Gujarat News/ રૂ.20ની લાંચ, 30 વર્ષની લડાઈ અને આખરે મોટી જીત! સુપ્રીમ કોર્ટે ગુજરાતના 2 કર્મચારીઓને કર્યા નિર્દોષ જાહેર

20 Rupees Bribe Case: વર્ષ 1996ના રૂ.20ની કથિત લાંચ કેસમાં લગભગ 30 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે ગુજરાતના રેવન્યુ કર્મચારી અને પટાવાળાની દોષસિદ્ધિ રદ કરી બંનેને નિર્દોષ જાહેર કર્યા.

Gujarat Top Stories
20 Rupees Bribe Case: 30 વર્ષ બાદ 2 આરોપીઓ નિર્દોષ

Gujarat News: વર્ષ 1996માં નોંધાયેલા માત્ર રૂ. 20ની કથિત લાંચના કેસમાં (20 Rupees Bribe Case) લગભગ ત્રણ દાયકા સુધી ચાલેલી કાનૂની લડાઈનો અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના એક રેવન્યુ કર્મચારી અને તેની સાથે કામ કરતા પટાવાળાની દોષસિદ્ધિ રદ કરીને બંનેને નિર્દોષ જાહેર (Supreme Court Judgment) કર્યા છે. જસ્ટિસ ઉજ્જલ ભુઈયા અને જસ્ટિસ અતુલ એસ. ચંદુરકરની બેન્ચે સ્પષ્ટ કર્યું કે લાંચની માંગણી સાબિત થયા વગર માત્ર રકમ મળી આવવાના આધારે કોઈ વ્યક્તિને દોષી ઠેરવી શકાય નહીં.

20 Rupees Bribe Case: શું હતો વર્ષ 1996નો સમગ્ર કેસ?

આ મામલો ફેબ્રુઆરી 1996નો છે. એક વિદ્યાર્થીએ શૈક્ષણિક છૂટછાટનો લાભ મેળવવા માટે આવકનું પ્રમાણપત્ર મેળવવા આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાની બેચરી ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક (Anand Bribery Case) કર્યો હતો.ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ, પ્રમાણપત્ર આપવા બદલ રેવન્યુ અધિકારીએ કુલ રૂ. 120ની લાંચની માંગણી કરી હતી. તેમાં રૂ. 100 પોતાના માટે અને રૂ. 20 પટાવાળા માટે નક્કી કરવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીએ ACBનો સંપર્ક કર્યો, છટકું ગોઠવાયું

કથિત લાંચની માંગણીથી પરેશાન વિદ્યાર્થીએ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ACBએ છટકું ગોઠવી વિદ્યાર્થીને રૂ. 120ની માર્ક કરાયેલી નોટો આપી કચેરીમાં મોકલ્યો હતો. પ્રમાણપત્ર મળ્યા બાદ વિદ્યાર્થીએ પટાવાળાને રૂ. 20 આપ્યા હતા અને ACBની ટીમે તરત જ તેની પાસેથી માર્ક કરાયેલી નોટ કબજે કરી હતી. જોકે, મુખ્ય રેવન્યુ અધિકારી પાસેથી કથિત રૂ. 100ની રકમ મળી આવી નહોતી.

લાંચની માંગણી જ સાબિત ન થઈ

સુપ્રીમ કોર્ટે કેસની તપાસ અને સાક્ષીઓના નિવેદનોમાં અનેક વિસંગતતાઓ નોંધ્યાં હતાં. વિદ્યાર્થીએ અગાઉના નિવેદનમાં કથિત રીતે રૂ. 200ની માંગણી અને બાદમાં રૂ. 120માં મામલો નક્કી થયાની વાત કરી હતી, પરંતુ ટ્રાયલ દરમિયાન આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળ્યો નહોતો. કોર્ટે એ મુદ્દે પણ સવાલ ઉઠાવ્યો કે ACBએ વિદ્યાર્થીને માંગણી થાય ત્યારે રૂ. 120 આપવાની સૂચના આપી હોવા છતાં તેણે માત્ર રૂ. 20 પટાવાળાને કેમ આપ્યા? મહત્વની વાત એ પણ સામે આવી કે પટાવાળાએ વિદ્યાર્થી પાસેથી રકમ માંગી હોવાનો પુરાવો સ્પષ્ટ રીતે સ્થાપિત થઈ શક્યો નહોતો.

પ્રમાણપત્ર મળ્યા બાદ આપવામાં આવ્યા હતા રૂ. 20

સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે વિદ્યાર્થીને આવકનું પ્રમાણપત્ર પહેલેથી જ આપવામાં આવી ચૂક્યું હતું અને ત્યારબાદ રૂ. 20ની રકમ પટાવાળાને આપવામાં આવી હતી. આ ઉપરાંત, બચાવ પક્ષે દલીલ કરી હતી કે બીજા દિવસે ઈદનો તહેવાર હોવાથી વિદ્યાર્થીએ પટાવાળાને રૂ. 20 આપ્યા હતા. ઉપલબ્ધ પુરાવા અને કેસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અદાલતે આ દલીલને સંપૂર્ણપણે ફગાવી નહોતી.

માત્ર રકમ મળવાથી દોષી ઠેરવી શકાય નહીં

ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની જોગવાઈઓ અંગે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આરોપી પાસેથી રકમ મળી આવવી માત્ર એક પરિસ્થિતિ છે. જો લાંચની માંગણી અને સ્વીકારનો મૂળભૂત પુરાવો જ સાબિત ન થાય, તો માત્ર રકમની વસૂલાતના આધારે દોષસિદ્ધિ ટકી શકતી નથી.

કેસ ચલાવવાની મંજૂરી પણ અમાન્ય ઠરી

અદાલતે રેવન્યુ અધિકારી સામે કેસ ચલાવવા માટે આપવામાં આવેલી સરકારી મંજૂરી એટલે કે Prosecution Sanction અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો. કોર્ટના તારણ મુજબ, મંજૂરી યોગ્ય સત્તા ધરાવતા અધિકારી દ્વારા આપવામાં આવી નહોતી. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે નીચલી અદાલત અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી દોષસિદ્ધિને રદ કરી દીધી.

30 વર્ષ બાદ આરોપીઓને રાહત

આમ, વર્ષ 1996માં શરૂ થયેલો માત્ર રૂ. 20ની કથિત લાંચનો કેસ લગભગ 30 વર્ષની કાનૂની પ્રક્રિયા બાદ આરોપીઓના પક્ષમાં પૂર્ણ થયો છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી ફરી એકવાર સ્પષ્ટ થયું છે કે ભ્રષ્ટાચારના કેસોમાં દોષસિદ્ધિ માટે લાંચની માંગણી અને સ્વીકાર સંબંધિત પુરાવાનું મજબૂત રીતે સ્થાપિત થવું જરૂરી છે.


આ પણ વાંચો: ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી 40 હજારની લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો: સરકારી કચેરીમાં ક્યાં અને કેટલી લાંચ? ભારતીય વિદ્યાર્થીની Bribes.fyi વેબસાઇટ ખોલશે ભ્રષ્ટાચારની પોલ

આ પણ વાંચો: 1 કરોડની લાંચના આરોપમાં ઘેરાયેલા IPS રાહુલ બંસલ ફરી ચર્ચામાં આવ્યા