International News: અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ (US First President)જ્યોર્જ વોશિંગ્ટનના વાળનો (George Washington Hair) એક ગુચ્છો હરાજીમાં આશરે રૂ.3.71 લાખમાં વેચાયો છે. શનિવારે રિચમંડ ઓક્શન્સ (Richmond Auctions) દ્વારા યોજાયેલી હરાજીમાં વાળના આ ઐતિહાસિક અવશેષ માટે $4,000 (આશરે રૂ.3.71 લાખ)ની બોલી લાગી હતી. જોકે, આ વસ્તુ ખરીદનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. આ વાળનો ગુચ્છો વર્ષ 1799નો હોવાનું માનવામાં આવે છે, જે વોશિંગ્ટનના અવસાનના વર્ષ સાથે જોડાયેલો છે.
George Washington Hair: વોશિંગ્ટનના મિત્રના પરિવાર પાસે હતો વાળનો ગુચ્છો
આ ઐતિહાસિક અવશેષ વર્જિનિયાના એલેક્ઝાન્ડ્રિયામાં રહેતા જોન ગેડ્સબી સાથે જોડાયેલો છે. ગેડ્સબીએ જ્યોર્જ વોશિંગ્ટન માટે રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત 1798 અને 1799માં તેમના જન્મદિવસની ઉજવણીનું પણ આયોજન કર્યું હતું. બાદમાં કલેક્ટર જોન કે. લેટીમરે ગેડ્સબીના પરિવારના એક સભ્ય પાસેથી ફ્રેમમાં સાચવેલો આ વાળનો ગુચ્છો ખરીદ્યો હતો.
1928ના નિવેદનથી સામે આવ્યો વાળનો ઇતિહાસ
આ વાળનો જ્યોર્જ વોશિંગ્ટન સાથેનો સંબંધ ગેડ્સબીની પૌત્રી જુલિયા ટેન આઈક મેકબ્લેરના 1928ના લેખિત નિવેદનથી સામે આવ્યો હતો. મેકબ્લેરે (Historical Memorabilia) જણાવ્યું હતું કે વોશિંગ્ટન સાથેની મિત્રતા અને નિકટતાને કારણે તેમના દાદાને આ વાળ મળ્યા હતા. તેમણે તેને ફ્રેમ કરાવીને ઘરમાં વોશિંગ્ટનના ચિત્રની નીચે લટકાવ્યો હતો. મેકબ્લેરે લખ્યું હતું કે તેમણે બાળપણથી આ વાળને ત્યાં જોયો હતો.
19મી સદીમાં ખાસ કરીને શ્રીમંત પરિવારોમાં મિત્રો અને પરિવારજનોના વાળને ફ્રેમ અથવા લોકેટમાં સ્મૃતિચિહ્ન તરીકે સાચવવાની પરંપરા હતી. આ કારણે તે સમયના વાળના આવા અવશેષોને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી વસ્તુઓ તરીકે જોવામાં આવે છે.
2021માં પણ વોશિંગ્ટનના વાળની હરાજી થઈ હતી
જ્યોર્જ વોશિંગ્ટનના વાળની હરાજી થવાનો આ પહેલો કિસ્સો નથી. વર્ષ 2021માં તેમના વાળના ત્રણ ગુચ્છા આશરે $40,000માં વેચાયા હતા. આ વાળ તેમના અવસાન સમયે અથવા ત્યારબાદ લોકેટમાં સાચવવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.
આજે પણ વોશિંગ્ટનના ભૂતપૂર્વ નિવાસસ્થાન અને સંગ્રહાલય ‘માઉન્ટ વર્નોન’માં તેમના વાળના ઓછામાં ઓછા 50 નમૂના સચવાયેલા છે. આ ઉપરાંત, જુલાઈમાં વોશિંગ્ટને 1776માં બ્રિટિશરો સામે લડવા માટે કોન્ટિનેન્ટલ આર્મીમાં ભરતી અંગે લખેલો એક પત્ર $109,800માં વેચાયો હતો.
1789માં બન્યા હતા અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ
જ્યોર્જ વોશિંગ્ટને અમેરિકાના સ્વતંત્રતા યુદ્ધ દરમિયાન સેનાનું નેતૃત્વ કર્યું હતું અને અમેરિકાના બંધારણના મુસદ્દાની રચનામાં પણ ભૂમિકા ભજવી હતી. તેઓ 1789માં અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા અને બે કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ 1797માં પદ પરથી નિવૃત્ત થયા હતા. તેમનું અવસાન 1799માં થયું હતું.
આ પણ વાંચો: અમેરિકા જતા વિદ્યાર્થીઓ માટે રાહત, ‘ડ્યુરેશન ઓફ સ્ટેટસ’ નિયમ રદ
આ પણ વાંચો: અમેરિકા પાસેથી વધુ અનાજ ખરીદો, ઈરાનને પરમાણુ હથિયાર નહીં બનાવવા દઈએ
આ પણ વાંચો: અમેરિકામાં રાહુલ ગાંધીનો મોટો ખુલાસો! ચૂંટણી બહિષ્કાર નહીં કરવાની જણાવી રણનીતિ
