Gujarat News : સિદ્ધપુરના કાત્યોકના મેળામાં (Sidhpur Fair)ઊંટોની ખરીદી-વેચાણ માટે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના વેપારીઓ ઉમટી પડ્યા છે. 35 હજારથી લઈને દોઢ લાખ રૂપિયા સુધીની કિંમતના ઊંટ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે યોજાતા પરંપરાગત કાત્યોકના મેળામાં (Kartik Purnima Fair)આ વર્ષે ઊંટોનું મોટું બજાર (Camel Market)ભરાયું છે. ચૌદશથી પાંચમ સુધી ચાલતા સાત દિવસના મેળામાં રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના વેપારીઓ મોટી સંખ્યામાં ઊંટો લઈને સરસ્વતી નદીના તટે પહોંચ્યા છે. અહીં 35 હજારથી લઈને દોઢ લાખ રૂપિયા સુધીની કિંમતના ઊંટ જોવા મળી રહ્યા છે. આ વર્ષે 2 હજારથી વધુ ઊંટ વેચાણ માટે લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
Sidhpur Fair : રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના વેપારીઓનો મેળાવડો
સિદ્ધપુરના મેળામાં ઊંટોની ખરીદી-વેચાણ (Camel Buying)માટે રાજસ્થાનના બાડમેર, જેસલમેર, બિકાનેર, જાલોર, સાંચોર, નાગોર સહિતના વિસ્તારોમાંથી વેપારીઓ (Rajasthan Traders)આવ્યા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતનાં વિવિધ ગામોના વેપારીઓએ પણ સરસ્વતી નદીના કિનારે પોતાના ધામા નાખ્યા છે.
વૌઠાના મેળામાં ગધેડાંના વેચાણની જેમ સિદ્ધપુરનો કાત્યોકનો મેળો ઊંટોના વેપાર માટે જાણીતો છે. રાજસ્થાનના પુષ્કર મેળાની જેમ અહીં પણ જાતવાન ઊંટોની ખરીદી-વેચાણ થાય છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે અંદાજે 300થી 400 જેટલા ઊંટોની લે-વેચ (Camel Buying)થઈ છે.
ઊંટની જાત પ્રમાણે નક્કી થાય છે કિંમત
મેળામાં ઊંટોની કિંમત તેમની જાત, રંગ, શરીરની બનાવટ અને વિશેષતાઓના આધારે નક્કી થાય છે. ભાટિકા છાપવાળા ઊંટને ઊંચી ઓલાદનો માનવામાં આવે છે. જ્યારે બિકાનેરી ઊંટને તેના કાન અને નાક પરના વાળ પરથી ઓળખવામાં આવે છે. જેસલમેરી ઊંટની ઓળખ તેના રંગ તેમજ કાન અને આંખની આસપાસના વાળ પરથી થાય છે.
વેપારીઓના જણાવ્યા પ્રમાણે, જેસલમેરી ઊંટની કિંમત 35થી 40 હજાર રૂપિયા, બિકાનેરી ઊંટની કિંમત 30થી 35 હજાર રૂપિયા અને દેશી ઊંટની કિંમત 20થી 30 હજાર રૂપિયા સુધી હોય છે. મારવાડી ઊંટ 30થી 42 હજાર રૂપિયામાં વેચાય છે. જ્યારે ભાટીબા અને નૈઈડ જાતિના ઊંટની કિંમત 50 હજારથી એક લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. કેટલાક ઊંટોની કિંમત દોઢ લાખ રૂપિયા સુધી પણ જોવા મળે છે.
ખેતીમાં આજે પણ ઉપયોગી છે ઊંટ
રાજસ્થાનથી છેલ્લા 10 વર્ષથી સિદ્ધપુરના મેળામાં આવતા વેપારી ઈમરાનભાઈએ જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં આજે પણ ખેતીનાં કામોમાં ઊંટનો ઉપયોગ થાય છે. ખાસ કરીને જીરાના પાકમાં આંતરખેડ કરવા, હળ જોડીને જમીન ખેડવા અને કૂવામાંથી પાણી કાઢવા જેવા કામોમાં ઊંટ ઉપયોગી સાબિત થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજસ્થાનના બાડમેર, સાંચોર અને જાલોર જેવા વિસ્તારોમાં કેટલાક ખેડૂતો પાસે 50થી 70 ઊંટ હોય છે. મોટા ખેડૂતો પાસેથી નાના ખેડૂતો ઊંટ ખરીદે છે અને ત્યારબાદ મેળામાં વેચાણ માટે લાવે છે. તેઓ આ વર્ષે પણ 30 ઊંટ લઈને સિદ્ધપુરના મેળામાં વેચાણ માટે આવ્યા છે.
આમ, સિદ્ધપુરનો કાત્યોકનો મેળો (Kartik Purnima Fair)ધાર્મિક આસ્થા સાથે પરંપરાગત પશુ વેપારનું પણ મહત્વનું કેન્દ્ર બન્યો છે. ઊંટોની વિવિધ જાતો અને તેમની કિંમત જોવા માટે મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટી રહ્યા છે.
