Punjab crime news: પંજાબ પોલીસે આતંકી ગતિવિધિઓને અંજામ આપવાના કથિત ષડયંત્રનો ભાંડો ફોડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના ઇશારે કામ કરતા શંકાસ્પદ નેટવર્ક સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે 4 સગીરો સહિત કુલ 9 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પેટ્રોલ બોમ્બ, બોટલ બોમ્બ, પિસ્તોલ, કારતૂસ સહિતનો શંકાસ્પદ સામાન કબજે કરવામાં આવ્યો છે.
અમૃતસર પોલીસે જણાવ્યું કે, આ કાર્યવાહી દરમિયાન બે અલગ-અલગ ગેંગ સાથે જોડાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ નેટવર્ક દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે યુવાનોને લલચાવીને તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
જંતર-મંતર સાથે જોડાયેલી કડી સામે આવી
પોલીસ તપાસમાં એક ગેંગનું કનેક્શન દિલ્હીના જંતર-મંતર વિસ્તારમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન સાથે હોવાનું સામે આવ્યું છે. તપાસ મુજબ, ગેંગ સાથે જોડાયેલા કેટલાક લોકો જંતર-મંતર ખાતે ચાલી રહેલા ધરણામાં પહોંચ્યા હતા અને ત્યાં તેમને સ્થાનિક મદદ તથા જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જોકે, સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે તેમનો પ્રયાસ સફળ થઈ શક્યો નહોતો અને બાદમાં તેઓ પંજાબ પરત ફર્યા હતા.
રેલવે ટ્રેક પર લગાવ્યો હતો CCTV કેમેરો
બીજી ગેંગની તપાસ દરમિયાન પોલીસને વધુ એક ચોંકાવનારી માહિતી મળી છે. આરોપીઓએ સંવેદનશીલ રેલવે ટ્રેક નજીક CCTV કેમેરા લગાવીને તેનો લાઇવ ફીડ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.
પોલીસે જોડા ફાટક નજીકથી એક કેમેરો મળી આવ્યા બાદ મોહકમપુરા વિસ્તારના રહેવાસી વંશ કુમાર અને એક સગીરને ઝડપી લીધા હતા. તેમની પાસેથી હથિયારો પણ મળી આવ્યા હોવાનું પોલીસનું કહેવું છે.
સગીરોને આર્થિક લાલચ આપી ફસાવ્યા હોવાનો ખુલાસો
અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા કેટલાક સગીરો આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવે છે. તેમને પૈસાની લાલચ આપીને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કરવામાં આવ્યા હોવાની આશંકા છે.
હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં વિદેશી ફંડિંગ, ISI સાથેના સંબંધો, હથિયારોની સપ્લાય ચેઇન અને આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનો દાવો છે કે તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર નેટવર્કની વધુ વિગતો સામે આવી શકે છે.
આ પણ વાંચો: વડોદરા ATS તપાસ: જૈશ-એ-મોહમ્મદના બે શંકાસ્પદ આતંકીઓ સયાજીગંજની હોટલમાં રોકાયા હોવાનો ખુલાસો
આ પણ વાંચો: ગુજરાત ATSના રડારમાં આતંકી બિલાલ: કઠવાડાની હોટલમાં એક વર્ષ રોકાયો, CCTVથી સામે આવી હિલચાલ
આ પણ વાંચો: પહલગામ આતંકી હુમલામાં NIA નું મોટું પગલું; લશ્કર ચીફ હાફિઝ સઈદ વિરુદ્ધ ગુનાહિત કાવતરાની ચાર્જશીટ દાખલ
