Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી ગરમી વચ્ચે હવે રાજ્યની જનતાને રાહત મળવાની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય તેવી આગાહી વ્યક્ત કરી છે. જોકે ત્યારબાદ રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ મે મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી સક્રિય બનશે. 30 મેથી 1 જૂન દરમિયાન અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
30 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. ત્યારબાદ 31 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
1 જૂનના રોજ મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી પણ કરવામાં આવી છે.
બીજી તરફ દક્ષિણ ભારતમાં ચોમાસાની ગતિવિધિ પણ ઝડપ પકડી રહી છે. પરિસ્થિતિ અનુકૂળ રહે તો આગામી એકથી બે દિવસમાં કેરળમાં ચોમાસું પ્રવેશી શકે છે. ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રિ-મોનસૂન વરસાદની શરૂઆત થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: ગુજરાતના ગ્રામ્ય રસ્તાઓની ગુણવત્તા પર સવાલ,કેન્દ્રીય રિપોર્ટમાં PMGSY કામોમાં ખામીઓનો ખુલાસો
આ પણ વાંચો: રાજકોટમાં જમીન મામલે પૌત્રએ દાદાની કરી હત્યા
આ પણ વાંચો: દાહોદના ઘુમણી ગામમાં સરપંચ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ
