ahmedabad
અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના સરકારી આવાસ (Government Housing) અપાવવાના નામે 23 લોકો પાસેથી રૂ. 50.04 લાખ પડાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે

Ahmedabad News : અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના સરકારી આવાસ (Government Housing) અપાવવાના નામે 23 લોકો પાસેથી રૂ. 50.04 લાખ પડાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે. મકાન અપાવવાની લાલચ આપી એડવાન્સ અને દસ્તાવેજોના નામે નાણાં ઉઘરાવ્યા બાદ મકાન ન આપતાં આખરે બે શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાડોશી બની વિશ્વાસ કેળવ્યો

અમદાવાદના મેમનગર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ભાડે રહેતા નરેશ પ્રજાપતિએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2024માં તેમના પાડોશમાં રહેતા ધનરાજ યાદવ સાથે ઘર જેવા સંબંધો હતા. એપ્રિલ 2024માં ધનરાજ નરેશના ઘરે આવ્યા હતા અને ગુજરાત હાઉસિંગ બોર્ડના (Housing Board)સરકારી આવાસ (Government Housing)અપાવી શકતા હોવાની વાત કરી હતી. સાથે જ મકાન માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ કરાવતા હોવાનું જણાવ્યું હતું.

1 BHK મકાન બતાવી એડવાન્સ લીધો

ધનરાજની વાતમાં વિશ્વાસ રાખીને નરેશ અને તેમની પત્ની વંદે માતરમ રોડ પર આવાસના મકાન જોવા ગયા હતા. ત્યાં તેમને 1 BHK મકાન પસંદ પડ્યું હતું. ધનરાજે મકાનની કિંમત અંદાજે રૂ. 8 લાખ હોવાનું જણાવ્યું હતું. નરેશે વિચાર કરીને જવાબ આપવાનું કહ્યું, ત્યારે ધનરાજે પૈસાની જવાબદારી પોતાની રહેશે અને મકાન નહીં મળે તો એડવાન્સ પરત આપવાની ખાતરી આપી હતી.

ત્યારબાદ ધનરાજે પોતાના મિત્ર નિકુંજ ભરવાડ સાથે મુલાકાત કરાવી હતી. નિકુંજ મકાન અપાવવાનું કામ કરતો હોવાનું જણાવી તમામ નાણાકીય વ્યવહાર ધનરાજ સાથે જ કરવા કહ્યું હતું.

એડવાન્સ અને દસ્તાવેજના નામે લાખો પડાવ્યા

ધનરાજ પર વિશ્વાસ રાખીને નરેશે એપ્રિલ 2024માં રૂ. 1,16,000 રોકડા આપ્યા હતા. ત્યારબાદ 15 દિવસમાં મકાન લાગી ગયું હોવાનું જણાવી બ્લોક નંબર 13માં મકાન ફાળવાયું હોવાની વાત કરી હતી. દસ્તાવેજ કરાવવાના નામે વધુ રૂ. 73,500 પણ પડાવી લીધા હતા. આમ, ફરિયાદ મુજબ નરેશ પાસેથી મકાનના એડવાન્સ અને દસ્તાવેજના નામે કુલ રૂ. 2,33,500 લેવામાં આવ્યા હતા.

મામલતદાર કચેરીએ બોલાવી બહાનું કાઢ્યું

23 સપ્ટેમ્બર 2024ના રોજ ધનરાજે નરેશને મકાનના દસ્તાવેજ કરાવવા ગોતા મામલતદાર કચેરી ખાતે બોલાવ્યો હતો. જોકે, સાંજ સુધી કોઈ કામગીરી થઈ ન હતી. દસ્તાવેજ કરનાર અધિકારીનાં માતાનું અવસાન થયું હોવાનું બહાનું આપીને બીજી તારીખ આપવાની વાત કરી હતી.

ત્યારબાદ લાંબા સમય સુધી મકાનના દસ્તાવેજ અંગે કોઈ જવાબ મળ્યો ન હતો. નરેશે ધનરાજનો સંપર્ક કરતાં તે આગળથી માહિતી આપવાની અને રૂપિયા પરત કરવાની વાતો કરીને સમય પસાર કરતો રહ્યો હતો.

23 લોકો પાસેથી રૂ. 50.04 લાખ ઉઘરાવ્યાનો આરોપ

આખરે તપાસ કરતાં નરેશને જાણવા મળ્યું કે ધનરાજ યાદવ અને નિકુંજ ભરવાડે મળીને સરકારી આવાસ અપાવવાના નામે અન્ય લોકો પાસેથી પણ નાણાં લીધાં (Ahmedabad Fraud)હતાં. ફરિયાદ મુજબ, નરેશ પાસેથી રૂ. 2,33,500 અને અન્ય 22 લોકો પાસેથી રૂ. 47,70,500 મળી કુલ રૂ. 50,04,000 (50 Lakh Fraud)ઉઘરાવાયા હતા.

મકાન અપાવવાના નામે નાણાં લીધા છતાં કોઈને આવાસ ન આપતાં નરેશ પ્રજાપતિએ બંને શખસો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો: સુરતમાં બેંક ઓફ બરોડાના મેનેજર સામે ફરિયાદ, લોન સેટલમેન્ટ બાદ પણ ફ્લેટ વેચી છેતરપિંડીનો આક્ષેપ

આ પણ વાંચો: ‘મંજરી’ ફિલ્મના નામે લાખોની છેતરપિંડીનો આક્ષેપ! ભાવનગરના પ્રોડ્યુસર પોલીસ સ્ટેશન પહોંચ્યા

આ પણ વાંચો: અમદાવાદમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી: 3 અલગ કેસમાં લાખોનો સામાન ગાયબ