Ahmedabad News : અમદાવાદમાં ઇબોલા વાયરસ (Ebola Virus)ને લઈને આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. આફ્રિકાના કોંગો અને યુગાન્ડા જેવા દેશોમાં ઇબોલા વાયરસ (Ebola Virus)ના કેસ સામે આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાવચેતીના ભાગરૂપે ખાસ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે અને સેલ્ફ ડેક્લેરેશન પણ ફરજીયાત કરવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણ દિવસમાં કોંગો અને યુગાન્ડાથી કુલ 11 લોકો અમદાવાદ આવ્યા છે. જેમાં 9 ભારતીય નાગરિકો અને 2 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. તમામ મુસાફરોને હાલ હોમ ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે.

AMC દ્વારા જણાવાયું છે કે ઇબોલા સંક્રમણને રોકવા માટે તમામ મુસાફરો માટે 21 દિવસનું ફરજીયાત ક્વોરન્ટાઈન નિયમ અમલમાં મુકાયો છે. જો કોઈ મુસાફર પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યો હોવાનું સામે આવશે તો તેને સીધા SVP હોસ્પિટલ ખાતે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે.
SVP હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન માટે 60 બેડની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઉપરાંત જો કોઈ મુસાફર ઇબોલા પોઝિટિવ મળે તો તેના સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
AMC અને આરોગ્ય વિભાગ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને એરપોર્ટ પર મેડિકલ ટીમને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. હાલ શહેરમાં કોઈ ઇબોલા પોઝિટિવ કેસ નોંધાયો નથી, પરંતુ સાવચેતીના પગલાં વધુ કડક બનાવવામાં આવ્યા છે.
