Vapi News: વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13નાં કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર કૃષ્ણા ભાનુશાલી (Krishna Bhanushali) નવી થાર ગાડીની ડિલિવરી લેતી વખતે નંબર પ્લેટની જગ્યાએ ‘કોર્પોરેટર’ લખેલી પ્લેટ લગાવી શો-રૂમમાંથી બહાર નીકળતાં વિવાદમાં (Vapi Corporator Thar Controversy) સપડાયાં છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
Vapi Corporator Thar Controversy: નવી થારની ડિલિવરી સાથે જ વિવાદ
પ્રાપ્ત વિગતો અનુસાર, કૃષ્ણા ભાનુશાલીએ નવી થાર ગાડી ખરીદી હતી. ગાડીની ડિલિવરી લેતી વખતે નિયમ મુજબની નંબર પ્લેટને બદલે આગળના ભાગે ‘કોર્પોરેટર’ લખેલી પ્લેટ લગાવવામાં આવી હતી. ત્યારબાદ તેઓ આ પ્લેટ સાથે જ શો-રૂમમાંથી બહાર નીકળ્યાં હતાં.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોએ સવાલો ઉઠાવ્યા છે. શું કાયદો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે અને જનપ્રતિનિધિઓ માટે અલગ નિયમો છે, તેવી ચર્ચા પણ સોશિયલ મીડિયા પર થઈ રહી છે.
કોંગ્રેસ શહેર પ્રમુખે ફટકારી શોકોઝ નોટિસ
વીડિયો વાયરલ થયા બાદ વિવાદને પગલે કોંગ્રેસ શહેર પ્રમુખે મહિલા કોર્પોરેટર કૃષ્ણા ભાનુશાલીને શોકોઝ નોટિસ ફટકારી છે અને તેમની પાસેથી ખુલાસો માગ્યો છે. હવે આ મામલે મહિલા કોર્પોરેટર શું જવાબ આપે છે અને પક્ષ તરફથી આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે, તે જોવાનું રહેશે. સાથે જ આ મામલે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તેના પર પણ સૌની નજર રહેશે.
આ પણ વાંચો: વાપી ખંડણી કેસમાં મોટો વળાંક: આરોપીએ પોલીસ પર કર્યો હુમલો, SOG PIએ પગમાં મારી ગોળી
આ પણ વાંચો: વલસાડના વાપીમાં SOGની કાર્યવાહી, સોપારી ભરેલી 10 ટ્રક ઝડપાઈ, કર્ણાટકથી આવેલા જથ્થાના દસ્તાવેજોની તપાસ શરૂ
આ પણ વાંચો: વાપીમાં અભિષેક જ્વેલર્સના માલિક પર ચાકુથી જીવલેણ હુમલો, ICUમાં સારવાર હેઠળ, પોલીસ તપાસ શરૂ
