Ahmedabad : સળિયા અને છત પરથી પડતા પોપડા!
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘સરદાર હેલ્થ ક્વાર્ટર’ ની સ્થિતિ સૌથી વધુ દયનીય છે. અડધી સદી કરતાં પણ વધુ જૂના થઈ ગયેલા આ આવાસોની દીવાલો અને પિલરમાંથી લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે અને છતના પોપડા સતત ખરી રહ્યા છે. સ્થાનિક રહીશો અને સ્ટાફની ફરિયાદ છે કે દર વખતે ચોમાસું આવે એટલે ઘરની અંદર જ વરસાદી પાણી વરસવા લાગે છે. વર્ષ 2016 થી આ ક્વાર્ટરોના રિડેવલપમેન્ટને લઈને કોર્પોરેશનમાં માત્ર ચર્ચાઓ અને કાગળ પર યોજનાઓ ઘડાઈ રહી છે. અનેક વખત મોટી-મોટી જાહેરાતો થઈ પરંતુ જમીન પર પરિણામ હજુ પણ શૂન્ય છે. તંત્રના વાયદાઓની સ્થિતિ એવી થઈ ગઈ છે કે કોર્ટની જેમ અહીં પણ માત્ર ‘તારીખ પર તારીખ’ મળે છે પરંતુ રહેવા માટે સુરક્ષિત મકાન નથી મળતું.
માત્ર ઘરનો પ્રશ્ન નથી, કિંમતી જીવ પણ જોખમમાં!
અહીં વસવાટ કરતા સ્થાનિક પરિવારોનું કહેવું છે કે આ માત્ર મકાન જૂનું હોવાનો પ્રશ્ન નથી, પણ પરિવારની સલામતી સદંતર જોખમમાં મુકાઈ ગઈ છે. દર વર્ષે ચોમાસાની ઋતુમાં પરિવારના સભ્યો રાત-દિવસ ફફડાટમાં જીવે છે કે ક્યાંક ઉપરથી છતનો મોટો ભાગ તૂટી ન પડે કે દીવાલ ધસી ન પડે. સ્માર્ટ સિટીના ચમકતા પોસ્ટરો વચ્ચે ઊભેલા આ જર્જરિત ક્વાર્ટરો તંત્ર સામે એક મોટો સવાલ ઊભો કરે છે કે, વિકાસના બોર્ડ પર દેખાતું ડિજિટલ શહેર અને જમીન પરનું અસલી શહેર શું અલગ-અલગ છે? આખરે આ હેલ્થ સ્ટાફ ક્વાર્ટર છે, પણ અત્યારે આ મકાનોની પોતાની હાલત વેન્ટિલેટર પર રહેલા કોઈ ગંભીર દર્દી જેવી થઈ ગઈ છે.
નવા આવાસોના નિર્માણ માટે આપી દેવાઈ છે સૂચના
આ ગંભીર મામલે એએમસી (AMC) સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે મીડિયા સમક્ષ બચાવ કરતા જણાવ્યું છે કે, “રાજ્ય સરકાર તરફથી આ વિસ્તારોમાં નવા આધુનિક આવાસોના નિર્માણ માટે જરૂરી તમામ વહીવટી સૂચનાઓ આપી દેવામાં આવી છે. આ આયોજન હેઠળ માત્ર હાલના ક્વાર્ટરધારકોને જ નહીં, પરંતુ ક્વાર્ટરના પ્લોટ વિસ્તારની આજુબાજુ વર્ષોથી વસવાટ કરતા ગરીબ ઝૂંપડાધારકોને પણ નવા પાકા મકાનો ફાળવવાનું બહુ મોટું આયોજન તંત્ર દ્વારા વિચારાઈ રહ્યું છે.”
ઉલ્લેખનીય છે કે, એક તરફ અમદાવાદને આધુનિક, મેગા સિટી અને વૈશ્વિક સ્તરનું હબ બનાવવાના મસમોટા દાવાઓ થાય છે, ત્યારે બીજી તરફ શહેરની જનતાની સેવામાં દિન-રાત હાજર રહેતા કર્મચારીઓના સરકારી ક્વાર્ટરો ખંડેરમાં ફેરવાઈ રહ્યા છે. વિકાસની મોટી વાતો ત્યારે જ અર્થપૂર્ણ સાબિત થશે જ્યારે તેને જીવંત રાખતા નાના કર્મચારીઓના માથા પર એક સુરક્ષિત અને પાકી છત હશે.
આ પણ વાંચો: AMC ચેરમેન કમલેશ પટેલની અનોખી પહેલ, ‘બુકે નહીં, બુક લઈને આવો’ અભિયાન શરૂ
આ પણ વાંચો: અમદાવાદ: ઇબોલા વાયરસને લઈને AMC સજજ
આ પણ વાંચો: AMCની સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન કમલેશ પટેલે પોલિટિક્સમાં જમાવી છે કેમેસ્ટ્રી
