Gujarat News:ગુજરાત, જે વિશ્વમાં એશિયાટિક સિંહના છેલ્લા નિવાસસ્થાન તરીકે જાણીતું છે, ત્યાં હવે ફરી એક વાર વાઘની હાજરીએ વન્યજીવ પ્રેમીઓ અને સંરક્ષણકર્તાઓમાં ઉત્સાહ જગાવ્યો છે.NTCAએ ગુજરાતને ફરી ટાઈગર સ્ટેટ જાહેર કર્યું છે. નવ મહિનાથી વાઘની હાજરી બાદ રાજ્ય સરકારે વાઘણ માટે NTCAને પત્ર લખ્યો છે. દાહોદ જિલ્લાના રતનમાલ વાઇલ્ડલાઇફ સેન્ક્ચ્યુરીમાં એક નર વાઘ છેલ્લા 10 મહિનાથી સ્થાયી રૂપે વસવાટ કરી રહ્યો છે.
આ વાઘની હાજરીએ ગુજરાતને ફરી એક વાર સિંહ, દીપડો અને વાઘ ત્રણેય મોટા બિલાડી પ્રજાતિઓ ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય બનાવ્યું છે.ગુજરાતમાં વાઘની વસ્તી 180ના દાયકામાં લુપ્ત થઈ ગઈ હતી. 1983માં ડાંગ વિસ્તારમાં છેલ્લો વાઘ મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાજ્યમાં વાઘની હાજરી નોંધાઈ નહોતી. પરંતુ 2025ના ફેબ્રુઆરીમાં મધ્યપ્રદેશની સરહદે આવેલા રતનમાલ અભયારણ્યમાં એક યુવાન નર વાઘની હાજરી કેમેરા ટ્રેપમાં કેદ થઈ. ત્યારથી આ વાઘે અહીં જ રહેવાનું પસંદ કર્યું છે.
NTCAએ ફરી આપ્યો ટાઈગર સ્ટેટનો દરજ્જો

રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ (NTCA)ની ટીમે રતનમાલની મુલાકાત લઈને વિસ્તારનું મૂલ્યાંકન કર્યું છે. NTCAએ આ વિસ્તારને વાઘ સંરક્ષણ માટે યોગ્ય ગણાવ્યો છે અને પ્રેય બેઝ વધારવા તેમજ માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે સૂચનો આપ્યા છે. ગુજરાત વન વિભાગે NTCAને આ વાઘની 9-10 મહિનાની સ્થાયી હાજરીની જાણ કરી છે.રાજ્ય સરકારે વાઘની વસ્તી વધારવા માટે NTCAને પત્ર લખીને એક વાઘણ (માદા વાઘ)ની માંગ કરી છે. સરકારનું કહેવું છે કે આ વિસ્તાર વાઘ માટે અનુકૂળ છે અને વાઘણના આગમનથી અહીં વાઘની વસ્તી સ્થાપિત થઈ શકે છે. વન વિભાગે રતનમાલમાં ચિત્તલ અને સાંબર જેવા શિકાર પ્રાણીઓનું સ્થળાંતર કરીને પ્રેય બેઝ મજબૂત કર્યો છે.

આ વિકાસથી ગુજરાત વિશ્વમાં એકમાત્ર એવું રાજ્ય બની ગયું છે જ્યાં સિંહ, દીપડો અને વાઘ ત્રણેય મોટી બિલાડી પ્રજાતિઓ એકસાથે વસે છે. ગિરના જંગલોમાં એશિયાટિક સિંહની વસ્તી વિશ્વમાં અહીં જ છે, અને હવે રતનમાલમાં વાઘની વાપસીએ રાજ્યની જૈવવિવિધતાને વધુ સમૃદ્ધ બનાવી છે.વન્યજીવ નિષ્ણાતોના મતે, આ વાઘ મધ્યપ્રદેશના રતાપાની અથવા અન્ય વિસ્તારમાંથી આવ્યો હોઈ શકે છે. વાઘોની વધતી વસ્તી અને કોરિડોર્સના કારણે તેઓ નવા વિસ્તારોમાં વિસ્થાપન કરી રહ્યા છે.
અર્જુન મોઢવાડિયાએ આપી પ્રતિક્રિયા
આ અંગે પ્રતિક્રિયા આપતા માનનીય ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ અંગે હજી સુધી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) તરફથી ગુજરાત સરકારના વન વિભાગને કોઈ સત્તાવાર પત્ર મળ્યો નથી, પરંતુ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) એ ગુજરાતમાં અભ્યાસ બાદ તૈયાર કરવામાં આવેલ પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં રતનમહાલ વન્યજીવ અભ્યારણમાં વાઘની હાજરીની પુષ્ટિ કરી છે અને દેશમાં વાઘની વસ્તી ગણતરીમાં ગુજરાતનો સમાવેશ કર્યો છે, જે પ્રત્યેક ગુજરાતી માટે ગર્વની વાત છે.
માનનીય વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે ગુજરાતમાં એક સમયે વાઘની મોટી સંખ્યામાં વાઘની હાજરી હતી, પરંતુ કાળક્રમે ગુજરાતમાંથી વાઘની પ્રજાતી લૂપ્ત થઈ ગઈ. રાજ્યમાં છેલ્લે વર્ષ 1989 માં વાઘની વસ્તી ગણતરી થઈ હતી, ત્યારે અધિકારીઓને વાઘના પંજાના નિશાન તો મળ્યા હતા, પરંતુ વાઘ ક્યાંય જુવા મળ્યો ન હતો. જે બાદ વર્ષ 1992 માં વાઘની વસ્તી ગણતરીમાંથી ગુજરાતની બાદબાકી કરવામાં આવી હતી અને રાજ્યએ “ટાઈગર સ્ટેટ” નો દરજ્જો ગુમાવ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2019 વાઘ જુવા મળતા આશાની કિરણ જાગી હતી, પરંતુ તે દુર્ભાગ્યથી તે વાગ માત્ર 15 દિવસ સુધી જ જીવીત રહી શક્યો હતો. પરંતુ આપણા માટે એ આનંદની વાત છે કે ફરી એકવાર ગુજરાતને વાઘે પોતાનું નવુ ઘર બનાવ્યુ છે. અત્યારે જે વાઘ ગુજરાતમાં વસવાટ કરી રહ્યો છે તે, સૌ પ્રથમ તા. 22/02/2025 ના રોજ વન વિભાગના કેમેરા ટ્રેપમાં કેદ થયો હતો. તા.23/02/2025 ની સવારે પીપલગોટા રાઉન્ડ, કંજેટા રેન્જના સ્ટાફ દ્વારા વન્યજીવોની હિલચાલના નિયમિત પેટ્રોલિંગ દરમિયાન મોટા કદના પગના નિશાન (પગ માર્ક્સ) જોવા મળ્યા હતા. આ પગના નિશાન સામાન્ય દીપડા કરતાં મોટા હોવાથી, આ વિસ્તારમાં લગાવેલા કેમેરા ટ્રેપના ચિત્રોનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને તા. 22/02/2025 ના રોજ રાત્રિના આશરે 2:40 વાગ્યે વાઘની તસવીર કેદ થયેલી જોવા મળેલ હતી.

માનનીય વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે ગુજરાતમાં વાઘની હાજરી અંગે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) ને જાણ કરાઈ હતી. જેના આધારે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) ની ટીમે ગુજરાતમાં અભ્યાસ કરીને પોતાના પ્રારંભીક રીપોર્ટમાં રતનમહાલ વન્યજીવ અભ્યારણમાં વાઘની હાજરીની પુષ્ટિ કરી છે અને દેશમાં વાઘની વસ્તી ગણતરીમાં ગુજરાતનો સમાવેશ કર્યો છે, સાથે જ ગુજરાતમાં વાઘના વસવાટ કરવા ઈકો સિસ્ટમ હોવાની પણ પુષ્ટિ કરી છે અને આ ઈકો સિસ્ટમને મજબુત કરવા માટેના પગલા પણ સુચવ્યા છે. જો કે હજી સુધી આ અંગે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) તરફથી ગુજરાત સરકારના વન વિભાગને કોઈ સત્તાવાર પત્ર મળેલ નથી.
માનનીય વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે જણાવ્યું હતું કે ગુજરાત સરકારનો વન વિભાગ પહેલેથી રાજ્યમાં વાઘના વસવાટ માટેની ઈકો સિસ્ટમ મજબુત બને તે માટેના પ્રયત્ન કરી રહ્યો છે. રાજ્યમાં વાઘની હાજરીની પુષ્ટિ થઈ, ત્યારથી આ વિસ્તારનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તેમજ પાણીની ઉપલબ્ધતા, સુરક્ષા, આગ નિવારણ અને શિકાર પ્રાણીઓની ઉપલબ્ધતા જેવા જરૂરી પગલાં લેવામાં આવેલ છે. વિસ્તારમાં કેમેરા ટ્રેપની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં જંગલી ડુક્કર, નીલગાય અને વાનરોની હાજરી છે અને જરૂર પડ્યે શિકારી પ્રાણીઓની સંખ્યામાં વધારો કરવામાં આવેલ છે. તે ઉપરાંત ચોમાસા દરમ્યાન સાબર અને ચિતલ પણ આ વિસ્તારમાં મુક્ત કરવામાં આવેલ છે. સાથે જ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને વાઘના સંરક્ષણ અને સંવર્ધન માટે તાલિમ આપવામાં આવશે. તેમજ વાઘની વસ્તીમાં વધારો થાય તે માટે માદા વાઘને લાવવા માટે પણ પ્રયત્નો કરાઈ રહ્યા છે. ઉપરાંત ભવિષ્યમાં રતનમહાલ અભ્યારણ ‘ટાઇગર રિઝર્વ’ જાહેર થાય તે માટે પ્રયત્ન તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
માનનીય વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત માટે આ એક ગૌરવશાળી ક્ષણ છે, હવે ગુજરાત ભારતનું એકમાત્ર એવુ રાજ્ય બન્યુ છે, જ્યાં મોટી બિલાડીની ત્રણ પ્રમુખ પ્રજાતિઓ સિંહ, વાઘ અને દિપડાની એક સાથે હાજરી જુવા મળે છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી ના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કરવામાં હાથધરવામાં આવેલ વન સંરક્ષણના કાર્યક્રમોનું આ સુખદ પરિણામ છે. રાજ્ય સરકાર વન સંપદા અને વન્ય જીવનના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે સત્તત કામ કરી રહી છે.
આ પણ વાંચો:ચિત્તાની સંખ્યા વધારવામાં ‘વાઘ’ની સંખ્યા ઘટી!!
આ પણ વાંચો:વાઘની ગર્જના… 50 વર્ષમાં વાઘની સંખ્યા 268 થી વધીને 3,167 થઈ, મધ્યપ્રદેશ ટોચ પર
આ પણ વાંચો:ચિત્તાઓને મળશે નવું ઘર, આ સેન્ચ્યુરીમાં થઈ શકે છે શિફ્ટ
