National News : બિહારના પૂર્વ સાંસદ આનંદ મોહનની (Anand Mohan)અકાળ મુક્તિ મામલે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો (Supreme Court Verdict)આપ્યો છે. 1994માં તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ જી. કૃષ્ણૈયાની હત્યાના કેસમાં (G Krishnaiah Murder Case)આજીવન કેદની સજા ભોગવી રહેલા આનંદ મોહનની મુક્તિ માટે બિહાર સરકારે કરેલો જેલ નિયમોમાં સુધારો ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યો છે. કોર્ટે તેમને એક મહિનાની અંદર આત્મસમર્પણ કરીને ફરી જેલમાં જવાનો આદેશ આપ્યો છે.
આનંદ મોહનને મોટો ઝટકો, એક મહિનામાં જેલમાં જવું પડશે
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી બિહારના રાજકારણમાં ચર્ચા શરૂ થઈ છે. કોર્ટે આનંદ મોહનની (Anand Mohan)અકાળ મુક્તિનો આધાર બનેલા બિહાર સરકારના 2023ના નિયમોમાં કરાયેલા સુધારાને ગેરબંધારણીય ઠેરવ્યો છે. આ સાથે જ તેમને એક મહિનાની અંદર સંબંધિત જેલ સત્તાધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આનંદ મોહનને એપ્રિલ 2023માં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમની મુક્તિ સામે દિવંગત જિલ્લા મેજિસ્ટ્રેટ જી. કૃષ્ણૈયાની પત્ની ઉમા દેવી કૃષ્ણૈયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે બિહાર સરકારના નિર્ણયને પડકારતાં મુક્તિ રદ કરવાની માગ કરી હતી.
2023માં બિહાર સરકારે જેલના નિયમોમાં કર્યો હતો ફેરફાર
આનંદ મોહનની મુક્તિ માટે બિહાર સરકારે જેલના નિયમોમાં ફેરફાર કર્યો હતો. અગાઉ ફરજ પર રહેલા સરકારી કર્મચારીની હત્યાના ગુનામાં દોષિત વ્યક્તિને અકાળ મુક્તિનો લાભ આપવામાં મુશ્કેલી હતી. જોકે, રાજ્ય સરકારે નિયમોમાં સુધારો કરીને આ શ્રેણીના કેદીઓ માટે પણ મુક્તિનો માર્ગ ખોલ્યો હતો.
આ સુધારા બાદ આનંદ મોહનને એપ્રિલ 2023માં મુક્ત કરવામાં આવ્યા હતા. આ નિર્ણય સામે ઉમા દેવી કૃષ્ણૈયાએ કાનૂની લડત શરૂ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે નિયમોમાં ફેરફાર કરીને આનંદ મોહનને (Anand Mohan)વિશેષ લાભ આપવામાં આવ્યો હતો અને મુક્તિનો નિર્ણય યોગ્ય પ્રક્રિયા વિના લેવામાં આવ્યો હતો.
શું છે 1994નો જી. કૃષ્ણૈયા હત્યા કેસ?
આ સમગ્ર મામલો 1994નો છે. તે સમયે બિહારના ગોપાલગંજના જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે જી. કૃષ્ણૈયા ફરજ બજાવતા હતા. એક ટોળાએ તેમની હત્યા કરી હતી. આ કેસમાં આનંદ મોહનને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
5 ઓક્ટોબર 2007ના રોજ નીચલી અદાલતે આનંદ મોહનને મૃત્યુદંડની સજા ફટકારી હતી. જોકે, 10 ડિસેમ્બર 2008ના રોજ પટના હાઈકોર્ટે મૃત્યુદંડને આજીવન કેદમાં ફેરવી દીધો હતો. ત્યારબાદ જુલાઈ 2012માં સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો.
પત્નીએ સુપ્રીમ કોર્ટમાં ઉઠાવ્યો હતો મુક્તિનો મુદ્દો
જી. કૃષ્ણૈયાની પત્ની ઉમા દેવી કૃષ્ણૈયાએ આનંદ મોહનની અકાળ મુક્તિ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી દરમિયાન તેમના વકીલ સિદ્ધાર્થ લુથરાએ દલીલ કરી હતી કે આનંદ મોહનને અનેક વખત પેરોલ આપવામાં આવી હતી અને માફી બોર્ડે અકાળ મુક્તિનો નિર્ણય લેતી વખતે તમામ સંબંધિત પાસાઓ ધ્યાનમાં લીધા નહોતા.
બીજી તરફ, બિહાર સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે આનંદ મોહન 14 વર્ષથી વધુ સમયની વાસ્તવિક જેલની સજા ભોગવી ચૂક્યા છે. આનંદ મોહન તરફથી પણ મુક્તિનો નિર્ણય મનસ્વી ન હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરજ પર રહેલા સરકારી અધિકારીની હત્યા અને આવા ગુનાઓમાં સજા માફીના નિયમો અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. હવે કોર્ટે બિહાર સરકારના (Bihar Government)નિયમોમાં કરાયેલા સુધારાને ગેરબંધારણીય ઠેરવી આનંદ મોહનને એક મહિનામાં જેલમાં પરત ફરવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો: મુંબઈ બ્લાસ્ટ કેસ; અબુ સાલેમની વહેલી મુક્તિની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી
આ પણ વાંચો: રૂ.20ની લાંચ, 30 વર્ષની લડાઈ અને આખરે મોટી જીત! સુપ્રીમ કોર્ટે ગુજરાતના 2 કર્મચારીઓને કર્યા નિર્દોષ જાહેર
આ પણ વાંચો: ફાંસીની જગ્યાએ મોતનું ઈન્જેક્શન આપવાની માગ પર સુપ્રીમ કોર્ટે આપ્યો નિર્ણય
