National News/ બંધારણ દિવસ પર PM મોદીનો વિપક્ષ પર પ્રહાર, યુવાનોને આપી ખાસ સલાહ; 2047 માટે આપ્યો મંત્ર

બંધારણ દિવસ (Constitution Day)નિમિત્તે ભાજપ દ્વારા દેશભરમાં બંધારણ ગૌરવ દિવસ (Samvidhan Gaurav Diwas)ની ઉજવણી કરવામાં આવી રહી છે

India
દેશભરમાં આજે 26 નવેમ્બરે બંધારણ દિવસ (Constitution Day)ની ઉજવણી કરવામાં આવી રહી છે

National News : દેશભરમાં આજે 26 નવેમ્બરે બંધારણ દિવસ (Constitution Day)ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઐતિહાસિક અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક લેખ દ્વારા ભારતીય બંધારણના મહત્વ, લોકશાહીની મજબૂતી અને દેશના વિકાસમાં તેની ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કર્યા છે. આ સાથે જ તેમણે વિપક્ષની રાજકીય વિચારધારા પર સવાલ ઉઠાવ્યા છે અને દેશના યુવાનોને બંધારણના મૂલ્યો સમજવા ખાસ અપીલ કરી છે. વડાપ્રધાને 2047 સુધીમાં વિકસિત ભારત (Viksit Bharat 2047)બનાવવાના લક્ષ્ય માટે નાગરિકોને રાષ્ટ્રહિત અને ફરજને પ્રાથમિકતા આપવાનો સંદેશ પણ આપ્યો છે.

બંધારણ દેશની પ્રગતિનો પાયો, યુવાનોને ખાસ અપીલ

પીએમ મોદીએ પોતાના લેખમાં ભારતીય બંધારણને દેશનો માર્ગદર્શક પ્રકાશ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે આધુનિક ભારતનું બંધારણ દેશના સમૃદ્ધ સભ્યતાના વારસામાંથી પ્રેરણા મેળવે છે. આ પ્રસંગે તેમણે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને બંધારણ સભાના તમામ સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વડાપ્રધાને કહ્યું કે યુવાનોએ બંધારણની મૂળ ભાવનાને સમજવી જોઈએ. તેમણે પોતાના અધિકારોની સાથે નાગરિક તરીકેની ફરજો પ્રત્યે પણ જાગૃત રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમના મતે, લોકશાહીને મજબૂત બનાવવા માટે દેશની બંધારણીય સંસ્થાઓનું સન્માન કરવું અત્યંત જરૂરી છે.

પીએમ મોદીએ પોતાના જીવનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સામાન્ય પરિવારમાં જન્મેલા વ્યક્તિને પણ બંધારણના કારણે દેશની સેવા કરવાની તક મળી શકે છે. બંધારણ દરેક નાગરિકને સમાન તક આપવાની શક્તિ ધરાવે છે.

ગરીબીમાંથી બહાર આવેલા 50 કરોડ લોકોનો ઉલ્લેખ

પીએમ મોદીએ પોતાના લેખમાં સામાજિક અને આર્થિક ન્યાયના મુદ્દાને પણ મહત્વ આપ્યું હતું. તેમણે વિશ્વ બેંકના અહેવાલનો ઉલ્લેખ કરતાં દાવો કર્યો કે ભારતના લગભગ 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, આયુષ્માન ભારત, મુદ્રા યોજના, પીએમ સ્વનિધિ અને UPI જેવી પહેલોને સામાન્ય લોકોના જીવનમાં આવેલા પરિવર્તનનાં ઉદાહરણ ગણાવ્યાં હતાં.

વડાપ્રધાને ત્રણ બંધારણીય સુધારાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. 101મા સુધારાથી GST અમલીકરણનો માર્ગ મોકળો થયો, 102મા સુધારાથી રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો મળ્યો અને 103મા સુધારા દ્વારા આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી.

તેમણે જણાવ્યું કે હવે બંધારણ આઠમી અનુસૂચિની તમામ 22 ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ભારતીય ન્યાય સંહિતાને વસાહતી કાળની દંડ આધારિત વ્યવસ્થામાંથી નાગરિક કેન્દ્રિત ન્યાય વ્યવસ્થા તરફનું પગલું ગણાવ્યું હતું.

જૂના બંધારણીય સુધારા અને કલમ 356નો ઉલ્લેખ કરી વિપક્ષને ઘેર્યો

પીએમ મોદીએ પોતાના લેખમાં અગાઉના કેટલાક બંધારણીય સુધારાઓને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પ્રથમ બંધારણીય સુધારા અને 42મા સુધારાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભૂતકાળમાં કેટલાક નિર્ણયો દ્વારા નાગરિકોની સ્વતંત્રતા અને ન્યાયિક સમીક્ષાની શક્તિ પર અસર થઈ હતી.

તેમણે યુવાનોને 38મા અને 39મા બંધારણીય સુધારાનો અભ્યાસ કરવાની સલાહ આપી હતી, જેથી તેઓ સમજી શકે કે સત્તાનો દુરુપયોગ લોકશાહી માટે કેવી રીતે પડકાર ઊભો કરી શકે છે.

આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે એક પક્ષ દ્વારા રાજ્ય સરકારોને બરતરફ કરવા માટે બંધારણની કલમ 356નો વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ OBC અનામત અને મુસ્લિમ અનામતના મુદ્દે પણ વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે દાવો કર્યો કે દેશનો સૌથી મોટો વિપક્ષી પક્ષ OBC અનામતના હિસ્સામાં ઘટાડો કરીને મુસ્લિમ અનામતની વ્યવસ્થા કરવા માગે છે.

મહિલા અનામત અને વિકસિત ભારત 2047નો સંકલ્પ

પોતાના લેખમાં પીએમ મોદીએ મહિલાઓના અધિકારો અને રાજકીય ભાગીદારીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે બંધારણ નિર્માણમાં યોગદાન આપનારી મહિલાઓને યાદ કરી મહિલા અનામત (Women Reservation)પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે જ વિપક્ષ પર મહિલા અનામત બિલના માર્ગમાં અવરોધ ઊભો કરવાનો આરોપ લગાવ્યો હતો.

વડાપ્રધાને કલમ 370 અને 35Aમાં 2019માં કરવામાં આવેલા ફેરફારોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેનાથી જમ્મુ-કાશ્મીરમાં અનેક વર્ગોને તેમના બંધારણીય અધિકારો મળવાનો માર્ગ ખુલ્યો. તેમણે નક્સલવાદ સામેની કાર્યવાહીનો ઉલ્લેખ કરીને પણ વિકાસ અને લોકશાહી અધિકારો વચ્ચેના સંબંધની વાત કરી હતી.

લેખના અંતમાં પીએમ મોદીએ (PM Modi)દેશવાસીઓને ‘વિચારમાં ભારત પ્રથમ અને કાર્યમાં ફરજ’નો મંત્ર આપ્યો હતો. તેમણે કહ્યું કે જો દરેક નાગરિક રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપે અને પોતાની ફરજો નિભાવે તો 2047 સુધીમાં વિકસિત ભારતનું સપનું સાકાર થઈ શકે છે.

ભાજપનું પાંચ દિવસનું બંધારણ જાગૃતિ અભિયાન

બીજી તરફ, બંધારણ દિવસ (Constitution Day)નિમિત્તે ભાજપ દ્વારા દેશભરમાં બંધારણ ગૌરવ દિવસ (Samvidhan Gaurav Diwas)ની ઉજવણી કરવામાં આવી રહી છે. પાર્ટીએ 26 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી પાંચ દિવસનું રાષ્ટ્રવ્યાપી બંધારણ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.

આ અભિયાન અંતર્ગત બંધારણના મૂલ્યો, આદર્શો અને લોકશાહી પરંપરાઓ અંગે લોકોને જાગૃત કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હીના શ્યામા પ્રસાદ મુખર્જી સિવિક સેન્ટર ખાતે બપોરે 3:30 વાગ્યે કાર્યક્રમને સંબોધિત કરશે.

આ ઉપરાંત ભાજપ અધ્યક્ષ નીતિન નવીન પટનામાં કાર્યક્રમમાં ભાગ લેશે, જ્યારે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અમદાવાદમાં જાહેર કાર્યક્રમને સંબોધિત કરશે. ભાજપે 1 ડિસેમ્બરથી ‘સેવાદૂત અભિયાન’ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે.


આ પણ વાંચો: બંધારણ દિવસ: ન્યાયતંત્રમાંથી ‘તારીખ પે તારીખ’ની સમસ્યા દૂર કરવા CJI સૂર્યકાંતનો મોટો પ્લાન

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બંધારણ દિવસે ગાંધીનગરમાં આંબેડકર પ્રતિમા ને અંજલિ આપી…

આ પણ વાંચો: 26 નવેમ્બરે જ કેમ ઉજવાય છે ‘બંધારણ દિવસ’..? ભારતનું બંધારણ કેટલા દિવસમાં તૈયાર થયું હતું એ વિશે જાણો…