Ahmedabad News : અમદાવાદના ધોળકા અને બાવળા રેલવે સ્ટેશન વચ્ચે ગત 21 નવેમ્બર 2026ના રોજ વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat) પર થયેલા પથ્થરમારાની ઘટનાનો ભેદ રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે RPFએ ઉકેલી નાખ્યો છે. માત્ર મસ્તી-મજાકમાં ચાલુ ટ્રેન પર પથ્થર ફેંકનાર ત્રણ સગીર અને રેલવે ટ્રેક પર અનધિકૃત રીતે પ્રવેશનાર એક યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Vande Bharat : CCTV ફૂટેજ અને બાતમીદારની મદદથી મળી સફળતા
આ ઘટના અંગે બોટાદ RPF (Botad RPF) પોલીસ સ્ટેશનમાં રેલવે ઍક્ટની કલમ 153 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ભાવનગર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર (DSC)ના માર્ગદર્શન હેઠળ બોટાદ RPFની ટીમે વંદે ભારત ટ્રેનના કોચ નંબર C/5ના અંદરના CCTV ફૂટેજ તપાસ્યા હતા. ત્યારબાદ બાવળા (Bavla)-ધોળકા (Dholka) વચ્ચે ગરનાળા નં. 62 (KM 46/8-6) પાસે લાગેલા CCTV કેમેરા ચેક કરતાં, રાત્રે 5 જેટલા શખ્સો રેલવે લાઇન પાસેથી પસાર થતાં દેખાયા હતા. અંધારું હોવાથી ચહેરા સ્પષ્ટ નહોતા, પરંતુ ગુપ્ત બાતમીદારને આ ફૂટેજ બતાવતા તેણે એક શખ્સની ઓળખ બાવળાના અજય યાદવ તરીકે કરી હતી.
મસ્તી-મજાકમાં પથ્થરમારો કર્યાની કબૂલાત
રેલવે પ્રોટેક્શન ફોર્સ (Railway Protection Force)ની ટીમે બાવળા સ્ટેશન પરથી અજય તારકેશ્વર યાદવ (ઉં.વ. 20, રહે. નવજીવન બિલ્ડિંગ, બાવળા)ને ઝડપી પાડી પૂછપરછ કરતાં સમગ્ર હકીકત સ્પષ્ટ થઈ હતી. અજયે જણાવ્યું કે, 21 નવેમ્બરની રાત્રે તે અને તેના ત્રણ સગીર મિત્રો ગરનાળા નં. 62 પાસેની પાળી પર બેસીને મસ્તી કરી રહ્યા હતા. તે સમયે વંદે ભારત ટ્રેન પસાર થતાં 15 અને 16 વર્ષની વયના ત્રણેય સગીર મિત્રોએ વારાફરતી ટ્રેન પર પથ્થર ફેંક્યા હતા, જેના કારણે અજયે તેમને ઠપકો આપ્યો હતો અને ત્યારબાદ ચારેય ત્યાંથી જતા રહ્યા હતા.
સેન્ટ્રલ IB અને RPFની સંયુક્ત પૂછપરછ
પોલીસે ત્રણેય સગીરોના વાલીઓને બોલાવી પંચનામું અને નિવેદન નોંધવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ IBના ઇન્ટેલિજન્સ ઑફિસર (IO) અને બોટાદ RPF નિરીક્ષક દ્વારા ત્રણેય સગીરોની સંયુક્ત પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સગીરોએ માત્ર મસ્તીમાં પથ્થર માર્યા હોવાની કબૂલાત કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદથી જોધપુર માત્ર 6 કલાકમાં PM મોદી ગુજરાતને બીજી વાર Vande Bharatની ભેટ આપશે, જાણો ભાડું
આ પણ વાંચો: રક્ષાબંધન પર Namo Bharat Train: દર 8 મિનિટે મળશે ટ્રેન, 47 Extra Trips થી મુસાફરોને મોટી રાહત
આ પણ વાંચો: ઉદયપુર-સુરત Vande Bharat 3 ઓક્ટોબરથી નવી ટ્રેન શરૂ!
