Gandhinagar News/ ગાંધીનગરમાં ₹8.47 કરોડનું તળાવ એક જ વર્ષમાં બેહાલ! કોલવડાના અમૃત સરોવરમાં લીલના થર, ઓક્સિજન પાર્કનાં વૃક્ષો સુકાયાં

Kolavada Lake: ગાંધીનગરના કોલવડા તળાવને ₹8.47 કરોડના ખર્ચે અમૃત સરોવર અને ઓક્સિજન પાર્ક તરીકે વિકસાવવામાં આવ્યું હતું. જોકે, એક જ વર્ષમાં જાળવણીના અભાવે વૃક્ષો સુકાઈ રહ્યાં છે અને તળાવમાં લીલના થર જામતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

Top Stories Gandhinagar Gujarat
Kolavada Lake: ₹8.47 કરોડના અમૃત સરોવરની એક વર્ષમાં જ દુર્દશા, તંત્રની બેદરકારીનો પર્દાફાશ

Gandhinagar News: ગાંધીનગરમાં જનતાના કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવેલું કોલવડા તળાવ (Kolavada Lake) તંત્રની બેદરકારીને કારણે એક જ વર્ષમાં બિસ્માર હાલતમાં પહોંચી ગયું છે. અંદાજે ₹8.47 કરોડના ખર્ચે તૈયાર કરાયેલું ‘અમૃત સરોવર’ અને ‘ઓક્સિજન પાર્ક’ (Oxygen Park) હવે યોગ્ય જાળવણીના અભાવે પોતાની સુંદરતા ગુમાવી રહ્યાં છે. વર્ષ 2025માં તૈયાર થયેલા આ પ્રોજેક્ટમાં વૃક્ષો સુકાઈ રહ્યાં છે, જ્યારે તળાવમાં લીલના થર અને કિનારે જંગલી ઘાસ ઊગી નીકળ્યાં છે.

Kolavada Lake: મિયાંવાંકી પદ્ધતિથી વાવેલાં વૃક્ષો સુકાવા લાગ્યાં

1.10 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં 41,301 ચોરસ મીટર વિસ્તારમાં મિયાંવાંકી પદ્ધતિથી આશરે 30 હજાર દેશી વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં. તેમાં બદામ, વડ, પીપળો, આંબો, આમળાં, જાંબુ અને જામફળ સહિતની વિવિધ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. જોકે, નિયમિત પાણી અને માવજતના અભાવે અનેક વૃક્ષો સુકાવા લાગ્યાં છે. પરિણામે હરિયાળી વિકસાવવાનો હેતુ જ નિષ્ફળ જતો જોવા મળી રહ્યો (Gujarat News) છે.

તળાવમાં લીલના થર, કિનારે જંગલી ઘાસનું સામ્રાજ્ય

182.5 મિલિયન લિટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતા આ તળાવની હાલત પણ કથળી છે. સફાઈના અભાવે પાણીમાં ઠેર-ઠેર લીલના જાડા થર જામ્યા છે. જ્યારે કિનારે જંગલી ઘાસ અને ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યાં છે. પાણીની ગુણવત્તા સુધારવા માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને જળચર છોડ વાવવાની યોજનાઓ પણ અધૂરી રહી હોવાની સ્થિતિ છે. આના કારણે અહીં આવતા સહેલાણીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પક્ષીઓના કલરવની જગ્યાએ ગંદકી અને જીવજંતુઓનો ઉપદ્રવ

એક સમયે મોર, પોપટ, કોયલ, ટીટોડી, બતક અને ઘર ચકલીઓના કલરવથી ગુંજતું આ સ્થળ હવે ગંદકી અને જંગલી વનસ્પતિથી ઘેરાઈ રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ પરિસરમાં જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે.

કોલવડા, રાંધેજા અને ગાંધીનગરના 10 હજારથી વધુ લોકો માટે આ સ્થળ પિકનિક સ્પોટ તરીકે વિકસાવવામાં આવ્યું હતું. જોકે, હાલની સ્થિતિને કારણે પ્રકૃતિપ્રેમીઓ અને સ્થાનિકોમાં ભારે નારાજગી છે. તળાવની તાત્કાલિક સફાઈ, વૃક્ષોની માવજત અને નિયમિત જાળવણી શરૂ કરવામાં નહીં આવે તો કરોડોના ખર્ચે તૈયાર થયેલો આ પ્રોજેક્ટ વધુ બિસ્માર બની શકે (Gandhinagar Municipal Corporation) છે.


આ પણ વાંચો: જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર પાછળના વિશાળ મેદાનમાં ઓક્સિજન પાર્કના નિર્માણનું આયોજન

આ પણ વાંચો: ‘કરદાતાના કરોડોનું પાણી, એએમસીના ઓક્સિજન પાર્ક ડમ્પિંગ સાઇટ બન્યા’

આ પણ વાંચો: ગ્વાલિયરમાં ઓક્સિજન ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટનો CCTV વીડિયો, આગનો વિશાળ ગોળો ઊઠ્યો; વૃક્ષો મૂળમાંથી ઉખડી ગયાં