World News : ઇજિપ્તની રાજધાની કૈરોમાં એક ભયાનક માર્ગ અકસ્માત (Cairo Accident)સર્જાયો છે. રિંગ રોડ પર દોડી રહેલું ઓઇલ ટેન્કર અચાનક કાબૂ ગુમાવી પલટી જતાં તેમાં ભીષણ આગ (Egypt Oil Tanker Fire )ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે આસપાસનાં અનેક વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયાં હતાં. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 31 લોકોનાં મોત (31 Dead)થયાં છે, જ્યારે 21થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં અનેકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ઓઇલ ટેન્કર પલટી જતાં ભીષણ આગ, અનેક વાહનો બળીને ખાખ
પ્રાથમિક અહેવાલો અનુસાર, કૈરોના રિંગ રોડ પર ઝડપથી જઈ રહેલા ઓઇલ ટેન્કરે અચાનક કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ ટેન્કર હાઇવે પર પલટી ગયું અને તેમાં વિસ્ફોટ સાથે આગ (Oil Tanker Explosion )લાગી હતી. ટેન્કરમાં રહેલા તેલને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આગની લપેટમાં આસપાસમાંથી પસાર થઈ રહેલી ડઝનબંધ કાર પણ આવી ગઈ હતી. ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની તીવ્રતા એટલી વધારે હતી કે અનેક વાહનો બળીને ખાખ થઈ ગયાં હતાં.
Egypt Oil Tanker Fire : 31 લોકોનાં મોત, 21થી વધુ ઘાયલ; મૃત્યુઆંક વધવાની આશંકા
આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 31 લોકોનાં મોત (31 Dead)થયાં હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે 21થી વધુ લોકો ઘાયલ થયા છે. ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
ઘાયલોને ઝાયેદ સ્પેશિયલાઇઝ્ડ, ઇમ્બાબા જનરલ અને વારક સેન્ટ્રલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બચાવ કામગીરી માટે 39 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
અલ-વારક જિલ્લામાં ટનલ પાસે સર્જાયો અકસ્માત
આ ભયાનક અકસ્માત કૈરોના ઇમ્બાબા ઉપનગર નજીક આવેલા વારક વિસ્તારમાં સર્જાયો હતો. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગીઝાના અલ-વારક જિલ્લામાં એક ટનલની ઉપર આ આગની ઘટના બની હતી.
કૈરો રિંગ રોડ ગ્રેટર કૈરોના મુખ્ય હાઇવેને જોડે છે. આ માર્ગ કૈરો, ગીઝા અને કાલ્યુબિયા પ્રાંતો વચ્ચે વાહનવ્યવહાર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અકસ્માત બાદ આ વિસ્તારમાં વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
ઇજિપ્તના રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બચાવ અને રાહત કામગીરી દરમિયાન ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા.
ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ આ દુર્ઘટના અંગે નિવેદન જાહેર કરીને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સાથે જ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. આટલી મોટી સંખ્યામાં જાનહાનિ થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.
