Gujarat Weather update: ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યના 6 જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી તેમજ ભાવનગર જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં જળસ્તર વધવા અને વાહનવ્યવહાર પર અસર થવાની શક્યતા છે.
પ્રશાસને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા તેમજ હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓ પર સતત નજર રાખવાની અપીલ કરી છે.
