National News/ સૌરવ દાસના પાસપોર્ટ પર વિદેશ મંત્રાલયની કાર્યવાહી, 7 દિવસમાં જવાબ આપવા નોટિસ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે (Randhir Jaiswal) બુધવારે યોજાયેલી પ્રેસ બ્રીફિંગમાં આ કાર્યવાહી અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સંબંધિત કાયદા અમલીકરણ એજન્સીઓ પાસેથી મળેલા અહેવાલોના આધારે 23 નવેમ્બરના રોજ સૌરવ દાસ (Sourav Das)ને નોટિસ મોકલવામાં આવી હતી.

India
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતા સૌરવ દાસ (Sourav Das) મુશ્કેલીમાં મુકાયા છે. તેમના પાસપોર્ટમાં જન્મસ્થળ અંગેની માહિતીમાં કથિત વિસંગતતા સામે આવ્યા બાદ વિદેશ મંત્રાલયે (Ministry of External Affairs) કારણદર્શક નોટિસ ફટકારી છે

National News : કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતા સૌરવ દાસ (Sourav Das) મુશ્કેલીમાં મુકાયા છે. તેમના પાસપોર્ટમાં જન્મસ્થળ અંગેની માહિતીમાં કથિત વિસંગતતા સામે આવ્યા બાદ વિદેશ મંત્રાલયે (Ministry of External Affairs) કારણદર્શક નોટિસ ફટકારી છે. ચેન્નાઈ સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ કાર્યાલય (RPO) દ્વારા જારી કરવામાં આવેલી આ નોટિસનો (Passport Notice)સાત દિવસમાં જવાબ આપવા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં, જ્યાં સુધી આ મામલે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી પાસપોર્ટનો ઉપયોગ નહીં કરવાની પણ તાકીદ કરવામાં આવી છે.

7 દિવસમાં જવાબ આપવો પડશે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે (Randhir Jaiswal) બુધવારે યોજાયેલી પ્રેસ બ્રીફિંગમાં આ કાર્યવાહી અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સંબંધિત કાયદા અમલીકરણ એજન્સીઓ પાસેથી મળેલા અહેવાલોના આધારે 23 નવેમ્બરના રોજ સૌરવ દાસને નોટિસ મોકલવામાં આવી હતી.

નોટિસમાં પાસપોર્ટ અરજી દરમિયાન દર્શાવવામાં આવેલા જન્મસ્થળ અંગેની માહિતી પર સ્પષ્ટતા માગવામાં આવી છે. સૌરવ દાસને પોતાનો પક્ષ રજૂ કરવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ દરમિયાન તેમને પાસપોર્ટનો (Sourav Das Passport) ઉપયોગ નહીં કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

પાસપોર્ટમાં ખોટી માહિતી આપવી પડી શકે ભારે

વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પાસપોર્ટ માટે અરજી કરતી વખતે દરેક અરજદારે સાચી અને સંપૂર્ણ માહિતી આપવી જરૂરી છે. અરજીમાં કોઈ વિસંગતતા જોવા મળે અથવા માહિતી છુપાવવામાં આવી હોવાની શંકા ઊભી થાય તો સંબંધિત વ્યક્તિને કારણદર્શક નોટિસ (Passport Notice)આપવામાં આવી શકે છે.

આ નોટિસનો હેતુ અરજદારને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવાનો છે. હવે સૌરવ દાસના જવાબના આધારે પાસપોર્ટ વિભાગ આગળની કાર્યવાહી નક્કી કરશે.

ભારત-રશિયા અને ભારત-ચીન સંબંધો પર પણ ચર્ચા

પ્રેસ બ્રીફિંગ દરમિયાન રણધીર જયસ્વાલે ભારત-રશિયા સંબંધો અંગે પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. છેલ્લા કેટલાક અઠવાડિયાંમાં દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી છે.

ભારત-ચીન સરહદ મુદ્દે તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે રાજદ્વારી અને સૈન્ય સ્તરે વાતચીત ચાલુ છે. પૂર્વીય ક્ષેત્રમાં વરિષ્ઠ સૈન્ય કમાન્ડરોની બેઠક પણ યોજાઈ હતી. વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર વ્યવસ્થાપન સુધારવા અને બાકી રહેલા મુદ્દાઓ ઉકેલવા ભારત પ્રયાસ કરી રહ્યું છે.

અમેરિકામાંથી 1700 ભારતીયોને દેશનિકાલ

અમેરિકામાંથી ભારતીય નાગરિકોને પરત મોકલવાના મુદ્દે વિદેશ મંત્રાલયે આંકડા જાહેર કર્યા હતા. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ 1,700 ભારતીય નાગરિકોને અમેરિકામાંથી દેશનિકાલ કરવામાં આવ્યા છે.

પ્રવક્તાએ જણાવ્યું કે ભારત ગેરકાયદેસર ઇમિગ્રેશનનો વિરોધ કરે છે અને આ મુદ્દે અમેરિકી વહીવટીતંત્ર સાથે સહયોગ કરે છે. કોઈ વ્યક્તિને ભારત પરત મોકલવાની માહિતી મળ્યા બાદ સૌપ્રથમ તેની રાષ્ટ્રીયતાની ચકાસણી કરવામાં આવે છે. ભારતીય નાગરિકતા પુષ્ટિ થયા બાદ તેને સ્વદેશ પરત લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે.


આ પણ વાંચો: વિદેશ જવા પર રોક સામે CJP નેતા સૌરવ દાસની અરજી, દિલ્હી હાઈકોર્ટે આજે સુનાવણીનો કર્યો ઇનકાર

આ પણ વાંચો: CJP નેતાઓની મુશ્કેલી વધી: સૌરવ દાસ અને આશુતોષ રંકાની કસ્ટડી વધારવાની માંગ

આ પણ વાંચો CJP ના પ્રદર્શન પહેલા વિવાદ; સૌરવ દાસનો દાવો – “પોલીસ દસ્તાવેજમાં નંબર લીક થતાં એક કલાકમાં આવ્યા 300 ફોન”