Uttarpradesh News : ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. અત્યાર સુધી સમાજવાદી પાર્ટી (SP) અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ખેંચતાણની ચર્ચા હતી, પરંતુ હવે ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધનમાં પણ બેઠકોને લઈને ખેંચતાણના સંકેતો મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી(UP Election 2027 )પહેલાં ભાજપના સાથી પક્ષોએ વધુ બેઠકોની માગણી શરૂ કરતાં ગઠબંધનના (NDA Alliance)રાજકીય સમીકરણો ચર્ચામાં આવ્યા છે. પૂર્વાંચલથી લઈને પશ્ચિમ ઉત્તર પ્રદેશ સુધી સહયોગી પક્ષોના વધતા દબાણને કારણે ભાજપ સામે બેઠકોની વહેંચણીનો પડકાર ઊભો થઈ શકે છે.
NDA Alliance: સહયોગી પક્ષોની વધી બેઠકોની માગણી
ઉત્તર પ્રદેશમાં ભાજપના સહયોગી પક્ષો આગામી ચૂંટણીમાં 2022ની સરખામણીએ વધુ બેઠકો મેળવવા માંગે છે. અપના દળ (એસ), નિષાદ પાર્ટી (Nishad Party), સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા) અને રાષ્ટ્રીય લોકદળ (RLD) પોતાના રાજકીય પ્રભાવના આધારે વધુ બેઠકોની દાવેદારી કરી રહ્યા છે.
2022ની વિધાનસભા ચૂંટણીમાં અપના દળ (Apna Dal)એ 17 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી 12 બેઠકો પર જીત મેળવી હતી. એટલે કે પાર્ટીનો સ્ટ્રાઈક રેટ આશરે 70 ટકા રહ્યો હતો. બીજી તરફ નિષાદ પાર્ટીએ (Nishad Party)પોતાના ચૂંટણી ચિહ્ન પર 10 બેઠકો પર ચૂંટણી લડીને 6 બેઠકો જીતી હતી. આ ઉપરાંત ભાજપના ચિહ્ન પર ચૂંટણી લડેલા નિષાદ પાર્ટીના (Nishad Party)6 ઉમેદવારોમાંથી 5 ઉમેદવારો પણ વિજયી બન્યા હતા.
તાજેતરમાં નિષાદ પાર્ટીના પ્રમુખ ડૉ. સંજય નિષાદે એવું નિવેદન આપ્યું હતું કે 2022માં ભાજપ જે 100થી વધુ બેઠકો પર હારી હતી, તે બેઠકોમાંથી સહયોગી પક્ષોને તક આપવી જોઈએ. તેમના આ નિવેદનને આગામી ચૂંટણીમાં વધુ બેઠકો મેળવવાની રણનીતિ તરીકે જોવામાં આવી રહ્યું છે.
BJP Seat Sharing: લોકસભા ચૂંટણી બાદ સાથી પક્ષોના તેવર આક્રમક
2022ની ચૂંટણીમાં ભાજપના કેટલાક અન્ય સહયોગી પક્ષોનું પ્રદર્શન અપેક્ષા કરતાં નબળું રહ્યું હતું. જયંત ચૌધરીની RLDએ 33 બેઠકો પર ચૂંટણી લડીને 8 બેઠકો જીતી હતી. જ્યારે ઓમપ્રકાશ રાજભરની સુભાસપાએ 19 બેઠકોમાંથી 6 બેઠકો પર વિજય મેળવ્યો હતો.
જોકે, ત્યારબાદ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપના પ્રદર્શન અને રાજ્યમાં બદલાતા જ્ઞાતિગત સમીકરણોએ પ્રાદેશિક પક્ષોનું મહત્ત્વ વધાર્યું છે. આ જ કારણ છે કે હવે સહયોગી પક્ષો માત્ર ગઠબંધનમાં રહેવા નહીં, પરંતુ પોતાની રાજકીય તાકાત પ્રમાણે બેઠકો મેળવવા માંગે છે.
પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જયંત ચૌધરીની RLDનું પ્રભુત્વ છે, જ્યારે પૂર્વાંચલમાં નિષાદ પાર્ટી, અપના દળ અને સુભાસપા પોતાનો રાજકીય આધાર મજબૂત હોવાનો દાવો કરે છે. આવી સ્થિતિમાં ભાજપ માટે દરેક પક્ષની માગણીઓ વચ્ચે સંતુલન જાળવવું સરળ નહીં હોય.
Nishad Party: પૂર્વાંચલમાં એક બેઠક પર ત્રણ પક્ષોની નજર
ભાજપ માટે સૌથી મોટો પડકાર પૂર્વાંચલમાં ઊભો થઈ શકે છે. અહીં NDAના ત્રણ સહયોગી પક્ષોનો મતદાર વર્ગ અને રાજકીય પ્રભાવ એકબીજાને મળતો આવે છે. નિષાદ પાર્ટી નિષાદ, કેવટ, બિંદ, મલ્લાહ, સહની, કશ્યપ અને અન્ય સંબંધિત સમુદાયોના સમર્થનનો દાવો કરે છે. ગોરખપુર, બસ્તી, અયોધ્યા, આઝમગઢ, પ્રયાગરાજ અને વારાણસી જેવા વિસ્તારોમાં પાર્ટી પોતાની દાવેદારી મજબૂત માને છે.

બીજી તરફ ઓમપ્રકાશ રાજભરની સુભાસપાને રાજભર સમાજ ઉપરાંત અન્ય પછાત વર્ગોનું સમર્થન મળતું હોવાનો દાવો છે. ગાઝીપુર, ઘોસી, બલિયા અને જૌનપુર જેવા વિસ્તારોમાં પાર્ટીનો પ્રભાવ માનવામાં આવે છે.
અનુપ્રિયા પટેલના નેતૃત્વ હેઠળનું અપના દળ (એસ) પણ પૂર્વાંચલમાં પોતાની રાજકીય પકડ ધરાવે છે. પરિણામે એક જ વિસ્તારમાં અલગ-અલગ પક્ષો એક જ બેઠક પર દાવેદારી કરે તેવી શક્યતા છે. આ સ્થિતિમાં ભાજપે બેઠકોની વહેંચણી માટે ખાસ રાજકીય ગણતરી કરવી પડશે.
Chirag Paswan: ચિરાગની એન્ટ્રીથી ભાજપની ચિંતા વધી શકે
NDAની અંદર બેઠકોની ખેંચતાણ વચ્ચે બિહારના નેતા ચિરાગ પાસવાનની (Chirag Paswan)લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ની ઉત્તર પ્રદેશમાં વધતી સક્રિયતા પણ ચર્ચામાં છે. ચિરાગ પાસવાન હવે યુપીમાં પોતાની પાર્ટીનો રાજકીય આધાર વિસ્તારવા માંગે છે.
તેમણે સંકેત આપ્યા છે કે ભાજપ સાથે બેઠકોની વહેંચણી અંગે સહમતી નહીં બને તો તેમની પાર્ટી સ્વતંત્ર રીતે ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે. નાગાલેન્ડનું ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું હતું કે ત્યાં પાર્ટીએ ગઠબંધન વિના ચૂંટણી લડીને બે ધારાસભ્યો જીતાડ્યા હતા.
યુપીમાં વિધાનસભાની કુલ 403 બેઠકો છે. આવી સ્થિતિમાં જો ચિરાગ પાસવાનની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કરે તો ભાજપના મતગણિત પર તેની અસર પડી શકે છે.
આમ, એક તરફ સપા અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની ખેંચતાણ છે, તો બીજી તરફ NDAમાં પણ સહયોગી પક્ષોની વધતી માગણીઓ ભાજપ માટે પડકાર બની રહી છે. આગામી ચૂંટણીમાં ભાજપ માટે માત્ર વિપક્ષનો સામનો કરવો જ નહીં, પરંતુ પોતાના સાથી પક્ષોને સાથે રાખીને બેઠકોની વહેંચણીનું ગણિત બેસાડવું પણ એટલું જ મહત્ત્વનું રહેશે.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે સંભવિત ઉમેદવારોની યાદી આવી સામે
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી ક્યાંથી લડશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ!
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનો પ્રચાર પૂર્ણ, CM યોગી સહિત આ દિગ્ગજ નેતાઓ મેદાનમાં
