Dahod News : દાહોદ જિલ્લાના ઘુમણી ગામમાં ગ્રામ પંચાયતના વિકાસ કાર્યોને લઈને વિવાદ ઉભો થયો છે. ગામના કેટલાક નાગરિકોએ સરપંચ (Sarpanch) સામે વિકાસ કાર્યોમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર (Corruption)ના આક્ષેપો કર્યા છે. આ મામલે રજૂઆત કરવા ગયેલા એક નાગરિક પર હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપોથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, ગામમાં કરવામાં આવેલા વિકાસ કાર્યોમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ સાથે કેટલાક લોકો સરપંચ (Sarpanch)સમક્ષ રજૂઆત કરવા ગયા હતા. આ દરમિયાન બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો અને મારપીટ થયાનો આરોપ સામે આવ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે ચર્ચા જાગી છે.

હુમલાનો ભોગ બનનાર નાગરિકે સમગ્ર મામલે પોલીસ મથકે અરજી આપી છે અને પોતાને ન્યાય મળે તેવી માંગ કરી છે. સાથે જ ગામમાં થયેલા વિકાસ કાર્યોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે.
ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે જો વિકાસ કાર્યોમાં ગેરરીતિ થઈ હોય તો તેની પારદર્શક તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

પોલીસ દ્વારા અરજીના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વીડિયો વાયરલ થયા બાદ ઘટનાએ રાજકીય રંગ પણ ધારણ કર્યો છે અને હવે લોકો તપાસના પરિણામ પર નજર રાખી રહ્યા છે.
