Gujarat News: ગુજરાતમાં આગામી ત્રણ મહિનામાં ચિત્તા (Gujarat Cheetah) અને વાઘણનું આગમન થવાનું છે. રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયાના જણાવ્યા મુજબ, કેન્યાથી એક નર ચિત્તો, એક માદા ચિત્તા અને બે બચ્ચાંને કચ્છના બન્ની (Cheetahs in Banni) વિસ્તારમાં લાવવામાં આવશે. જ્યારે મધ્યપ્રદેશમાંથી પંચમહાલના રતનમહાલમાં રહેતા નર વાઘ માટે એક વાઘણ લાવવાની (Ratanmahal Tiger) પણ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે ગુજરાતમાં સિંહ, દીપડા, વાઘ અને ચિત્તા એમ બિલાડી કુળનાં ચાર પ્રકારનાં પ્રાણીઓ જોવા મળશે.
Gujarat Cheetah: પંચમહાલના વાઘ માટે મધ્યપ્રદેશથી આવશે વાઘણ
પંચમહાલ જિલ્લાના રતનમહાલના જંગલોમાં રહેતા નર વાઘ માટે મધ્યપ્રદેશમાંથી વાઘણ લાવવામાં આવશે. રાજ્ય સરકારે આ અંગે માગણી કરી હતી. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ની ટીમે રતનમહાલના જંગલની મુલાકાત અને જરૂરી મૂલ્યાંકન કર્યા બાદ વાઘણના સ્થળાંતરને મંજૂરી આપી છે.
વાઘણ લાવતાં પહેલાં માનવ-વાઘ સંઘર્ષની શક્યતા, જંગલનું વાતાવરણ, સુરક્ષા વ્યવસ્થા અને બંને વાઘનું જિનેટિક મેચિંગ સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી છે. ભાવિ બચ્ચાં માટેની સુરક્ષા, ખોરાકની ઉપલબ્ધતા અને કાયમી વસવાટની યોગ્યતાનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
કચ્છમાં 154 વર્ષ બાદ ચિત્તાની ઘરવાપસી
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા લાવવાની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે. આ માટે કેન્યાના સવાના જેવા ખુલ્લા મેદાનને ધ્યાનમાં રાખીને આશરે 500 હેક્ટરનું સુરક્ષિત એન્ક્લોઝર તૈયાર કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં ચિત્તાઓને નવા વાતાવરણમાં અનુકૂળ થવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
ભારતમાં 1952માં ચિત્તા લુપ્ત જાહેર થયા બાદ મધ્યપ્રદેશના કુનોમાં નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લાવવામાં આવ્યા હતા. હવે કેન્યાથી ચિત્તા લાવીને ગુજરાતમાં પણ તેમના પુનર્વસનનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. આ રીતે ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે જ્યાં ચિત્તાનું પુનર્વસન (Gujarat Wildlife) કરવામાં આવશે.
કાર્ગો પ્લેનથી ભુજ, ત્યાંથી બન્ની લઈ જવાશે
કેન્યાથી આવનારા ચારેય ચિત્તાઓને (Kenya Cheetahs) ખાસ કાર્ગો વિમાન દ્વારા પહેલાં ભુજ લાવવામાં આવશે. ત્યારબાદ તેમને રોડ માર્ગે બન્ની વિસ્તારમાં લઈ જવામાં આવશે. કચ્છનો બન્ની વિસ્તાર વિશાળ ઘાસિયાં મેદાનો માટે જાણીતો છે. તેની ભૌગોલિક રચના કેન્યાના સવાના વિસ્તાર સાથે મળતી આવતી હોવાથી આ સ્થળને ચિત્તાના પુનર્વસન માટે પસંદ કરવામાં આવ્યું છે.
500 હેક્ટરનું એન્ક્લોઝર, 10 કિમી લાંબી વાડ
બન્ની ગ્રાસલેન્ડ ડિવિઝન દ્વારા આશરે 500 હેક્ટરમાં ખાસ સુરક્ષિત એન્ક્લોઝર તૈયાર કરવામાં આવ્યું છે. તેની ફરતે લગભગ 10 કિલોમીટર લાંબી લોખંડની જાળીવાળી વાડ બનાવવામાં આવી છે. તેનો હેતુ બહારનાં હિંસક પ્રાણીઓને ચિત્તાના વિસ્તારમાં પ્રવેશતા અટકાવવાનો અને ચિત્તાઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે.
બન્નીમાં પહોંચ્યા બાદ શરૂઆતના એક મહિના સુધી ચારેય ચિત્તાઓને ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવશે. આ દરમિયાન નિષ્ણાતોની ટીમ તેમના સ્વાસ્થ્ય અને વર્તન પર 24 કલાક નજર રાખશે.
ચિત્તા પ્રોજેક્ટ માટે રૂ.20 કરોડની ફાળવણી
ચિત્તાઓના પુનર્વસન માટે ચિત્તા સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર પ્રોજેક્ટ હેઠળ રૂ.20 કરોડ ફાળવવામાં આવ્યા છે. ભગાડિયા વિસ્તારમાં ચિત્તા બ્રીડિંગ સેન્ટર પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અહીં પાણીના પોઇન્ટ, વનતળાવ, કૃત્રિમ છાંયડા અને ચિત્તાઓને બેસીને આસપાસનું નિરીક્ષણ કરવા માટે ટેકરા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
પ્રોજેક્ટના બીજા તબક્કામાં એક વર્ષની અંદર વધુ ચિત્તા લાવવાનું આયોજન છે. આ યોજના સફળ થાય તો બન્નીમાં ચિત્તાઓની કુલ સંખ્યા 12 સુધી પહોંચી શકે છે.
આમ, આગામી ત્રણ મહિનામાં બન્નીમાં ચિત્તા અને પંચમહાલના રતનમહાલમાં વાઘણનું આગમન થવાની તૈયારી છે. આ બંને પ્રોજેક્ટથી ગુજરાતમાં વન્યજીવ સંરક્ષણની દિશામાં નવી શરૂઆત થશે.
આ પણ વાંચો: NTCAએ ગુજરાતને જાહેર કર્યું ટાઈગર સ્ટેટ, રતનમાલમાં વાઘની 10 મહિના સ્થાયી હાજરી
આ પણ વાંચો: રાજ્યમાં 2001માં 327ની સામે વર્ષ-2025માં સિંહની સંખ્યા વધીને 891 નોંધાઇ
આ પણ વાંચો: 9 મહાનગરપાલિકાઓને સરકારની ભેટ! વિકાસકાર્યો માટે ફ્રીમાં જમીન મળશે
